છેતરપિંડીના કેસમાં કોર્ટે કિરણ ગોસાવીને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં છે સાક્ષી
ખંડણીના કેસોની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને લોઅર પરેલમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીની વાદળી મર્સિડીઝના CCTV ફૂટેજ મળ્યા છે. હવે આ કેસમાં કોર્ટે કિરણ ગોસાવીને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
2018ના છેતરપિંડીના કેસમાં કોર્ટે કિરણ ગોસાવીને (Kiran Gosavi) 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસે છેતરપિંડીના કેસમાં કિરણ ગોસાવીની ધરપકડ કરી છે. ગોસાવી મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)નો સ્વતંત્ર સાક્ષી પણ છે. ગોસાવીની અગાઉ પુણે પોલીસે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી અને તેને 5 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે, પુણે પોલીસે 2018ના છેતરપિંડીના કેસમાં કિરણ ગોસાવીની ધરપકડની પુષ્ટિ કરી હતી.
પૂણે પોલીસે ગોસાવી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. ત્યારે પુણે પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ કહ્યું હતું કે તેમણે 2018ના છેતરપિંડીના કેસમાં ગોસાવીની પૂણેના કાત્રજ વિસ્તારની એક લોજમાંથી સવારે 3 વાગ્યે ધરપકડ કરી હતી.
આ મામલો છે
કિરણ ગોસાવીએ KPG Dreamz Solutions નામની કંપની બનાવી હતી. આ કંપનીએ વિવિધ ક્ષેત્રના ઉમેદવારોને વિદેશમાં નોકરી આપવાનું વચન આપ્યું હતું. કંપનીએ પ્રમોશન માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. ગોસાવી સામે એક વ્યક્તિએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. આ વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે ગોસાવીએ તેને મલેશિયાની એક હોટલમાં નોકરી અપાવવાના નામે 3.09 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જ્યારે પીડિત વ્યક્તિ મલેશિયા પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.
પુણે શહેરના ફરસખાના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે ગોસાવી આ કેસમાં મુખ્ય આરોપી હતો અને 2019માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન, કિરણ ગોસાવી મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એનસીબીનો સાક્ષી બન્યો જેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કિરણ ગોસાવી આ મહિનાની શરૂઆતમાં NCBના દરોડા પછી ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સેલ્ફીમાં દેખાયો હતો.