Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વળાંક, રાજ ઠાકરેએ એકનાથ શિંદે સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શુક્રવારે સાંજે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. હાલમાં તો આ મુલાકાતને એક ઔપચારિક બેઠક હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. પરંતુ આ મુલાકાતથી અલગ રાજકીય સમીકરણ રચાઈ શકે છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) દરરોજ નવા બદલાવ અને ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી એવી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને રાજ ઠાકરેની (Raj Thackeray) જોડી ફરી સાથે આવી શકે છે અને ભાજપને સંયુક્ત રીતે લડત આપશે. પરંતુ તેમા એક નવો વળાંક આવ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શુક્રવારે સાંજે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી.
તમામ લોકોની નજર રાજ ઠાકરે પર હતી
હાલમાં તો આ મુલાકાતને એક ઔપચારિક બેઠક હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. પરંતુ આ મુલાકાતથી અલગ રાજકીય સમીકરણ રચાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં જે પ્રકારની રાજકીય ઘટનાઓ બની રહી છે ત્યારબાદથી તમામ લોકોની નજર રાજ ઠાકરે પર હતી. જણાવી દઈએ કે રાજ ઠાકરેની પાર્ટી પાસે માત્ર એક જ ધારાસભ્ય છે.
#WATCH | Mumbai: Maharashtra Navnirman Sena Chief Raj Thackeray meets CM Eknath Shinde at his residence. pic.twitter.com/yQD6qnwzsf
— ANI (@ANI) July 7, 2023
સંજય રાઉતે એક થવાના આપ્યા હતા સંકેત
શુક્રવારે સંજય રાઉતે સંકેત આપ્યો હતો કે, ઉદ્ધવ અને રાજ ઠાકરેનું એક સાથે આવવું શક્ય છે. શિવસેના બાદ NCP પણ બે જૂથોમાં વિભાજિત થઈ છે. આ સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી હતી કે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બે ભાઈ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થઈ શકે છે.
આ પણ વાંચો : Maharashtra: ઉદ્ધવ ઠાકરેને ફરી એક ઝટકો, નીલમ ગોરહે શિંદે જૂથમાં જોડાયા, સંજય રાઉતે કર્યો આ મોટો દાવો
સંજય રાઉતે કહ્યું હતું કે ઉદ્ધવ અને રાજ ભાઈ છે તેથી બંને ગમે ત્યારે સાથે આવી શકે છે, તેના માટે કોઈ વચેટિયાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, રાજ ઠાકરે સાથે મારી મિત્રતા જગજાહેર છે, તેથી આ મામલે વધું કહેવાની જરૂર નથી.
મહારાષ્ટ્રમાં શું છે રાજકીય સ્થિતિ?
મહારાષ્ટ્રની હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો અજિત પવાર એનસીપીના તેના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપ-શિંદે સરકારમાં જોડાયા છે. અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 8 નેતાને મંત્રી બનાવાયા છે. અજિત પવારની આ બગાવતથી NCP બે જૂથમાં વહેંચાઈ ગઈ અને તેનાથી વિપક્ષની એકતાને મોટો ફટકો પડ્યો છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો