મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહની આજની તમામ રેલીઓ રદ્દ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી નાગપુરથી દિલ્હી જવા રવાના થયા છે. અમિત શાહ આજે મહારાષ્ટ્રમાં ચાર જનસભાને સંબોધવાના હતા પરંતુ અચાનક એવા સમાચાર સામે આવ્યા છે કે તેઓ આજની તમામ જાહેરસભાઓ રદ કરીને નાગપુરથી દિલ્હી ગયા છે. આવું શા માટે થયું તે હજુ સુધી બહાર આવ્યું નથી. અમિત શાહ ગઢચિરોલી, વર્ધા, કાટોલ અને સાવરમાં ચૂંટણી જાહેર સભાને સંબોધન કરવાના હતા.
અમિત શાહના સ્થાને સ્મૃતિ ઈરાની હવે આ સ્થળોએ ચૂંટણી રેલીઓને સંબોધન કરશે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન છે. એક જ તબક્કામાં 288 બેઠકો પર મતદાન થશે. આવતીકાલે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં આજે શાહ જોરશોરથી પ્રચાર કરવા જઈ રહ્યા હતા પરંતુ અચાનક તેમની તમામ રેલીઓ રદ કરી દેવામાં આવી હતી. આ વખતે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે લડાઈ છે.
મહા વિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસનો સમાવેશ થાય છે, જ્યારે મહાયુતિમાં એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. અજિત 2019ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિનો ભાગ નહોતો. પરંતુ આ વખતે તેઓ ભાજપ સાથે છે. ભાજપનો દાવો છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.
જો કે ભાજપના આ દાવામાં કેટલી સત્યતા છે તે 23 નવેમ્બરે જ ખબર પડશે. આ દિવસે પરિણામ જાહેર થશે. આ પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં સીએમ યોગીના નિવેદન ‘જો બટોગે તો કટોગે’ની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેને લઈને રાજકારણ થોડું ગરમાયું છે. કેટલાક નેતાઓ તેના સમર્થનમાં છે તો કેટલાક તેનો સખત વિરોધ કરી રહ્યા છે.
મહાયુતિના કેટલાક નેતાઓ આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. અજિત પવારે પોતે આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ બધું ઉત્તરમાં ચાલતુ હશે, પરંતુ આપણા મહારાષ્ટ્રમાં નહીં ચાલે. મહારાષ્ટ્ર આંબેડકરના બંધારણ દ્વારા સંચાલિત છે. મહારાષ્ટ્ર ફૂલે, શાહુ અને આંબેડકરની વિચારધારાથી ચાલે છે. ‘જો બટોગે તો કટોગે’ જેવી બાબતો અહીં નહીં ચાલે.