મેડિકલ સ્ટાફની બેદરકારીએ 11 દર્દીનો જીવ લીધો, અહેમદનગર સિવિલ હોસ્પિટલ અગ્નિકાંડ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
અહમદનગરના SP મનોજ પાટીલે જણાવ્યુ કે, જ્યારે આગ લાગી ત્યારે કોઈ પણ સ્ટાફ મેમ્બર ત્યાં હાજર ન હતા અને બધા બહાર ચા-નાસ્તો કરી રહ્યા હતા.
Ahmednagar Hospital Fire : મહારાષ્ટ્રના અહેમદનગરમાં સિવિલ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં લાગેલી આગમાં 11 દર્દીઓના મોત થયા છે. આ કેસની તપાસમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના સંબંધીઓ અને સ્થળ પર હાજર અન્ય લોકોએ જણાવ્યું છે કે કોવિડ વોર્ડમાં આગ લાગ્યા બાદ જ્યારે દર્દીઓ મદદ માટે બુમ પાડી રહ્યા હતા ત્યારે હોસ્પિટલનો સ્ટાફ બહાર ચા-નાસ્તો કરવામાં વ્યસ્ત હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આગ લાગી ત્યારે ICU વોર્ડનો કોઈ પણ મેડિકલ સ્ટાફ (Medical Staff) હાજર ન હતો. આગ દરમિયાન વોર્ડના ઈન્ચાર્જની પણ ગેરહાજરીને કારણે દર્દીઓ મોતના મુખમાં ધકેલાયા.
ઘટના સમયે ICU વોર્ડનો કોઈ પણ મેડિકલ સ્ટાફ હાજર ન હતો
તપાસમાં એ વાત સામે આવી છે કે આગ લાગતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં રાખવામાં આવેલા અગ્નિશામક સાધનો આગને ઓલવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે આગ વધી ગઈ. જે સમયે આ આગ લાગી તે સમયે આઈસીયુ વોર્ડમાં (ICU Ward) 20 લોકો હાજર હતા. ICUમાં એવા ઘણા દર્દીઓ પણ હતા જેઓ વેન્ટિલેટર પર હતા. જે વોર્ડમાં આગ લાગી હતી તે હોસ્પિટલની બરાબર વચ્ચે છે, તેથી બચાવ કાર્યમાં પણ ઘણી મુશ્કેલી સર્જાઈ હતી.
ઘણા દર્દીઓના સંબંધીઓએ તેમની અગ્નિ પરીક્ષા વર્ણવી
વિવેક ખટીકે નામના યુવકે જણાવ્યું કે તેમના પિતાને પણ કોવિડ વોર્ડમાં (Covid Ward) દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. તેણે કહ્યું કે તે દિવસે તેના પિતાએ તેને ટેબલ ફેન લગાવવાનું કહ્યું હતું. તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે આગ લાગી હતી અને ચારેબાજુ અરાજકતા અને ધુમાડો હતો. વોર્ડમાં દાખલ થતાં તેણે તેની માતાની ચીસો સાંભળી. વિવેકે પહેલા તેની માતાને ત્યાંથી બહાર કાઢી અને પછી પિતાને ખભા પર બેસાડી 200 મીટર દૂર જૂની બિલ્ડિંગમાં બીજા વોર્ડમાં લઈ ગયો, પરંતુ સારવાર દરમિયાન પિતાએ અંતિમ શ્વાસ લીધા.
મેડિકલ સ્ટાફ ચા-નાસ્તો કરવામાં વ્યસ્ત હતો !
અહમદનગરના એસપી મનોજ પાટીલે કહ્યું કે જ્યારે આગ લાગી ત્યારે વોર્ડમાં કોઈ પણ સ્ટાફ મેમ્બર ત્યાં હાજર ન હતા અને બધા બહાર ચા-નાસ્તો કરી રહ્યા હતા. હાલ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેના (Rajesh Tope) આદેશ પર તોફખાનમા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. એસપી મનોજ પાટીલે કહ્યું કે જો હોસ્પિટલ સ્ટાફે લોકોની મદદ કરી હોત તો મહત્તમ લોકોનો જીવ બચાવી શકાયો હોત.
આ પણ વાંચો: Maharashtra: આ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રનું ફરમાન, કોરોના વેક્સિન નહીં તો પેટ્રોલ અને રાશન પણ નહીં