ભાજપ – આરએસએસને ગુજરાતથી જ સમગ્ર દેશમાં હરાવીશું : રાહુલ ગાંધી
કોંગ્રેસ પક્ષ સંગઠનક્ષેત્રે સમગ્ર દેશમાં આમૂલ પરિવર્તન કરી રહ્યું છે. સંગઠનક્ષેત્રે કરાનારા ફેરફારની શરુઆત ગુજરાતથી કરવામાં આવશે. જેના ભાગરુપે લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અરવલ્લીના મોડાસામાં અગ્રણી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ મહત્વની બેઠકના નિચોડ સ્વરૂપે, રાહુલ ગાંધીએ મોડાસામાં યોજાયેલ જાહેરસભામાં કેટલીક જાહેરાતો કરી હતી.

ગુજરાતમાં છેલ્લા 30 વર્ષોથી ભાજપનું શાસન છે. જેના કારણે કોંગ્રેસનો કાર્યકર આજે નિરાશ છે. કોંગ્રેસના કાર્યકરોની નિરાશાને ખંખેરીને ઉત્સાહીત કરવા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, મોડાસામાં ઉતર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી અને ગુજરાતના કેટલાક અગ્રણી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ જાહેરસભા પણ સંબોધી હતી. જેમાં કાર્યકરોનો ઉત્સાહ વધારતા કહ્યું કે, ભાજપ-આરએસએસનુ ગુજરાતથી જ હરાવવાની શરુઆત કરીશુ. આ એક વિચારધારાની લડાઈ છે.
ચૂંટણીમાં ઉમેદવારો સ્કાયલેબની જેમ નહીં ત્રાટકે
આ બેઠકમાં કાર્યકર્તાઓ સાથે ખુલ્લા મને કરેલ વાતચીત બાદ કેટલાક નિર્ણયો કોંગ્રેસ પક્ષે લીધા છે. જેની જાહેરાત, જાહેરસભામાં ઉપસ્થિત કાર્યકર્તાઓની વચ્ચે કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે ચૂંટણીમાં કોઈ ઉમેદવાર સ્કાયલેબની માફક નહીં ત્રાટકે. જિલ્લા પ્રમુખને વધુ અધિકાર અને સત્તા આપવામાં આવશે. જેથી જિલ્લામાં કોંગ્રેસનું ખરુ સંચાલન જિલ્લાસ્તરેથી જ કરી શકાય. જિલ્લા અને પ્રદેશના પ્રશ્નો અલગ અલગ હોઈ શકે છે. જિલ્લા સ્તરે કોંગ્રેસના કાર્યકરો જ કોંગ્રેસ ચલાવશે. આ પાયલોટ પ્રોજેક્ટની શરુઆત પણ ગુજરાતથી જ સમગ્ર દેશમાં કરવામાં આવશે.
કાર્યકર હતાશ-નિરાશ છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, પૂરો દેશ જાણે છે કે, ભાજપ-આરએસએસને કોંગ્રેસ જ હરાવી શકે છે. ભાજપ અને આરએસએસને સૌથી પહેલા જો કોઈ હરાવવાની શરૂઆત કરવી હોય તો તેનો રસ્તો ગુજરાત થઈને જ જાય છે. ગુજરાતમાં હરાવીશુ એટલે દેશમાં પણ હારશે. કોંગ્રેસનું સંગઠન પહેલા પણ ગુજરાતમાં હતું. પાર્ટીની શરુઆત પણ ગુજરાતથી થઈ હતી. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ ગુજરાતે જ આપ્યા છે. કોંગ્રેસનો કાર્યકર વર્ષોથી હતાશ છે. કાર્યકરોમાં એક પ્રકારની નિરાશા વ્યાપી જવા પામી છે. ભાજપ કે આરએસએસને હરાવવું બહું મુશ્કેલ કામ નથી. આસાન કામ છે. તમે જોઈ લેજો ગુજરાતમાં આ કામ આપણે પુરુ કરીને જ છોડીશુ.
બે નહીં ત્રણ પ્રકારના ઘોડા હોય છે
રાહુલ ગાંધીએ જાહેરસભામાં કહ્યું કે, અમે નિર્ણય લીધો છે કે કોંગ્રેસમાં કેટલાક ફેરફારો કરવા પડશે. અમે આજે જિલ્લા કોંગ્રેસના નેતાઓને મળ્યા છીએ, કેટલાક અગ્રણીઓએ સારા સુચનો કર્યા. સ્થાનિક નેતાઓના કહેવા અનુસાર જિલ્લાકક્ષાએ જે સ્પર્ધા થઈ રહી છે તે સ્પર્ધાત્મક નથી. સ્થાનિક નેતાઓને ટિકિટ ફાળવણી થાય તેનુ ધ્યાન રખાશે. રાહુલ ગાંધીએ રેસ અને લગ્નના ઘોડામાં આજે વધુ એક ઘોડાનો ઉમેરો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ઘોડા બે પ્રકારના હોય છે તે સૌ કોઈ જાણે છે. એક ઘોડા રેસનો- દોડનો હોય છે. બીજો ઘોડો લગ્ન પ્રસંગ જાનમાં નાચે તે હોય છે. અને હવે ત્રીજો ઘોડો હોય છે તે લંગડો ઘોડો છે.
જિલ્લા કોંગ્રેસને ઉપરથી કોઈ આદેશ નહીં આવે
જિલ્લા કોંગ્રેસને હવે અમદાવાદથી નહીં જિલ્લામાંથી જ ચલાવવામાં આવશે. જિલ્લા પ્રમુખને સત્તા અને અધિકારો આપીને તેમના હાથ મજબૂત કરવામાં આવશે. તેમને જિલ્લામાં કામ કરવાની તાકાત મળશે. કોંગ્રેસ રચેલી નિરીક્ષકોની જિલ્લા ટિમ, કાર્યકરોને મળશે. નિરીક્ષકોની જિલ્લા ટિમ જ, જે તે જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નક્કી કરશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જ તમારી મદદથી કોંગ્રેસને ચલાવશે. તેના નિર્ણયથી જિલ્લામાં કોંગ્રેસ કામ કરશે. ઉપરથી કોઈ આદેશ આપવામાં નહીં આવે. આ નવુ માળખુ બનાવવામાં આવી રહ્યું છે. સંગઠન અને ચૂંટણી લડનારા વચ્ચે જોડાણ હોય. આજકાલ સંગઠન ચૂંટણી જીતાડે ત્યારબાદ કોંગ્રેસના સંગઠનને ભૂલી જાય છે અને ચાલ્યા જાય છે. સંગઠન નક્કી કરશે કે કોણ ચૂંટણી લડશે કોણ નહીં. ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ છે. ગુજરાત અમારા માટે સૌથી જરૂરી પ્રદેશ છે. વિચારધારાની લડાઈ છે. અમે લડીશુ અને જીતીશું