ઑસ્ટ્રેલિયામાં ઈન્દિરા ગાંધીના હત્યારાઓનું સમર્થન, ભારતે ઓસ્ટ્રેલિયાને આપી ચેતવણી
ખાલિસ્તાનીઓએ ઓસ્ટ્રેલિયામાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંહ અને કેહર સિંહની તસવીરો મૂકવામાં આવી હતી. બંનેને વર્ષ 1989માં દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
અલગાવવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ શીખો માટે ખાલિસ્તાનની માંગણી કરવાને લીધે ઓસ્ટ્રેલિયામાં તણાવ ઉભો થયો છે. ખાલિસ્તાનીઓએ મેલબોર્નના રસ્તાઓ પર પોસ્ટર લગાવીને ઈન્દિરા ગાંધીના હત્યારાઓની વાહવાહી કરી છે. જેના કારણે શીખ અને હિન્દુ સમુદાય વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. મેલબોર્નમાં છેલ્લા ઘણા દિવસોથી ‘ઓસ્ટ્રેલિયન શીખ નરસંહાર રેફરન્ડમના નામથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોટી વાત એ છે કે SFJના આ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની ભારત સરકારે પણ માંગ કરી હતી.
પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ
પાકિસ્તાની વેબસાઈટ ધ ન્યુઝ ડોટ કોમ મુજબ મેલબોર્નના પ્લમ્પટન ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાન રેફરન્ડમનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંહ અને કેહર સિંહની તસવીરો પણ હતી. બંનેને વર્ષ 1989માં દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, પંજાબને આઝાદ કરવાની છેલ્લી લડાઈ. 29મી જાન્યુઆરીએ ખાલિસ્તાન લોકમત માટે મતદાન.
પોસ્ટરોથી હિન્દુ સમાજના લોકો નારાજ
આ પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ સમુદાયના લોકો ગુસ્સે થયા હતા. હિંન્દુ સમુદાયે એન્થોની અલ્બેનીઝ સરકાર પાસે 29 જાન્યુઆરીએ યોજાનારા જનમત સંગ્રહ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હિંન્દુ સંગઠને ખાલિસ્તાની સમર્થકો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો ફાડી નાખ્યા અને તેના પર કાળો રંગ લગાવ્યો હતો. ખાલિસ્તાનીઓએ શેરીઓમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
ભારત સરકારે ઓસ્ટ્રેલિયાને આપી હતી ચેતવણી
ભારતે ગયા મહિને ખાલિસ્તાન રેફરન્ડમ વોટિંગને લઈને ઓસ્ટ્રેલિયન સરકાર સામે સખત વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન સરકારે ન તો ખાલિસ્તાન જનમત અભિયાન કે મતદાન પર પ્રતિબંધ મૂક્યો હતો અને ન તો તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી હતી. ભારત સરકારે ખાલિસ્તાન જનમત રેલીની જાહેરાત બાદ ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની કાર્યકરોની વધતી હાજરી અંગે પણ ચેતવણી આપી હતી.
વિદેશમાં ખાલિસ્તાન સમર્થક જૂથો
કૅનેડામાં ખાલિસ્તાન તરફી સૂર હજુ સાંભળવા મળે છે. અહીં મોટી સંખ્યામાં શીખો વસે છે અને કેટલાક વિસ્તારો એવા લાગે છે જાણે તમે જલંધર કે લુધિયાણામાં ફરી રહ્યા હોવ. અહીં ખાલિસ્તાનની ચળવળના સમર્થકો હજુ પણ મળી આવે છે. દર વર્ષે વૈશાખીના તહેવાર નિમિત્તે શીખ સમુદાયો દ્વારા સમારોહ યોજાય છે. જ્યાં શીખ ઉગ્રવાદીઓને શહીદોનો દરજ્જો આપીને તેમને યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાલિસ્તાન તરફી નારા પણ લગાવવામાં આવે છે. જાણકારોના કહેવા પ્રમાણે કૅનેડા ઉપરાંત અમેરિકા અને યુકેમાં પણ ખાલિસ્તાન તરફી ચળવળને ટેકો આપનારાં જૂથો છે.