કાતિલ ઠંડીમાં ઠુંઠવાયું ઉત્તર ભારત, ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી, આ રાજ્યમાં અલર્ટ
સોમવારની રાત્રે પણ ઘણી જગ્યાએ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. અંબાલા, હિસાર, બહરાઈચ અને ગયામાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ હતી.
સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠુંઠવાયું છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી પડી રહી છે અને ઠંડીના કારણે ગાઢ ધુમ્મસની સ્થિતિ સર્જાતા વિઝિબિલિટી ઘટી ગઈ છે. ત્યારે આગામી 2-3 દિવસ લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. સોમવારની રાત્રે પણ ઘણી જગ્યાએ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. અંબાલા, હિસાર, બહરાઈચ અને ગયામાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ હતી.
બીજી તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં અટલ ટનલના દક્ષિણ ભાગમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં સોમવારે સતત પાંચમા દિવસે શીત લહેર નોંધાઈ હતી અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ થયુ હતુ.
દિલ્હીમાં વિઝિબિલિટીને લઈને અલર્ટ
આજે રાજધાની દિલ્હીમાં કોલ્ડવેવ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગાઢ ધુમ્મસ માટે એલર્ટ પણ છે. પાટનગરમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. તેમજ પાલમ અને સફદરજંગમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટર માપવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ઝીરો વિઝિબિલિટીની ચેતવણી આપી છે.
શિયાળાની કડકડતી ઠંડીને ધ્યાને લઈને દિલ્લીની સરકારી શાળાઓમાં ચાલતા વધારાના વર્ગોને પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે દિલ્લી સરકારે, દિલ્લીની સરકારી શાળાઓને પહેલેથી જ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. માત્ર ખાનગી શાળાઓ એક સપ્તાહ વહેલી શરુ થવાની હતી. પરંતુ હવે, દિલ્લીમાં શિયાળાની કડકડતી ઠંડીને ધ્યાને લઈને, દિલ્લી સરકારના શિક્ષણ વિભાગે તમામ શાળાના વડાઓને તાત્કાલિક અસરથી વધારાના વર્ગો બંધ કરવાનો આદેશ આપ્યો છે.
ધુમ્મસને કારણે ફ્લાઈટ્સ મોડી પડી
ધુમ્મસના કારણે મુસાફરોની અવરજવર પર પણ અસર પડી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસ અને ઠંડીને કારણે આજે (10 જાન્યુઆરી) કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી છે. જેમાં દિલ્હી-કાઠમંડુ, દિલ્હી-જયપુર, દિલ્હી-શિમલા, દિલ્હી-દેહરાદૂન, દિલ્હી-ચંદીગઢ-કુલુ જતી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
ધુમ્મસને લઈને IMD એલર્ટ
IMDએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે પંજાબથી લઈને બિહાર, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આજે ગાઢથી લઈને ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે. આ અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ, પંજાબ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ વિભાગ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના ભાગોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.