Atal Bihari Vajpayee Death Anniversary : કોણ છે એ મહિલા જેમની સાથે રહેતા હતા અટલ બિહારી વાજપેયી ?
અટલ બિહારી વાજપેયી આજીવન લગ્ન કર્યા ન હતા. તેમણે આજીવન અવિવાહિત (unmarried) રહેવાનો નિર્ણય લીધો હતો અને જીવનપર્યંત તેનું પાલન પણ કર્યુ. જો કે તેમણે ભલે લગ્ન નહોતા કર્યા, પરંતુ તેમના જીવનમાં એક મહિલાનું સ્થાન વિશેષ રહ્યુ હતું.

Atal Bihari Vajpayee : આજે અટલ બિહારી વાજપેયીની પુણ્ય તિથિ છે. અટલ બિહારી વાજપેયીએ આજીવન લગ્ન કર્યા ન હતા. તેમણે આજીવન અવિવાહિત (unmarried) રહેવાનો નિર્ણય લીધો હતો અને જીવનપર્યંત તેનું પાલન પણ કર્યુ. જો કે તેમણે ભલે લગ્ન નહોતા કર્યા, પરંતુ તેમના જીવનમાં એક મહિલાનું સ્થાન વિશેષ રહ્યુ હતું. અટલ બિહારી વાજપેયી સાથે આ મહિલાનું નામ આજીવન જોડાયેલું રહ્યું. આ મહિલા છે (Princess Kaul) રાજકુમારી કૌલ.
આ પણ વાંચો- પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, NDA નેતાઓ પણ રહ્યા હાજર
ગ્વાલિયરની કોલેજમાં થઇ હતી મુલાકાત
જાણીતા પત્રકાર સાગરિકા ઘોષે અટલ બિહારી વાજપેયીના જીવન પર એક પુસ્તક લખ્યુ છે. આ પુસ્તકમાં અટલ બિહારી વાજપેયી અને રાજકુમારી કૌલ વિશે વિસ્તારથી વાત કરાઇ છે. અટલ બિહારી વાજપેયી અને રાજકુમારી કૌલની પ્રથમ મુલાકાત ગ્વાલિયરમાં આવેલી મહારાણી લક્ષ્મીબાઇ કોલેજમાં થઇ હતી. તે સમયમાં અટલ બિહારી વાજપેયી અને રાજકુમારી બંનેના વ્યક્તિત્વ પ્રભાવશાળી હતા. રાજકુમારી કૌલ ખૂબ જ સુંદર હતાં. તે સમયે ખૂબ જ ઓછી છોકરીઓ કોલેજ જતી હતી. અટલ બિહારી વાજપેયી અને રાજકુમારી કૌલ પહેલી મુલાકાત બાદ એકબીજા તરફ આકર્ષિત થયા હતા.
પત્રકાર સાગરિકા ઘોષે તેમના પુસ્તકમાં લખ્યુ છે કે પહેલા વાજપેયીની દોસ્તી રાજકુમારીના ભાઇ ચાંદ હક્સર સાથે થઇ હતી.જો કે બાદમાં લગ્નની વાત આવી તો રાજકુમારીના પરિવારે RSS શાખામાં જતા અને શિંદેની છાવણીમાં રહેતા વાજપેયીને પોતાની દીકરી માટે લાયક ન સમજ્યા. બાદમાં રાજકુમારીના લગ્ન દિલ્હીના રામજસ કોલેજમાં દર્શન શાસ્ત્રના અધ્યાપક બ્રજનારાયણ કૌલ સાથે કરવામાં આવ્યા.
રાજકુમારીએ કર્યો હતો સંબંધનો સ્વીકાર
કિંગશુક નાગે પણ વાજપેયીના જીવન પર પુસ્તક લખ્યુ હતુ. જેનું નામ ‘અટલ બિહારી વાજપેયી-ધ મૈન ફોર ઓલ સિઝન’ છે. તેમણે પુસ્તકમાં લખ્યુ કે અટલજી જ્યારે યુવાન હતા ત્યારે તેમણે લાયબ્રેરીના એક પુસ્તકમાં રાજકુમારી માટે એક પ્રેમપત્ર મુક્યો હતો. જો કે અટલજીને આ પત્રનો જવાબ નહોતો મળ્યો. હકીકતમાં તો એવી છે કે રાજકુમારીએ આ પત્રનો જવાબ આપ્યો હતો, જો કે તે અટલજી સુધી પહોંચ્યો જ નહોતો.’
80ના દાયકામાં એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં રાજકુમારી કૌલે વાજપેયી સાથેના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે તેમના અને વાજપેયી વચ્ચે પરિપક્વ સંબંધો છે, જેને ઘણા ઓછા લોકો સમજી શકશે. વાજપેયી અને મારા આ સંબંધ વિશે મારા પતિને ક્યારેય સ્પષ્ટતા નથી કરવી પડી. મારા અને મારા પતિના વાજપેયી સાથેના સંબંધ ઘણો મજબૂત હતા.
સાથે રહેતા હતા રાજકુમારી કૌલ, તેમના પતિ અને વાજપેયી
રાજકુમારીના લગ્ન થયા બાદ વાજપેયી અને રાજકુમારી જુદાં પડી ગયા હતા. બાદમાં તેઓ જ્યારે અટલ બિહારી વાજપેયી સાસંદ બનીને દિલ્હીમાં આવ્યા તો તેમની મુલાકાતો ફરી શરુ થઇ ગઇ. વાજપેયીને સરકાર દ્વારા દિલ્હીમાં મોટું મકાન આપવામાં આવ્યું ત્યારે રાજકુમારી કૌલ તેના પતિ બ્રજનારાયણ કૌલ તેમની દીકરીઓ સાથે વાજપેયીના મકાનમાં રહેવા આવી ગયા ગયા.
પત્રકાર સાગરિકા ઘોષે એક મીડિયા હાઉસને જણાવ્યાં પ્રમાણે વાજપેયીના સૌથી નજીકના દોસ્ત અપ્પા ઘટાટે જ્યારે વાજપેયીને પોતાના ઘરે જમવા માટે બોલાવતા ત્યારે વાજપેયી, રાજકુમારી કૌલ અને તેમના પતિની સાથે જતા હતા. વાજપેયી બ્રજનારાયણ કૌલનો ઘણો આદર કરતા હતા. તો બીએન કૌલ પણ વાજપેયીનું ઘણું સન્માન કરતા હતા. તેઓ વાજપેયીને પૂછતાં કે અટલે ખાધું કે નહીં? તેમનું ભાષણ કેવું હતું? ભાષણમાં જોશ હતો કે નહીં?
તો બીજી તરફ વાજપેયી રાજકુમારીને હંમેશાં મિસિસ કૌલ કહીને બોલાવતા હતા. તેમના જમવાથી લઇને દવા સુધીની તમામ વસ્તુઓનું ધ્યાન રાજકુમારી રાખતાં હતાં. આ સિવાય ઘરની તમામ દેખરેખ પણ રાજકુમારી કરતાં.
રાજકુમારી કૌલનું 86 વર્ષની ઉંમરે નિધન થયું
2014ના વર્ષમાં જ્યારે રાજકુમારી કૌલનું 86 વર્ષની ઉંમરે નિધન થયું હતુ. તે સમયે મીડિયામાંથી મળેલા અહેવાલો અનુસાર એવું કહેવાયું કે તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્ય હતા. રાજકુમારી કૌલના નિધન બાદ સોનિયા ગાંધી ગુપચૂપ રીતે વાજપેયીના ઘરે પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.