યુદ્ધમાં ખેદાન મેદાન થયેલ ગાઝા ઉપર પુનઃવિકાસના નામે કેમ કબજો ઈચ્છે છે અમેરિકા ?
યુદ્ધગ્રસ્ત ગાઝામાં વિસ્થાપિત થયેલા પેલેસ્ટાઈનના લોકોએ યુદ્ધગ્રસ્ત વિસ્તારની બહાર કાયમી વસવાટ કરવો જોઈએ તેમ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. નેતન્યાહૂએ ગાઝાને લઈને ઈઝરાયેલના ત્રણ લક્ષ્યો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાને લઈને એવું ચોકાવનારુ નિવેદન આપીને અરબ દેશોની સાથે સાથે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા બાદ મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા. જ્યારે ગાઝા પર નિયંત્રણની વાત આવી તો ટ્રમ્પે કહ્યું કે, લાંબા સમય સુધી શાંતિ માટે ગાઝા ઉપર અમેરિકા નિયંત્રિત ઈચ્છે છે. ટ્રમ્પ સિવાય નેતન્યાહુએ ગાઝામાં ઈઝરાયલના ત્રણ લક્ષ્યોને પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા અને કહ્યું કે તેમને પૂરા કરવા જરૂરી છે.
ટ્રમ્પે ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનોને યુદ્ધગ્રસ્ત વિસ્તારની બહાર કાયમી ધોરણે પુનઃસ્થાપિત કરવામાં આવે તેવું પણ સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે વિકાસ માટે અમેરિકાએ વિસ્તાર પર નિયંત્રણ મેળવવું જોઈએ. ટ્રમ્પના આ નિવેદન બાદ ઘણા આરબ દેશો નારાજ થયા છે. સાઉદી અરેબિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે અને ટ્રમ્પના નિવેદનની નિંદા કરી છે. ટ્રમ્પના પ્રસ્તાવથી યુદ્ધવિરામના બીજા તબક્કામાં ખલેલ પડવાની સંભાવના છે, જેનો ઉદ્દેશ્ય ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામને લંબાવવાનો અને ગાઝામાં બંધક બનેલા ઇઝરાયેલીઓની મુક્તિ સુનિશ્ચિત કરવાનો છે.
સાઉદી અરેબિયાનું નિવેદન
ઇજિપ્ત, જોર્ડન અને મધ્ય પૂર્વમાં યુએસના અન્ય સહયોગીઓએ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે, ગાઝાથી પેલેસ્ટિનિયનોને અલગ કરવાથી મધ્ય પૂર્વની સ્થિરતા જોખમાશે, સંઘર્ષ વધુ વધશે. બે- રાષ્ટ્રના ઉકેલ માટેના પ્રયત્નોને નબળી પાડશે.
#Statement | The Foreign Ministry affirms that Saudi Arabia’s position on the establishment of a Palestinian state is firm and unwavering. HRH Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud, Crown Prince and Prime Minister clearly and unequivocally reaffirmed this stance. pic.twitter.com/0uuoq8h12I
— Foreign Ministry (@KSAmofaEN) February 5, 2025
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે ટ્રમ્પને તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાષ્ટ્ર માટે તેમની પ્રતિબદ્ધતા ‘મક્કમ, અડગ અને અટલ’ છે. સાઉદી અરેબિયા સુરક્ષા કરાર અને અન્ય શરતોના બદલામાં ઇઝરાયેલને રાજદ્વારી માન્યતા આપવા માટે યુએસ સાથે વાતચીત કરી રહ્યું છે. ટ્રમ્પના આ નિવેદનની આના પર પણ અસર પડી શકે છે.
સાઉદી અરેબિયાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આજે આંતરરાષ્ટ્રીય સમુદાયની ફરજ છે કે તેઓ પેલેસ્ટિનિયન લોકો દ્વારા સહન કરવામાં આવતી ગંભીર માનવીય વેદનાને દૂર કરવા માટે કામ કરે, જેઓ તેમની જમીન માટે પ્રતિબદ્ધ રહેશે અને તેનાથી પીછેહઠ કરશે નહીં.”
નેતન્યાહુએ પોતાના ત્રણ લક્ષ્ય જણાવ્યા
નેતન્યાહુએ કહ્યું કે, તેમના દેશના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં ત્રણ ધ્યેયો છે અને ભવિષ્યને સુરક્ષિત કરવા અને પ્રદેશમાં “શાંતિ લાવવા” તેમને પૂર્ણ કરવા જ જોઈએ તેવો ભાર મુક્યો હતો.
નેતન્યાહુએ કહ્યું, “ઈઝરાયેલ પહેલા ક્યારેય આટલું મજબૂત નથી રહ્યું અને ઈરાનની આતંકવાદી પ્રવૃતિ પહેલા ક્યારેય આટલી નબળી રહી નથી. પરંતુ આપણા ભવિષ્યને સુરક્ષિત કરવા અને આપણા પ્રદેશમાં શાંતિ લાવવા માટે, આપણે કામ પૂર્ણ કરવું પડશે. “ગાઝામાં ઇઝરાયેલના ત્રણ ધ્યેયો છે – હમાસ દળોને ખતમ કરવા, બંધકોને મુક્ત કરવા અને ગાઝા ફરી ક્યારેય ઇઝરાયેલ માટે ખતરો ન બને તે સુનિશ્ચિત કરવા.”