Russia Ukraine crisis : રશિયા સામે યુદ્ધના મેદાનમાં ઉતરવા વૃદ્ધો અને બાળકો તૈયાર, AK-47 સાથે તાલીમ લઈ રહ્યા છે
Russia-Ukraine Conflict: અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે કે, જો તે યુક્રેન પર આક્રમણ કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
Russia-Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવને જોતા યુદ્ધની શક્યતાઓ ઉભી થઈ રહી છે. રશિયાએ યુક્રેનની સરહદ(Russia-Ukraine Tensions) પર એક લાખ 30 હજાર સૈનિકો તૈનાત કર્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં આધુનિક હથિયારો પણ તૈનાત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, રશિયા બુધવારે યુક્રેન પર હુમલો કરી શકે છે.
રશિયાએ આ હુમલાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તે આવું કરવાનો ઇરાદો નથી. હવે વૃદ્ધો અને બાળકોએ હથિયાર ઉઠાવવાનું શરૂ કર્યું છે. યુક્રેનની 79 વર્ષની વેલેન્ટિના કોન્સ્ટેન્ટિનોવસ્કા (Valentyna Konstantinovska)ની તસવીરો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે AK-47 સાથે જોઈ શકાય છે. કોન્સ્ટેન્ટિનોવસ્કાએ કહ્યું છે કે, જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપશે તો તે તેના શહેરનો બચાવ કરશે. 2014માં સંઘર્ષ શરૂ થયો ત્યારથી જ વૃદ્ધોએ સેના બનાવી છે.
લોકોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે
મારીયુપોલની રહેવાસી કોન્સ્ટેન્ટિનોવસ્કાએ કહ્યું, ‘મને મારું શહેર ગમે છે. હું તેને છોડવાનો નથી. પુતિન અમને ડરાવી શકે નહીં. હા આ થોડી પરેશાન કરનારી સ્થિતિ છે. પરંતુ અમે છેલ્લા શ્વાસ સુધી યુક્રેન માટે ઉભા રહીશું.શહેરમાં લોકોને હથિયારનો ઉપયોગ કરવા અને પોતાનો બચાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બંદૂકનો ઉપયોગ કરવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
બાળકોએ હથિયાર ઉપાડ્યા
રાજધાની કિવમાં ચાર વર્ષ સુધીના બાળકો લાકડાની બંદૂકો સાથે તાલીમ લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ પણ હથિયારો સાથે જોવા મળ્યા હતા. યુએસ પ્રમુખ જો બાઈડનના વહીવટીતંત્રે રશિયાને ચેતવણી આપી છે કે જો તે યુક્રેન પર આક્રમણ કરશે અને આ મુદ્દાના રાજદ્વારી ઉકેલ માટે આગ્રહ કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. અમેરિકા પણ યુક્રેનને સતત સૈન્ય મદદ મોકલી રહ્યું છે, જેથી તે પોતાની સેનાને મજબૂત કરી શકે.