Firing in USA: હુમલાખોરે ઓરેગોન કોન્સર્ટ હોલની બહાર 6 લોકોને મારી ગોળી, પોલીસે શરૂ કરી આરોપીની શોધખોળ
અમેરીકામાં કોન્સર્ટ હોલની બહાર એક વ્યક્તિએ છ લોકોને ગોળી મારી દીધી. આરોપી ઘટના બાદ ભાગી ગયો હતો. પોલીસે પ્રત્યક્ષદર્શીઓને આગળ આવીને ઘટના વિશે માહિતી આપવા જણાવ્યું છે.
યુ.એસના (US) યુજેનમાં ઓરેગોન કોન્સર્ટ હોલની (Concert Hall) બહાર બે મહિલાઓ સહિત છ લોકોને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે અને આ કેસનો શંકાસ્પદ હજુ પણ ફરાર છે. આ માહિતી આપતાં ઓરેગોન પોલીસે પ્રત્યક્ષદર્શીઓને આગળ આવવા અને ઘટના વિશે માહિતી આપવા અપીલ કરી છે.
યુજેન પોલીસ વિભાગે શનિવારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે યુજેનમાં કોન્સર્ટ હોલના પાછળના દરવાજે ગોળીબારની ઘટનાની માહિતી મળ્યા બાદ અધિકારીઓએ કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી અનુસાર પોલીસ પરિસ્થિતિનો તાગ મેળવવા અને લોકોને મદદ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. યુજેન પોલીસ ચીફ ક્રિસ સ્કિનરે જણાવ્યું હતું કે “જ્યારે સુરક્ષા કર્મચારીઓ પહોંચ્યા, ત્યારે તેમને છ લોકોને ગોળી વાગી હોવાની માહિતી મળી. લોકો તે જગ્યાએથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમના મિત્રો જમીન પર પડ્યા હતા, તેઓ મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.’ પોલીસે જણાવ્યું કે ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
શનિવારે તેમણે જણાવ્યું કે એક દર્દીની હાલત હજુ નાજુક છે, જ્યારે બાકીના લોકોની સ્થિતિ સ્થિર છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સમયે લિલ બીન અને જેય બેંગ અને અન્ય કલાકારો પરફોર્મ કરી રહ્યા હતા. પોલીસે કહ્યું કે શંકાસ્પદની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. નોંધપાત્ર રીતે યુજેન પોર્ટલેન્ડ, ઓરેગોનથી 177 કિલોમીટર દક્ષિણમાં છે. અમેરીકામાં આવી ઘટના બનવી એ નવી વાત નથી. આ પહેલા પણ આ પ્રકારના સમાચાર ઘણી વખત સામે આવી ચૂક્યા છે.
આજથી લગભગ ત્રણ અઠવાડિયા પહેલા નોર્થ હોલીવુડમાં એક કપડાની દુકાનમાં ગોળીબાર થયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોસ એન્જલસમાં કપડાંની દુકાનમાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું હતું અને એક મહિલાને ઈજા થઈ હતી. પોલીસ ડિટેક્ટીવ મેઘન એગ્યુલરે જણાવ્યું કે સાન ફર્નાન્ડો વેલીના નોર્થ હોલીવુડ વિસ્તારમાં બર્લિંગ્ટન કોટ ફેક્ટરી સ્ટોરમાં સવારે 11:45 વાગ્યે ગોળીબાર થયો હતો.
આ પણ વાંચો – America: ટેકસાસમાં બાન પકડનારાને ઠાર કરીને 4 બંધકોને છોડાવ્યા, પાકિસ્તાનના વૈજ્ઞાનિકને છોડાવવા બનાવ્યા હતા બંધક