ઈઝરાયેલના બની બ્રાકી શહેરમાં ફાયરિંગ, પાંચ લોકોના મોત, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો
ઈઝરાયેલના શહેર બની બ્રાકીમાં ગોળીબારની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે.જ્યારે આ ફાયરિંગમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો.
Shooting in Israel: ઈઝરાયેલમાં (Israel) ગોળીબારની ઘટના બની બ્રાકી શહેરમાંથી સામે આવી છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિ વિશે મેગેન ડેવિડ એડોમ એમ્બ્યુલન્સ સર્વિસના વડા એલી બિનએ (Ali Bin) જણાવ્યું કે તેની હાલત ગંભીર છે. ધ જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, મંગળવારે સાંજે શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં ફાયરિંગની (Firing) ઘટનાઓ સામે આવી હતી.મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગોળીબાર કરનાર હુમલાખોર મોટરસાઇકલ પર હતો. ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે હુમલાખોરને ઠાર માર્યો
પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે,જયારે સ્થળ પર હાજર આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. ઇઝરાયેલ પોલીસના પ્રવક્તા એલી લેવી અને બની બ્રાકી શહેરના મેયર એવરામ રુબીનસ્ટીને લોકોને બચાવ કાર્યકરોને ઘટનાસ્થળે જવા માટે રસ્તો આપવા વિનંતી કરી છે જેથી લોકોને મદદ મળી શકે. આ સિવાય લોકોને ગોળીબારની ઘટનાના સ્થળોથી દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ઇઝરાયેલમાં તાજેતરના દિવસોમાં ગોળીબારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.
વડાપ્રધાન સ્થિતિનું મૂલ્યાંકન કરશે
ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ, સંરક્ષણ અને જાહેર સુરક્ષા મંત્રીઓ, IDF ચીફ ઓફ સ્ટાફ, ઇઝરાયેલ પોલીસ કમિશનર, શિન બેટ ચીફ અને અન્યો સાથે આ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. બીજી તરફ શહેરના લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે.
બિરશેબામાં પણ આ પ્રકારની ઘટના બની હતી
આ પહેલા 22 માર્ચે ઈઝરાયેલના બેરશેબામાં છરી વડે મારવાની ઘટના સામે આવી હતી.આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા.જેમાં છરીની ઇજાને કારણે ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે ચોથો વ્યક્તિ બાઇક પર સવાર હતો અને હુમલાખોરે તેની કાર સાથે તેને ટક્કર મારી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.હુમલાખોર આરબ મૂળનો હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસ પ્રવક્તા એલી લેવીએ જણાવ્યું હતુ કે, તે હુમલાખોર આતંકવાદી હોવાનું જણાય છે જેણે ઘણા લોકોને છરી મારી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Pakistan : ‘ખુરશી’ સંકટમાં જોઈ ઈમરાનના તેવર બદલાયા, પાર્ટીના સાંસદો માટે જાહેર કર્યું ફરમાન