Breaking News : આ સેટેલાઇટ તસવીરોએ વધારી વિશ્વની ચિંતા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાનનો ન્યુક્લિયર પ્લાન્ટ ફરી શરૂ?
સેટેલાઇટ તસવીરોમાં ઈરાનના પરચિન અને પિકએક્સ માઉન્ટેન પરમાણુ કેન્દ્રો પર સક્રિયતા જોવા મળી છે. આ ગતિવિધિઓ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો તથા ટ્રમ્પની ધમકીઓ વચ્ચે થઈ રહી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરારને લઈને ચર્ચાઓ ચાલુ હોવા છતાં ઈરાનના સંવેદનશીલ પરમાણુ ઠેકાણાઓ પર ફરીથી હલચલ જોવા મળતા નવા સવાલો ઉભા થયા છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરોમાં પરચિન અને પિકએક્સ માઉન્ટેન જેવા મહત્વના પરમાણુ કેન્દ્રો પર બાંધકામ અને મરામતની પ્રવૃત્તિઓ જોવા મળતાં અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વના દેશોની ચિંતા વધી ગઈ છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં સ્પષ્ટ કહ્યું હતું કે ઈરાન સમૃદ્ધ યુરેનિયમ છોડ્યા વગર કોઈ નવી પરમાણુ ડીલ શક્ય નથી. આ નિવેદન વચ્ચે જ બહાર આવેલી સેટેલાઇટ તસવીરોમાં ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર વાહનોની અવરજવર, ક્રેન અને બાંધકામના સાધનો દેખાતા ચર્ચા તેજ બની છે કે ઈરાન વાતચીતની આડમાં પોતાનો પરમાણુ કાર્યક્રમ આગળ વધારી રહ્યું છે કે કેમ.
પરચિન પરમાણુ કોમ્પ્લેક્સમાં સૌથી વધુ હલચલ
રિપોર્ટ અનુસાર અમેરિકન અને ઇઝરાયેલી હવાઈ હુમલામાં નુકસાન પામેલા પરચિન પરમાણુ કોમ્પ્લેક્સના તાલેઘાન-2 વિસ્તારમાં સૌથી વધુ ગતિવિધિઓ નોંધાઈ છે. 7 જુલાઈની સેટેલાઇટ તસવીરોમાં બાંધકામ માટે ક્રેન, ટ્રક અને કોન્ક્રિટ મિક્સિંગ વાહનો જોવા મળ્યા છે. આ તસવીરો વેન્ટર ટેકનોલોજીએ જાહેર કરી છે, જ્યારે તેનો અભ્યાસ ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યુરિટીએ કર્યો છે.
વિશ્લેષકોનું માનવું છે કે ઈરાન નુકસાન પામેલા પરમાણુ કેન્દ્રોને ફરી કાર્યરત બનાવવા માટે મરામત અને પુનઃનિર્માણનું કામ ઝડપથી કરી રહ્યું છે. ખાસ પ્રકારની જાળીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે જેથી સેટેલાઇટ સર્વેલન્સને ભ્રમિત કરી શકાય.
યુદ્ધવિરામ દરમિયાન પણ ચાલુ રહી પ્રવૃત્તિ?
આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ તથા પરમાણુ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે જ આ પ્રવૃત્તિઓ કેમ વધી? વિશ્લેષકો માને છે કે ઈરાને આ સમયગાળાનો ઉપયોગ પોતાના પરમાણુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી મજબૂત બનાવવા માટે કર્યો હોઈ શકે છે.
પરચિન ઉપરાંત પિકએક્સ માઉન્ટેનના ભૂગર્ભ પરમાણુ સંકુલમાં પણ નવી ગતિવિધિઓ નોંધાઈ હોવાનું જણાવાયું છે. આ બંને સ્થળો અગાઉ અમેરિકન અને ઇઝરાયેલી હુમલાનું નિશાન બન્યા હતા.
આંતરરાષ્ટ્રીય નિરીક્ષણને ઈરાનનો ઇનકાર
આ વચ્ચે ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકન અને ઇઝરાયેલી હુમલામાં અસરગ્રસ્ત થયેલા તેના પરમાણુ કેન્દ્રોનું નિરીક્ષણ કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સીને કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો તે પ્રસ્તાવ હવે કાનૂની રીતે અસરકારક રહ્યો નથી, જેના આધારે ઈરાનના પરમાણુ કાર્યક્રમની દેખરેખ રાખવામાં આવતી હતી. આ નિવેદન બાદ પશ્ચિમી દેશોમાં વધુ ચિંતા જોવા મળી રહી છે.
અમેરિકન સેટેલાઇટને કેવી રીતે મળ્યો ચકમો?
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકન સેટેલાઇટ્સ ઈરાનના દરેક પરમાણુ અને સૈન્ય ઠેકાણા પર સતત નજર રાખી રહી છે. તેમ છતાં આ નવી પ્રવૃત્તિઓ સામે આવતા સવાલ ઊભો થયો છે કે ઈરાન આટલી કડક દેખરેખ વચ્ચે કામ કેવી રીતે કરી શક્યું?
અહેવાલ મુજબ ઈરાને ખાસ પ્રકારની મેશ સ્ક્રીન (જાળીદાર આવરણ)નો ઉપયોગ કર્યો, જેના કારણે સેટેલાઇટને જમીન પરની ગતિવિધિઓ સ્પષ્ટ રીતે દેખાઈ નહીં. ઉપરાંત મોટા ભાગનું કામ ભૂગર્ભ સુરંગોની અંદર કરવામાં આવ્યું, જ્યાં સેટેલાઇટ સીધી નજર રાખી શકતી નથી.
ભૂગર્ભ સુરંગો અને ઝડપી બાંધકામ ટેકનિકનો ઉપયોગ
પિકએક્સ માઉન્ટેન જેવા પહાડી વિસ્તારોમાં આવેલા ભૂગર્ભ પરમાણુ સંકુલો ઈરાનને સ્વાભાવિક સુરક્ષા આપે છે. સુરંગોના પ્રવેશદ્વારો પર મર્યાદિત વાહનોની અવરજવર રાખવામાં આવી હતી જેથી શંકા ન જાય. હુમલા બાદ થયેલા નુકસાનને ઝડપથી દૂર કરવા માટે ઝડપથી સખત થઈ જતું વિશેષ કોન્ક્રિટ પણ ઉપયોગમાં લેવાયું હોવાનું જણાવાય છે.
વિશ્લેષકોનું કહેવું છે કે ઈરાને પોતાની અદ્યતન પરમાણુ ક્ષમતાઓને પહાડોની અંદર આવેલી સુરંગોમાં ખસેડી દીધી છે. આવી સ્થિતિમાં સેટેલાઇટ માત્ર બહારની હલચલ જ જોઈ શકે છે, પરંતુ અંદર શું ચાલી રહ્યું છે તેની સીધી માહિતી મેળવી શકતી નથી.
સમગ્ર વિશ્વની નજર હવે ઈરાનના આગામી પગલા પર
સામે આવેલી સેટેલાઇટ તસવીરોએ માત્ર પરમાણુ ઠેકાણાઓ પરની ગતિવિધિઓ જ નહીં, પરંતુ પશ્ચિમ એશિયાની સુરક્ષા, પરમાણુ રાજનીતિ અને વૈશ્વિક કૂટનીતિને લઈને અનેક નવા પ્રશ્નો ઉભા કર્યા છે. હવે સમગ્ર વિશ્વની નજર એ બાબત પર છે કે ઈરાન આગળ શું પગલું ભરે છે અને અમેરિકા તેની સામે કેવી પ્રતિક્રિયા આપે છે.
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી
