સરબજીત સિંહના હત્યારાનો પાકિસ્તાનમાં ખેલ ખતમ, ‘અજાણ્યા હુમલાખોરોએ’ કરી હત્યા
પાકિસ્તાનના લાહોરની જેલમાં ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરનાર અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની રવિવારે હત્યા કરવામાં આવી હતી. સરફરાઝને 'અજાણ્યા હુમલાખોરો'એ ગોળી મારી હતી.
પાકિસ્તાનના લાહોરની જેલમાં બંધક બનાવેલ ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરનાર આમિર સરફરાઝ આજે ખેલ ખતમ થઈ ગયો છે. અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. સરબજીત સિંહનું 2 મે 2013ના રોજ અવસાન થયું હતું. 26 એપ્રિલ 2013ના રોજ પાકિસ્તાનની જેલમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો, જે બાદ તેમનું મૃત્યુ થયું હતું.
સરબજીતના હત્યારાની પાકિસ્તાનમાં હત્યા
આ હત્યામાં અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝ સામેલ હતો. એવું કહેવાય છે કે સરબજીત સિંહનું પોલિથીનથી ગળું દબાવીને માર મારીને હત્યા કરવામાં આવી હતી. સરબજીત સિંહને ટોર્ચર કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, એવું માનવામાં આવી રહ્યું હતું કે સરફરાઝે આ ઘટનાને ISIના કહેવા પર અંજામ આપ્યો હતો.
સરબજીતને પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં પાકિસ્તાની સેનાએ પકડ્યો હતો. પંજાબના રહેવાસી સરબજીતને લાહોર અને ફૈસલાબાદમાં 1991ના બોમ્બ વિસ્ફોટ પછી આતંકવાદ અને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. જો કે, તેની સજા પહેલા જ એપ્રિલ 2013માં કેટલાક કેદીઓએ સરબજીત પર હુમલો કર્યો હતો.
કોણ હતા સરબજીત?
સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા તરનતારન જિલ્લાના ભીખીવિંડ ગામના ખેડૂત હતા. 30 ઓગસ્ટ 1990 ના રોજ, તે અજાણતા પાકિસ્તાની સરહદ પાર કરી ગયા જ્યાં પાકિસ્તાની સેના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. તે સમયે સરબજીતની ઉંમર માત્ર 26 વર્ષની હતી. સરબજીતની મુક્તિ માટે લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. પરંતુ સરબજીતને છોડવામાં આવે તે પહેલા જ તેની હત્યા કરવામાં આવી હતી.
સરબજીત સિંહના ભૂતપૂર્વ સાથી કેદી, જે લાહોર જેલમાં તેમની સાથે રહ્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે સરબજીતના મૃત્યુ પાછળ પાકિસ્તાન સરકારનો હાથ હતો. થોડા સમય બાદ પાકિસ્તાને ખાનપૂર્તિ માટે આરોપી આમિર તંબા અને મુદ્દસરની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, તે બંને સરબજીત સિંહના સેલમાં બંધ હતા અને મે 2013માં તેના મૃત્યુ સુધી સતત તેને ટોર્ચર કરતા હતા.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના ભાઈએ કરાવ્યું સલમાનના ઘરની બહાર ફાયરિંગ ! ફેસબુક પોસ્ટ દાવો, જુઓ અહીં