Russia Ukraine War: UNના માનવાધિકાર વડા મિશેલ બેચેલેટનો દાવો- યુદ્ધમાં અત્યાર સુધીમાં 7 બાળકો સહિત 102 નાગરિકોના મોત
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીએ બેલારુસિયન સરહદ પર રશિયન પ્રતિનિધિ મંડળ સાથે બેઠકની યોજનાની જાહેરાત કરી છે.
રશિયાના રાષ્ટ્રપતિ (Russian President) વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ગઇકાલે રશિયન પરમાણુ દળોને ‘હાઈ એલર્ટ’ પર રહેવાનો આદેશ આપ્યો છે, જેનાથી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે તણાવ વધી રહ્યો છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેન સહિત સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. લોકો અત્યંત ભયભીત દેખાઈ રહ્યા છે. આ યુદ્ધની ઘોષણા કરતી વખતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, આ યુદ્ધ યુક્રેનના લોકોની સુરક્ષા માટે કરવામાં આવી રહ્યું છે. અત્યારે આ યુદ્ધમાં ઘણા નાગરિકો માર્યા ગયા છે અને સતત મૃત્યુઆંક વધી રહ્યો છે.
UNના હ્યુમન રાઈટ્સ ચીફ મિશેલ બેચેલેટે દાવો કર્યો છે કે, ”આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 102 નાગરિકો માર્યા ગયા છે, જેમાં 7 બાળકોનો પણ સમાવેશ થાય છે અને આ આંકડો તેનાથી વધુ પણ હોઈ શકે છે. આ ઉપરાંત, 304 લોકો ઘાયલ પણ થયા છે. જો કે, વાસ્તવિક આંકડો તેના કરતા ઘણો વધારે હોઈ શકે છે.”
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગઇકાલે રશિયન પરમાણુ દળોને ‘હાઈ એલર્ટ’ પર રહેવાનો આદેશ આપ્યો છે, જેનાથી પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વધુ ને વધુ તણાવ વધી રહ્યો છે. રશિયા- યુક્રેન વચ્ચે લડાઈ સતત ચાલુ હોવાથી યુક્રેનના નેતાઓ ના છૂટકે રશિયા સાથે મંત્રણા કરવા સંમત થયા છે. રશિયન સૈનિકો અને ટેન્ક દળો યુક્રેનમાં ખૂબ આગળ સુધી ઘૂસી ગયા છે અને રાષ્ટ્રીય રાજધાની કિવ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે.
પુતિને પરમાણુ હથિયારો તૈયાર રાખવા અંગે આદેશ આપ્યો
NATO દ્વારા આક્રમક નિવેદનો અને કડક આર્થિક પ્રતિબંધોને ટાંકીને રાષ્ટ્રપતિ પુતિને લશ્કરને રશિયાના પરમાણુ હથિયારો તૈયાર રાખવાનો આદેશ જાહેર કર્યો છે. અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, “રશિયન નેતાઓ આવા દળોને તૈયાર રહેવાનું કહી રહ્યા છે અને જો સહેજ પણ ભૂલ થાય તો સ્થિતિ ઘણી ખતરનાક બની શકે છે.”
પુતિનનો આવો આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે રશિયન સેના યુક્રેનની સેનાનો સામનો કરી રહી છે. અમેરિકાના અધિકારીઓ માને છે કે, આગામી આક્રમણ રશિયાની કલ્પના કરતાં વધુ મુશ્કેલ અને ધીમું રહ્યું છે. સમગ્ર યુક્રેનમાં રશિયન સૈન્યની અત્યારે ઘૂસણખોરી હોવા છતાં પણ, સમય જતાં પરિસ્થિતિ બદલાઈ શકે છે.
સતત વધતા તણાવ વચ્ચે, પશ્ચિમી દેશોએ જણાવ્યું છે કે, તેઓ રશિયા પરના પ્રતિબંધોને વધુ કડક બનાવશે અને યુક્રેનને શસ્ત્રો સપ્લાય કરશે, જેમાં હેલિકોપ્ટર અને અન્ય એરક્રાફ્ટને તોડી પાડતી ‘સ્ટિંગર મિસાઇલો’ નો પણ સમાવેશ થાય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સકીએ બેલારુસિયન સરહદ પર રશિયન પ્રતિનિધિ મંડળ સાથે બેઠકની યોજનાની જાહેરાત કરી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ બેઠક ક્યાં, ક્યારે થશે. આ સંભવિત સરહદ વાટાઘાટોમાં યુદ્ધ માટે રશિયાની અંતિમ માંગ શું છે ? તે પણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પશ્ચિમી દેશોના અધિકારીઓ માને છે કે, પુતિન યુક્રેનની સરકારને ઉથલાવી દેવા માંગે છે અને ત્યાં પોતે જ શાસન કરવા માંગે છે.
આ પણ વાંચો – Russia Ukraine War વચ્ચે લેવાયો રશિયન વોડકાનો ભોગ, ગટરમાં Vodka ઢોળી અમેરિકામાં થયો વિરોધ