Russia-Ukraine War: અમે રશિયા સાથે હજુ પણ વાતચીત માટે તૈયાર, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું નિવેદન
Russ-Ukraine Crisis : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લી મંત્રણા 29 માર્ચે થઈ હતી. વાટાઘાટો દરમિયાન, યુક્રેનિયન વાટાઘાટકારોએ તૃતીય પક્ષો તરફથી સુરક્ષા ગેરંટીના બદલામાં તટસ્થતા સ્વીકારવાની તેમની તૈયારી દર્શાવી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સકીએ (Ukrainian President Volodymyr Zelensky) શનિવારે કહ્યું હતું કે યુક્રેન હજુ પણ મોસ્કો સાથે વાતચીત ચાલુ રાખવા માટે તૈયાર છે. જો બુચા અને કિવની નજીકના બીજા વિસ્તારોમાં રશિયા દ્વારા કરવામાં આવેલા નરસંહાર બાદમાં રોકાયેલો છે. રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સકીએ ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર સાથે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યુક્રેન હંમેશા કહે છે કે તે મંત્રણા માટે તૈયાર છે અને યુદ્ધને રોકવા માટે કોઈપણ માર્ગ શોધી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લી મંત્રણા 29 માર્ચે થઈ હતી. વાટાઘાટો દરમિયાન, યુક્રેનિયન પક્ષકારોએ તૃતીય પક્ષો તરફથી સુરક્ષા ગેરંટીના બદલામાં તટસ્થતા સ્વીકારવાની તેમની તૈયારી દર્શાવી હતી. તે જ સમયે, ઝેલેન્સકીએ કહ્યું કે પૂર્વ અને દક્ષિણમાં અમે શસ્ત્રો, સાધનો અને સૈનિકોની એકાગ્રતા જોઈ છે, જેઓ આપણા પ્રદેશના અન્ય ભાગો પર કબજો કરવા માટે તૈયાર થઈ રહ્યા છે.
ક્રામાતોર્સ્ક સ્ટેશન પર હુમલો વધુ એક યુદ્ધ અપરાધ – વ્લોદીમિર ઝેલેન્સકી
આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે ભીડભાડવાળા રેલવે સ્ટેશન પર રશિયન સૈન્યના મિસાઈલ ફાયરિંગ સામે દુનિયાએ કડક કાર્યવાહી કરવી જોઈએ. યુદ્ધગ્રસ્ત પૂર્વી યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં રેલવે સ્ટેશન પર ભીડ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. શુક્રવારે અહીં હજારો લોકો એકઠા થયા હતા. ઝેલેન્સકીએ શુક્રવારે મોડી રાત્રે પોતાના સંબોધનમાં કહ્યું કે ક્રામાતોર્સ્ક સ્ટેશન પરનો હુમલો વધુ એક યુદ્ધ અપરાધ છે. જ્યાં 4,000 લોકો એકઠા થયા હતા.
રેલવે સ્ટેશન પર થયેલા મિસાઈલ હુમલામાં માર્યા ગયેલાઓમાં બાળકો પણ સામેલ હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાથી વિશ્વના નેતાઓ સ્તબ્ધ છે. EU કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને યુક્રેનની મુલાકાત દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે તેના માટે કોઈ શબ્દો નથી.
તેમણે કહ્યું કે આ વર્તન માટે રશિયાની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. બ્રિટનના સંરક્ષણ સચિવ બેન વોલેસે આ હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યો હતો અને યુએન સેક્રેટરી જનરલે તેને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યો હતો. આ હુમલા પહેલા, વિશ્વએ યુક્રેનની રાજધાની કિવની નજીક બુચા શહેરમાં રશિયન સૈનિકોની વાપસી દરમિયાન થયેલા વિનાશ અને હત્યાકાંડની સખત નિંદા કરી હતી.