Ukraine War: યુદ્ધનો 44મો દિવસ, યુક્રેનમાં ટ્રેન સ્ટેશન પર રોકેટ વડે થયો હુમલો, 30ના મોત, 100થી વધુ ઘાયલ, જાણો 10 મોટા સમાચાર
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ 44માં દિવસમાં પ્રવેશી ગયું છે. સ્થિતિ સુધરવાને બદલે સતત બગડી રહી છે. દરમિયાન રશિયાએ કહ્યું છે કે, તે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) સાથે વાતચીત કરવા તૈયાર છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ (Russia Ukraine War) 44માં દિવસમાં પ્રવેશી ગયું છે. સ્થિતિ સુધરવાને બદલે સતત બગડી રહી છે. દરમિયાન રશિયાએ કહ્યું છે કે, તે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સકી (Ukrainian President Volodymyr Zelenskyy) સાથે વાતચીત કરવા તૈયાર છે. બીજી તરફ રશિયા પર વધુ દબાણ વધારવા માટે અમેરિકાએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બંને પુત્રીઓ મારિયા પુટિના અને કેટરિના તિખોનોવા પર પ્રતિબંધો લગાવ્યા છે. તે જ સમયે ઝેલેન્સકીએ રશિયા પર નવા આરોપો લગાવતા કહ્યું કે, રશિયાએ મેરીયુપોલ શહેરમાં હજારો લોકોની હત્યા કરી છે. યુક્રેનમાં એક ટ્રેન સ્ટેશન પર રોકેટ હુમલામાં 30 લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા હતા. અહીં જાણો આ મામલાને લગતા મોટા અપડેટ્સ.
- યુદ્ધની શરૂઆત પછી પ્રથમ વખત, યુએસએ ગુરુવારે સ્વીકાર્યું કે, તે યુક્રેનને રશિયન સૈનિકો સાથે સંબંધિત ગુપ્ત માહિતી પ્રદાન કરી રહ્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને કહ્યું કે, વોશિંગ્ટન યુક્રેનિયન અધિકારીઓને ડોનબાસ ક્ષેત્રમાં રશિયન સૈનિકો સાથે સંબંધિત ગુપ્ત માહિતી પ્રદાન કરી રહ્યું છે.
- યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે, બોરોડ્યાંકાની હાલત બુચા શહેર કરતા પણ ખરાબ છે. અહીં લોકોના મૃતદેહ રસ્તા પર પડેલા મળી આવ્યા છે. રાષ્ટ્રને મોડી રાત્રે સંબોધનમાં ઝેલેન્સકીએ કહ્યું કે, બોરોડ્યાંકામાં કાટમાળ હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે, જ્યાં પરિસ્થિતિ વધુ ખરાબ છે.
- યુરોપિયન યુનિયને યુક્રેનને વધારાના 543 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ચાર્લ્સ મિશેલે ગુરુવારે આ જાહેરાત કરી હતી. આ મદદ પછી EU દ્વારા યુક્રેનને આપવામાં આવતી કુલ સૈન્ય સહાય 1.5 બિલિયન યુરો પર પહોંચી ગઈ છે.
- રશિયન સૈનિકોએ ઉત્તરીય યુક્રેનિયન શહેરમાંથી હટવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તે પહેલા તેઓએ શહેરને તબાહ કરવાનું કામ પણ કર્યું છે. અહીં રસ્તાઓ, ઇમારતો, વાહનો, લગભગ બધું જ નુકસાન થયું છે. જેના કારણે શહેર ખંડેર બની ગયું છે. લોકો પાસે ખાવાની વસ્તુઓ પણ નથી.
- યુએનના માનવતાવાદી સહાય વડાએ કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટો અલબત્ત ચાલુ છે. પરંતુ તે યુક્રેનમાં યુદ્ધવિરામને લઈને આશાવાદી નથી. રાજધાની કિવમાં પીએમ ડેનિસ શ્મિહલ અને અન્ય ટોચના અધિકારીઓ સાથે મુલાકાત બાદ માર્ટિન ગ્રિફિથ્સે આ વાત કહી હતી. ગયા સપ્તાહની શરૂઆતમાં, તેમણે મોસ્કોમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ અને અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
- નાટોના સદસ્ય દેશો યુક્રેનને વધુ શસ્ત્રો પૂરા પાડવા માટે સંમત થયા છે. નાટોએ એક સંગઠન તરીકે યુક્રેનને સૈન્ય અથવા શસ્ત્રો સહાયનો ઇનકાર કર્યો છે. પરંતુ તેના સભ્ય દેશોએ કીવને ટેન્ક વિરોધી હથિયારોથી લઈને વિમાન વિરોધી હથિયારો આપ્યા છે. નાટોના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ પણ બ્રસેલ્સમાં બેઠક યોજી હતી.
- રશિયા દ્વારા યુક્રેનના રોડ પર ઈમારતો પર ગોળીબાર ચાલુ છે. ઇમારતો દિવાલો અને છત વિના દેખાઈ રહિ છે. યુદ્ધને કારણે 4 મિલિયનથી વધુ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે. જ્યારે લાખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. આ લોકો યુરોપના અન્ય દેશોમાં આશરો લઈ રહ્યા છે.
- વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુક્રેનમાં તબીબી કેન્દ્રો પર રશિયાના હુમલાની સખત નિંદા કરી છે. સંગઠનને જાણવા મળ્યું છે કે, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 100 થી વધુ તબીબી કેન્દ્રોને નુકસાન થયું છે. WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, હોસ્પિટલો અને અન્ય તબીબી સુવિધાઓ પર 103 હુમલા થયા છે. જેમાં ઓછામાં ઓછા 73 લોકોના મોત થયા છે અને 51 લોકો ઘાયલ થયા છે.
- યુએસ કોંગ્રેસે રશિયા સાથેના વેપાર સંબંધોને સ્થગિત કરવા અને તેલની આયાત પર પ્રતિબંધો લાદવાના બિલને મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસના પ્રતિનિધિ ગૃહના પગલા પહેલા આ મુદ્દા પર મતદાન કરવામાં આવ્યું હતું. સેનેટમાં 100થી શૂન્યના માર્જિન સાથે બે બિલ મંજૂર કરવામાં આવ્યા છે. હવે તેમને રાષ્ટ્રપતિ જો બાઈડેન પાસે કાયદો બનાવવા માટે મોકલવામાં આવશે.
- અમેરિકાનું બાઈડેન વહીવટીતંત્ર રશિયાનો સામનો કરવા માટે યુક્રેનને 12,000 એન્ટી આર્મર સિસ્ટમ્સ, સેંકડો આત્મઘાતી ડ્રોન અને 14,00 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ્સ આપશે. અગાઉ 100 મિલિયન ડોલરની સહાય આપવામાં આવી હતી. તે જ સમયે વધારાના 300 મિલિયન ડોલરની સહાય ગયા અઠવાડિયે જ મંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો: NEET 2022: સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે NEETમાં અનામત યથાવત રહેશે, હાઈકોર્ટે આપ્યો ચુકાદો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-