રશિયા યુક્રેનની વચ્ચે બેલારૂસની સરહદ પર થશે વાતચીત, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું- આગામી 24 કલાક ઘણા મહત્વના, જાણો તમામ અપડેટ્સ માત્ર 10 પોઈન્ટમાં
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy)એ કહ્યું કે યુદ્ધની વચ્ચે બંને દેશો બેલારુસ (Belarus)બોર્ડર પર કોઈપણ શરત વિના વાતચીત કરવા સંમત થયા છે.
રશિયા અને યુક્રેન (Russia-Ukraine War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ચાર દિવસ થઈ ગયા છે અને આજે પાંચમાં દિવસે પણ યુદ્ધ ચાલુ જ છે, ત્યારે યુદ્ધને લઈને યુક્રેને દાવો કર્યો છે કે તેણે લગભગ 150 ટેન્ક, 700 સૈન્ય વાહનો, 60 ઈંધણ ટેન્ક, 26 હેલિકોપ્ટર ઉપરાંત 4,500 સૈનિકોને માર્યા ગયા છે, જેનાથી રશિયાને મોટું નુકસાન થયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy)એ કહ્યું કે યુદ્ધની વચ્ચે બંને દેશો બેલારુસ (Belarus)બોર્ડર પર કોઈપણ શરત વિના વાતચીત કરવા સંમત થયા છે. રાજધાની કિવના મેયરે કહ્યું કે યુક્રેનમાં 14 બાળકો સહિત 352 નાગરિકોના મોત થયા છે અને 116 બાળકો સહિત 1,684 લોકો ઘાયલ થયા છે. આવો જાણીએ યુક્રેન-રશિયા સંઘર્ષ વિશેના અત્યાર સુધીના તમામ અપડેટ.
જાણો 10 પોઈન્ટમાં અત્યાર સુધીના તમામ અપડેટ્સ
- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન ન્યુક્લિયર ડિટરન્સ ફોર્સને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. યુક્રેન પર હુમલા પહેલા જ પોતાના ભાષણમાં વ્લાદિમીર પુતિને દુનિયાના તમામ દેશોને ધમકી આપી હતી કે જો તેઓ હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે તો તેમની પાસે હથિયાર પણ છે. પુતિનના ઈરાદાઓથી સ્પષ્ટ છે કે યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. છેલ્લા ઘણા દાયકાઓમાં વિશ્વના ઇતિહાસમાં આવું બન્યું નથી, જ્યારે કોઈ દેશે ખુલ્લેઆમ પરમાણુ હુમલાની ધમકી આપી હોય.
- છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેન યુદ્ધને લઈને વિશ્વભરના દેશો દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ રશિયન રાષ્ટ્રપતિની આ ટિપ્પણી સામે આવી છે. દેશની સૌથી મોટી બેંકો પરના પ્રતિબંધોથી લઈને પુતિનની સંપત્તિઓ જપ્ત કરવા સુધી, વધતા વૈશ્વિક દબાણ વચ્ચે ઘણા દેશો રશિયાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
- યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રવિવારે સાંજે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન ઝેલેન્સકીએ જોન્સનને કહ્યું કે તેમને લાગે છે કે આગામી 24 કલાક આ યુદ્ધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જ સમયે, જોન્સને કહ્યું કે તે બ્રિટન તરફથી શક્ય તમામ મદદ આપવાનો પ્રયાસ કરશે.
- અમારા ઘણા સાથીઓ યુદ્ધમાં માર્યા ગયા અને ઘાયલ થયા. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયાનું નુકસાન યુક્રેનના દળો કરતાં અનેક ગણું ઓછું છે.
- યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રશિયન હુમલામાં 352 યુક્રેનિયન માર્યા ગયા છે. જેમાં 14 બાળકોનો સમાવેશ થાય છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 116 બાળકો સહિત 1,684 લોકો ઘાયલ થયા છે. જો કે મંત્રાલયે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા વિશે માહિતી આપી નથી.
- કેનેડા, ફ્રાન્સ અને જર્મનીએ યુક્રેનને લશ્કરી સહાયનું વચન આપ્યું છે. ઝેલેન્સકીએ ગયા અઠવાડિયે યુ.એસ.માંથી સ્થળાંતર કરવાની ઓફરને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે મને સવારી નહીં પણ દારૂગોળો જોઈએ છે.
- યુરોપિયન યુનિયન (EU)ના ચીફ એક્ઝિક્યુટિવએ જણાવ્યું હતું કે 27 દેશોના તેમના સંગઠને રશિયન એરલાઈન્સ માટે તેની એરસ્પેસ બંધ કરવાનો અને યુક્રેનને શસ્ત્રોના પુરવઠા માટે ભંડોળ પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે યુક્રેન પર રશિયન હુમલાના વિરોધમાં ક્રેમલિનના કેટલાક મીડિયા આઉટલેટ્સને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
- સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી બેઠક સોમવારે બોલાવવામાં આવી છે. બેઠક બોલાવવાના પ્રસ્તાવની વિરુદ્ધ બોલતા રશિયન રાજદૂતે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું કે UNSC આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી માટે તેની પ્રાથમિક જવાબદારીનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે.
- યુએન શરણાર્થી એજન્સીએ શનિવારે જણાવ્યું હતું કે રશિયાના આક્રમણને પગલે લગભગ 1,20,000 લોકો યુક્રેન છોડીને પડોશી દેશોમાં ગયા છે. આ સંખ્યા ઝડપથી વધી રહી હતી, કારણ કે રશિયા યુક્રેનમાં હુમલો કરી રહ્યું છે. જેના કારણે લોકો ડરી ગયા છે અને તેઓ સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છે.
- નવા ઉપાયો હેઠળ બ્રિટને નવા કાયદા સાથે રશિયન ‘ડર્ટી મની ક્રેકડાઉન’નું વિસ્તરણ કર્યું છે. જોન્સને કહ્યું, યુકેમાં ડર્ટી મની માટે કોઈ જગ્યા નથી.