રશિયાએ ‘બેલિસ્ટિક મિસાઇલ’નું કર્યું પરીક્ષણ, પુતિને કહ્યું- હવે દુશ્મન બે વાર વિચારશે
Russia Sarmat Intercontinental Ballistic Missile: યુક્રેન (Ukraine) સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ (Russia) સરમત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ માટે સેનાને અભિનંદન પાઠવ્યા છે.
રશિયાએ બુધવારે કહ્યું કે તેણે તેની સરમત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું (Intercontinental Ballistic Missile) સફળ પરીક્ષણ કર્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ કહ્યું કે આ વ્યૂહાત્મક રીતે જરૂરી હથિયાર વિશે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin) કહ્યું કે હવે દુશ્મન બે વાર વિચારશે. તેણે કહ્યું કે દુનિયામાં આવી મિસાઈલ કોઈ પાસે નથી. તેમણે યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રશિયાને ધમકી આપવાનો પ્રયાસ કરનારાઓને પણ ચેતવણી આપી હતી.
આ મિસાઈલનું પરિક્ષણ રશિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર પ્લેસ્ટસ્કમાં કરવામાં આવ્યું છે. તે દૂર પૂર્વમાં સ્થિત કામચત્કા દ્વીપકલ્પ પર તેના લક્ષ્ય પર પહોચી ગઈ છે. આ દરમિયાન પુતિને સેનાને કહ્યું, ‘સરમત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલના સફળ પ્રક્ષેપણ માટે હું તમને અભિનંદન આપું છું. તે ખરેખર એક અનોખું શસ્ત્ર છે, જે આપણા સશસ્ત્ર દળોની લડાયક ક્ષમતાને મજબૂત બનાવશે. આ બાહ્ય જોખમોથી રશિયાની સુરક્ષાને મજબૂત બનાવશે અને હવેથી જેઓ રશિયાને ધમકી આપવા માટે આક્રમક નિવેદનો આપે છે તેઓ બે વાર વિચારશે.
તણાવ વચ્ચે કરવામાં આવ્યુ પરીક્ષણ
સરમત નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. યુએસ કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ અનુસાર, રશિયા દરેક મિસાઈલને 10 કે તેથી વધુ વોરહેડ્સ સાથે તૈનાત કરશે. આ મિસાઈલ ઘણા વર્ષોથી બનાવવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં તેનું ટેસ્ટ-લોન્ચ પશ્ચિમ માટે આશ્ચર્યજનક નથી. પરંતુ આ પરીક્ષણ એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભૌગોલિક રાજકીય તણાવ ચરમ પર છે.
ફેબ્રુઆરીથી યુક્રેન સાથે યુદ્ધ ચાલુ છે
રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો, ત્યારબાદ આ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનના મોટા ભાગના શહેરો પર હુમલો કરીને સંપૂર્ણપણે તબાહ કરી નાખ્યા છે. દેશમાં લગભગ 70 લાખ લોકો વિસ્થાપિત થયા છે, 50 લાખ લોકોએ દેશ છોડી દીધો છે અને 13 મિલિયન લોકો હજુ પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે. આ સિવાય બંને તરફના હજારો સૈનિકો માર્યા ગયા છે.
યુક્રેનના હજારો નાગરિકોએ પણ આ યુદ્ધમાં જીવ ગુમાવ્યો છે. અહીંના ઘણા શહેરો પર કબજો જમાવવા દરમિયાન રશિયન સૈનિકોએ કથિત રીતે નાગરિકોની હત્યા કરી છે. રશિયન સૈનિકો પીછેહઠ કર્યા પછી જ્યારે યુક્રેનિયન સૈનિકો ત્યાં ગયા, ત્યારે તેઓને સામૂહિક કબરોમાં એકસાથે ફેકાયેલા સેંકડો મૃતદેહો મળ્યા.