Pakistan : ભાઈ શાહબાઝ શરીફને સતા મળતા પૂર્વ PM નવાઝ શરીફનો માર્ગ મોકળો, ગમે ત્યારે પરત ફરી શકે છે પાકિસ્તાન
ઈમરાન ખાનની (Imran Khan) આગેવાની હેઠળની અગાઉની સરકારે 72 વર્ષીય પીએમએલ-એન પ્રમુખ નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના અનેક કેસ દાખલ કર્યા હતા.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને PML-N પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફે (Nawaz Sharif) લંડનથી સ્વદેશ પરત ફરવાના એંધાણ વર્તાઈ રહી છે. મળતી માહિતી મુજબ તેમના દ્વારા 10 વર્ષ માટે પાસપોર્ટ કઢાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાનની નવી સરકારે ગૃહ મંત્રાલયને નવાઝ શરીફ અને પૂર્વ નાણાં મંત્રી ઇશાક ડારના નવા પાસપોર્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ (Shehbaz Sharif)દેશના નવા વડાપ્રધાન બન્યા બાદથી જ નવાઝના લંડનથી(London) પરત ફરવાને લઈને સત્તાધારી પીએમએલ-એનમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
નવાઝ શરીફ ઈદ પછી પાકિસ્તાનમાં એન્ટ્રી કરશે
તાજેતરમાં પીએમએલ-એન પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, નવાઝ શરીફ લંડનથી સ્વદેશ પરત ફરે તેવી અપેક્ષા છે. નવાઝ શરીફ તેમની સામેના પેન્ડિંગ કેસોને કાયદા અને બંધારણ અનુસાર નિપટાવશે. PML-Nના નેતા મિયાં જાવેદ લતીફે એક નિવેદનમાં કહ્યું હતું કે, “નવાઝ શરીફ ઈદ પછી પાકિસ્તાનમાં એન્ટ્રી કરશે” વડાપ્રધાન શાહબાઝ શરીફની કેબિનેટના સભ્ય તરીકે શપથ લેનાર લતીફે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી પીએમએલ-એનને કોર્ટ પર વિશ્વાસ કરે છે અને તેનો ચુકાદો સ્વીકારશે.
ઉલ્લેખનીય છે કે, ઇમરાન ખાનની આગેવાની હેઠળની અગાઉની સરકારે 72 વર્ષીય પીએમએલ-એન પ્રમુખ નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના અનેક કેસ દાખલ કર્યા હતા. પનામા પેપર્સ કેસમાં નામ આવ્યા બાદ જુલાઈ 2017માં સુપ્રીમ કોર્ટના આદેશ પર શરીફને પદ છોડવું પડ્યું હતું. નવાઝ શરીફને 2019માં લાહોર હાઈકોર્ટ (Lahore Highcourt) પાસેથી ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની પરવાનગી મળ્યા બાદ તેઓ લંડન ગયા હતા. તેણે લાહોર હાઈકોર્ટને ચાર અઠવાડિયામાં પાકિસ્તાન પરત ફરવાનું સોગંદનામું પણ આપ્યું હતું.
નવાઝ શરીફને તોશાખાના કેસમાં કોર્ટે ભાગેડુ જાહેર કર્યો હતો
ઈમરાન ખાનની સરકારે નવાઝ શરીફના પાસપોર્ટને રિન્યુ કરવાનો ઈન્કાર કરી દીધો હતો, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ તત્કાલીન ગૃહ પ્રધાન શેખ રશીદે કહ્યું હતું કે જો PML-N પ્રમુખ પાછા ફરવા માગે છે, તો તેમને વિશેષ પ્રમાણપત્ર આપવામાં આવી શકે છે. નવાઝ શરીફને અલ-અઝીઝિયા મિલ્સ ભ્રષ્ટાચાર કેસમાં(Corruption Case) જામીન આપવામાં આવ્યા હતા, જેમાં તેઓ લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની જેલની સજા ભોગવી હતી. તોશાખાના કેસમાં કોર્ટે તેને ભાગેડુ ગુનેગાર જાહેર કર્યો હતો.