ભારત સામે યુદ્ધમાં ફરી એકવાર નાલેશીભરી હારથી બચવા મુસ્લિમ રાષ્ટ્રોના ઘૂંટણીએ પડતું પાકિસ્તાન, હિન્દુસ્તાન પર દબાણ લાવવા કરે છે આજીજી
જમ્મુ કાશ્મીરના પહેલગામ બૈસરનમાં કરાયેલા આતંકી હુમલા બાદ, ભારતે અકલ્પનીય પરિણામ ભોગવવા અને આતંકની જમીનને ખેદાન મેદાન કરવા ઉચ્ચારેલી પ્રતિશોધની પ્રતિજ્ઞાથી ડરી ઉઠેલ પાકિસ્તાન હવે આબરુ બચાવવા મુસ્લિમ રાષ્ટ્રોના પગ પકડી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શેખી મારતા જોવા મળે છે પરંતુ હક્કીતમાં તેઓ ખુણે બેસીને મુસ્લિમ રાષ્ટ્રના વડાઓને ફોન કરતા હોય છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન મુસ્લિમ રાષ્ટ્રોના વડાને ભારતને સમજાવવા અને પૂર્વવત સ્થિતિનું નિર્માણ કરવા માટે આજીજી કરતા હોય છે.

પાકિસ્તાનને જમ્મુ કાશ્મીરના બૈસરનમાં કરાયેલા આતંકી હુમલાના પાંચ દિવસ બાદ પણ ભારત તરફથી કોઈ સગડ ના મળતા ગભરાઈ ઉઠેલ પાકિસ્તનના વિદેશ પ્રધાને, વિશ્વના વિવિધ મુસ્લિમ રાષ્ટ્રોનો સંપર્ક કરવાનું શરુ કરી દીધુ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર એકલા દરરોજ 2 થી 3 બેઠકો કરી રહ્યા છે. ડારે બેઠક યોજવા માટે બાંગ્લાદેશની તેમની પૂર્વ નિર્ધારિત મુલાકાત રાતોરાત રદ કરી છે. જ્યારે, વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસીમ મુનીર વચ્ચે અલગ-અલગ બેઠકો પણ થઈ રહી છે.
મુસ્લિમ દેશોને ખુશ કરવાના પ્રયાસ
ભારતે પ્રતિશોધ માટે ઉચ્ચારેલી પ્રતિજ્ઞાથી ગભરાઈ ઉઠેલ પાકિસ્તાન હવે મુસ્લિમ દેશોને મદદે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સાઉદી અરેબિયા, કતાર, ઈરાન અને તુર્કીના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે. પાકિસ્તાને બધા દેશોને ભારત સાથે વાત કરીને, હાલની તણાવભરી પરિસ્થિતિને પૂર્વવત સ્થિતિ સર્જવા માટે દબાણ કર્યું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો કહે છે કે, ભારત વાત પણ નથી કરી રહ્યું. અમે સંદેશા મોકલી રહ્યા છીએ પણ હજુ સુધી કોઈ જવાબ મળી રહ્યો નથી. પાકિસ્તાને અમેરિકા અને ઈરાન જેવા દેશો પાસેથી સીધો હસ્તક્ષેપ ઈચ્છ્યો છે પરંતુ સુત્રોના જણાવ્યાનુસાર આ બન્ને દેશ દ્વારા કોઈ જ હસ્તક્ષેપ કરવાનો હાલ તો સાફ ઈન્કાર કર્યો છે. પાકિસ્તાન કહે છે કે જો ભારત સંમત નહીં થાય તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે.
કરાચીમાં 144મી કલમ લાગુ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાકિસ્તાનના સૌથી સમૃદ્ધ શહેર કરાચીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે. પાકિસ્તાનને ભારતના સંભવિત બદલો લેવાનો ડર ખૂબ સતાવી રહ્યો છે, ખાસ કરીને 2016ના ઉરી અને પુલવામા હુમલા પછી ભારતની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 5 દિવસ પછી પણ પાકિસ્તાન હજુ પણ મોટા હુમલાનો ડર રાખે છે. આ ડર તેના કાર્યોમાં પણ દેખાય છે. એક તરફ, પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બીજી તરફ, ઇસ્લામાબાદમાં મોટી બેઠકોનો સિલસિલો ચાલુ છે.
ARY ન્યૂઝ અનુસાર, કરાચી પોલીસ કમિશનરે શહેરમાં કલમ 144 લાગુ કરી છે. પોલીસ કમિશનર કહે છે કે તેનો અમલ આગામી 3 મહિના માટે કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર કહે છે કે કરાચીમાં લોકોએ ઘરની બહાર ઓછું નીકળવું જોઈએ. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કરાચી પોલીસના જણાવ્યા અનુસાર, શહેરોમાં ભીડ ઓછી કરવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. કરાચીને પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. અહીંથી આખા પાકિસ્તાનનું બજાર નિયંત્રિત થાય છે.
ઉરી-પુલવામા હુમલાના 10 દિવસ પછી પ્રતિશોધ
2016 માં, ભારતે ઉરી હુમલાના 11 દિવસ પછી અને પુલવામા હુમલાના 12 દિવસ પછી પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી હતી. આવી સ્થિતિમાં, પાકિસ્તાનને ડર છે કે ભારત 10 દિવસ પછી પહેલગામ બૈસરન આતંકી હુમલાનો બદલો લઈ શકે છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિ માસે મન કી બાત કાર્યક્રમ યોજતા હોય છે. આ કાર્યક્રમના આજે પ્રસારિત થયેલા એપિસોડમાં પણ પહેલગામ આતંકી હુમલાનો ભોગ બનેલ પરિવારને વિશ્વાસ અપાવતા કહ્યું હતું કે, પીડિતોને ન્યાય જરૂર મળશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, બિહારના મધુબની ખાતેથી આતંકવાદીઓનો સફાયો કરવાની લીધેલી પ્રતિજ્ઞા બાદ આતંકની ફેકટરી સમાન પાકિસ્તાન હવે ડરવા લાગ્યુ છે.