Operation Sindhu : યુદ્ધ વચ્ચે ઇરાને ખાસ ભારત માટે ખોલી એર સ્પેસ, ભારતીય વિદ્યાર્થીઓને લઈને બે વિમાન દિલ્હી પહોંચશે
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા 'ઓપરેશન સિંધુ' શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ધ્યેય ઇરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવાનો છે. મશહદ અને અશ્ગાબતથી બે સ્થળાંતર ફ્લાઇટ્સ ભારત પહોંચવાની છે. ઇરાન સરકારે આ માનવતાવાદી પ્રયાસમાં ભારતને સહયોગ આપ્યો છે.

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ખેલાઈ રહેલા યુદ્ધ વચ્ચે, ભારત સરકારે તેના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા એક ખાસ ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. આ અભિયાન ખાસ કરીને ઇરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત અને ઝડપથી ભારત પરત લાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાના કારણે ભારતના સેંકડો વિદ્યાર્થીઓ ઇરાનમાં ફસાયેલા છે. વિદ્યાર્થીના પરિવારે, મોદી સરકારને ઈરાનથી પરત લાવવા માટે અપીલ કરી હતી, ત્યારબાદ તેમને પાછા લાવવા માટે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે રાત્રે બે સ્પેશીયલ ફ્લાઇટ્સ ભારત પહોંચશે. પહેલી ફ્લાઇટ મશહદ (ઈરાન) થી રવાના થઈ ગઈ છે અને રાત્રે 11.30 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચે તેવી સંભાવના છે. બીજી ફ્લાઇટ અશ્ગાબાત (તુર્કમેનિસ્તાન) થી આવી રહી છે, જે મધ્યરાત્રીના 3 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચશે. આ કામગીરી વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસ અને સંબંધિત એજન્સીઓના સંયુક્ત સંકલનથી હાથ ધરવામાં આવી રહી છે. ભારત સરકારનો ઉદ્દેશ્ય ઈરાન સહિત પશ્ચિમ એશિયાના કટોકટીગ્રસ્ત વિસ્તારોમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત પરત લાવવાનો છે.
1000 વિદ્યાર્થીઓને ભારત લવાશે
આ કામગીરી હેઠળ, લગભગ 1000 ભારતીય નાગરિકો, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે, તેમને ઈરાનના મશહદ શહેરથી ઘરે લાવવામાં આવી રહ્યા છે. ઈરાન સરકારે આ માનવતાવાદી પ્રયાસને ટેકો આપતા ત્રણ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ માટે તેના હવાઈ ક્ષેત્ર પર લાદવામાં આવેલા પ્રતિબંધોને ભારત માટે અસ્થાયી રૂપે હટાવી દીધા છે. આ ફ્લાઇટ્સ ઈરાની એરલાઇન ‘મહાન એર’ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે અને ભારત સરકાર દ્વારા તેનું સંકલન કરવામાં આવી રહ્યું છે.
110 વિદ્યાર્થીઓને આર્મેનિયા થઈને સ્વદેશ લવાયા
અગાઉ, 110 ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી આર્મેનિયા થઈને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા હતા. મીડિયાને માહિતી આપતાં, ઈરાની દૂતાવાસના ડેપ્યુટી ચીફ મોહમ્મદ જાવદ હુસૈનીએ જણાવ્યું હતું કે અમે ભારતીયોને અમારા પોતાના માનીએ છીએ. ભલે ઈરાની હવાઈ ક્ષેત્ર બંધ હોય, અમે ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર માટે એર સ્પેશ ખોલવાની વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે જો જરૂર પડે તો આગામી દિવસોમાં વધુ ફ્લાઇટ્સનું પણ આયોજન કરી શકાય છે.
ઈરાનમાં 10,000 ભારતીય નાગરિકો
હુસૈનીએ કહ્યું કે ઈરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો રહે છે, અને જે લોકો ભારત પાછા ફરવા માંગે છે તેમના પરત આવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે મોટાભાગના ભારતીયો સુરક્ષિત છે, તેહરાનમાં એક હોસ્ટેલ પર તાજેતરમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ છે. આ કટોકટીમાં ભારતના વિદેશ મંત્રાલય અને તેહરાનમાં ભારતીય દૂતાવાસ સતત સંપર્કમાં છે, જેથી તમામ ભારતીય નાગરિકોની સલામત અને ઝડપી વાપસી સુનિશ્ચિત કરી શકાય.
ઈરાન ઈઝરાયેલ યુદ્ધ સહિતના આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો