Pakistan : મરિયમ નવાઝ મારી હત્યા કરાવવા માંગે છે, ઈમરાન ખાને લગાવ્યો મોટો આરોપ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વરિષ્ઠ નેતા મરિયમ નવાઝ પર, પોતાની હત્યા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) સોમવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વરિષ્ઠ નેતા મરિયમ નવાઝ (Maryam Nawaz) પર હત્યા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. ખાને કહ્યું કે મરિયમ “ધાર્મિક કટ્ટરપંથી” અને “સાંપ્રદાયિકતા અને ધાર્મિક નફરતનો પ્રચાર” કરીને તેમની હત્યા કરાવવા માંગતી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાને વેપારીઓને સંબોધતા કહ્યું, ‘મરિયમ નવાઝે તેમના સાથીઓ સાથે મળીને મારી વિરુદ્ધ સાંપ્રદાયિકતા અને ધાર્મિક નફરતનો પ્રચાર કર્યો, જેથી કોઈ પણ ધાર્મિક કટ્ટરપંથી આનાથી ઉશ્કેરાઈ જાય અને મારી હત્યા કરે.’
ઈમરાન ખાને એમ પણ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ એટલી બેચેન છે કે તે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે પાકિસ્તાનનું ચૂંટણી પંચ (ECP) તેને તોશાખાનાના કેસમાં અયોગ્ય ઠેરવે. આ મામલો ઈમરાન ખાનની સંપત્તિની ઘોષણા દરમિયાન મળેલી ભેટોની વિગતો જાહેર ન કરવા સંબંધિત છે. પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘હું મૃત્યુથી ડરતો નથી કારણ કે તે અલ્લાહ દ્વારા નક્કી કરવામાં આવે છે, અન્ય કોઈ દ્વારા નહીં.’
મરિયમે ઈમરાનને ‘શૈતાન’ કહ્યો
લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર રહીમ યાર ખાનમાં ગત શનિવારે યોજાયેલી રેલીમાં, મરિયમ નવાઝે ઈમરાનખાન સામે આક્ષેપ કરતા કહ્યું કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખે મારી હત્યા કરવાનું કાવતરું ઘડવાની વાત પણ કરી હતી. મરિયમે દાવો કર્યો હતો કે, ‘ચાર શખ્સોએ મને ‘બંધ કમરા’માં મારવાનું નક્કી કર્યું હતું “તે (ઈમરાન) પોતાની રાજનીતિ માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યો છે અને પોતાના ખોટા પ્રવચનને પ્રોત્સાહન આપી રહ્યો છે. તમારા ધર્મ અને દેશને આ શેતાનથી બચાવો.
ઈમરાને ઓડિયો લીક મામલે શહેબાઝના રાજીનામાની માંગ કરી છે
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને તેમના કેબિનેટ અધિકારીઓ વચ્ચેની અનૌપચારિક વાતચીતની કેટલીક ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે વડા પ્રધાન શાહબાઝ શરીફના રાજીનામાની માંગ કરી હતી. પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ બ્યુરોએ ઓડિયો ક્લિપ સંદર્ભે સુરક્ષા ક્ષતિની તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને કહ્યું, “વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમના, કેટલાક કેબિનેટ સભ્યો અને સરકારી અધિકારીઓનો ઓડિયો લીક થયા બાદ રાજીનામું આપવું જોઈએ.”