Breaking News : દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાં હાઇજેક નહીં ક્રેશ કરવાનો પ્રયાસ! કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયો હતો વિવાદ
ઇઝરાયલી વિમાનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. શરૂઆતમાં હાઇજેકિંગના અહેવાલો હતા, પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે તે કોકપીટમાં બે પાઇલટ્સ વચ્ચેની ઝપાઝપી હતી. એક પાઇલટે વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો, જેને બીજા પાઇલટે રોક્યો.

ઇઝરાયલી વિમાન સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરૂઆતમાં ફ્લાઇટ હાઇજેક થયાના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ બાદમાં સામે આવેલી વિગતો અનુસાર વિમાનનું અપહરણ થયું ન હતું. અહેવાલો મુજબ, કોકપીટમાં બંને પાઇલટ્સ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ વિમાનને લઈને પરિસ્થિતિ ગંભીર બની હતી.
મળતી માહિતી પ્રમાણે, એક પાઇલટે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો મુસાફરે દાવો કર્યો છે. જોકે, બીજા પાઇલટે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે બીજા પાઇલટે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની મદદથી સંબંધિત પાઇલટને કાબૂમાં લીધો હતો.
આ ઘટનાને કારણે વિમાનમાંથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને હાઇજેકિંગનો સંકેત મળ્યો હતો. આ સિગ્નલ મળ્યા બાદ ઇઝરાયલી સત્તાવાળાઓ પણ એલર્ટ થઈ ગયા હતા. ત્યારબાદ વિમાનને મેન્યુઅલ કંટ્રોલ હેઠળ લેવામાં આવ્યું હતું અને તેની દિશા સાઉદી અરેબિયા તરફ વાળવામાં આવી હતી.
વિમાનમાં 174 લોકો સવાર હતા
ઇઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર, ફ્લાયદુબઈનું આ વિમાન કુલ 174 લોકોને લઈને દુબઈથી તેલ અવીવ જઈ રહ્યું હતું. તેમાં 24 બાળકો પણ સામેલ હતા. ઘટનાની વચ્ચે કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. ઝપાઝપી દરમિયાન કેટલાક લોકોને લોહી પણ નીકળ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.
કોકપીટમાં વિવાદ બાદ મોકલાયો ડિસ્ટ્રેસ સિગ્નલ
પાઇલટ્સ વચ્ચે થયેલા વિવાદ બાદ પ્રથમ એક સિગ્નલ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રૂ તરફથી ડિસ્ટ્રેસ સિગ્નલ પણ મોકલવામાં આવ્યો હતો. સિગ્નલ મળ્યા બાદ વિમાનને મેન્યુઅલ કંટ્રોલ હેઠળ રાખવામાં આવ્યું અને તેની દિશા બદલીને સાઉદી અરેબિયા તરફ લઈ જવામાં આવ્યું.
થોડા સમય બાદ વિમાન સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો. બીજી તરફ, બેન ગુરિયન એરપોર્ટ પર લેન્ડિંગની મંજૂરી ન મળતાં અને પાઇલટ્સ તરફથી એર ટ્રાફિક કંટ્રોલના સંદેશાઓનો જવાબ ન મળતાં હાઇજેકિંગની આશંકા વધુ ઘેરી બની હતી.
આ સમગ્ર ઘટનાને કારણે થોડા સમય માટે ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે, વિમાન સાઉદી અરેબિયામાં સુરક્ષિત રીતે ઉતર્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ હતી. શરૂઆતમાં જેને હાઇજેકિંગની ઘટના માનવામાં આવી રહી હતી, તે વાસ્તવમાં કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયેલી ગંભીર અથડામણ સાથે જોડાયેલી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.
