Israel Hamas War : ઈઝરાયેલને ઈરાને આપી ઘમકી, અમારા પર હુમલો કરશો તો સીરિયા, યમન અને લેબનોન પણ ત્રાટકશે
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલી રહેલ યુદ્ધ દિવસેને દિવસે વધુ ખુંવારીવાળુ. ઈઝરાયેલે યુદ્ધની શરુઆત કરવાની સાથેસાથે હમાસને ટેકો આપતા તમામ દેશોને ચેતવણી આપી છે. ઈઝરાયેલે કહ્યું છે કે હમાસને સમર્થન આપવાનું પરિણામ ભોગવવુ પડશે. જ્યારે બીજી તરફ ઈઝરાયેલની ચેતવણી બાદ ઈરાને પણ ધમકીભર્યા સ્વરમાં કહ્યું છે કે, જો ઈઝરાયેલ ઈરાનને નિશાન બનાવશે તો, સીરિયા યમન અને લેબનોન પણ ઈઝરાયેલ ઉપર હુમલો કરશે. આની સામે નરમ થયા વિના ઈઝરાયેલે પણ કહ્યું છે કે તે આના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસના હિચકારા હુમલાથી ગુસ્સે ભરાયેલા ઇઝરાયેલે, ગાઝા પટ્ટી પર મિસાઈલથી હુમલાઓ કરવાનું શરૂ કરી દીધુ છે. બહુમાળી ઇમારતો અને હમાસના અડ્ડાઓને ઈઝરાયેલે નિશાન બનાવીને તોડી પાડ્યા છે. સતત હુમલાઓ વચ્ચે ગાઝા પટ્ટીમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળે છે. હમાસ ઉપર ત્રાટકેલા ઈઝરાયેલને કારણે ગાઝા પટ્ટીમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ઈઝરાયલે હમાસને સમર્થન આપનારા ઈરાન સહિત અન્ય દેશોને પણ ચેતવણી આપી છે. હમાસને ટેકો આપનારા કોઈને પણ બક્ષવામાં નહી આવે એવી પણ જાહેરાત કરી છે. આની સામે ઈરાને પણ કહ્યું છે કે તે આનો જવાબ આપશે. ઈરાને ઈઝરાયેલને ધમકીભર્યા સ્વરમાં કહ્યું છે કે, જો અમારા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો લેબનોન, યમન, ઈરાક અને સીરિયા પણ ઈઝરાયેલ પર હુમલા કરશે. ઈઝરાયેલની ચેતવણીને ધ્યાને લઈને ઈરાને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ આમને આમ જ ચાલતું રહેશે તો મધ્ય પૂર્વના દેશોમાંથી એક નવું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધને લઈને ગલ્ફ દેશોમાં ગભરાટ ફેલાયો છે. હાલમાં એવુ માનવામાં આવી રહ્યું છે કે જો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં અન્ય દેશો કૂદી પડશે તો કયો દેશ કોનો પક્ષ લેશે. કોની સાથે રહેશે. હાલમાં મોટાભાગના ઇસ્લામિક દેશો પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસની સાથે જોવા મળે છે. હમાસે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે, તેને ઈરાનનું સમર્થન છે. લેબનોનના હિઝબુલ્લાહ દ્વારા પણ ઈઝરાયેલમાં સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાક, સીરિયા અને યમન પણ ઈઝરાયેલના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. આ પહેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ, આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું હતું અને મુસ્લિમ દેશોને પેલેસ્ટિનિયન રાષ્ટ્રને સમર્થન આપવા હાકલ કરી હતી. તેમણે ઈઝરાયેલ સામેની સીરિયા, લેબનોન અને ઈરાકના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઈઝરાયેલે કહ્યું કે અમે સંપૂર્ણ રીતે તૈયાર
ઈઝરાયેલની સેનાએ, હિઝબુલ્લાના હુમાલને ગણકાર્યા વિના હમાસ સમર્થકોને આકરા પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. ઈઝરાયેલના સંરક્ષણ દળોના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું છે કે, જેણે પણ હમાસને સમર્થન આપ્યું છે તેણે ઈઝરાયેલ તરફથી આકરા પરિણામ સામનો કરવો પડશે. રિયર એડમિરલ ડેનિયલ હગારીનો સીધો ઈશારો ઈરાન, લેબેનોન, યમન અને સીરિયા તરફ હતો. જોકે ઈરાને પણ વળતા જવાબમાં કહ્યું છે કે, જો ઈઝરાયેલ ઈરાનને ધમકી આપવાનું વિચારશે તો તમામ દેશો સાથે મળીને હુમલો કરશે. આ પહેલીવાર નથી, હકીકતમાં ઈરાન સતત ઈઝરાયેલને ધમકીઓ આપી રહ્યું છે. ગત પાંચ માસ પૂર્વે ઈરાનના આર્મી ડેના અવસર પર રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ ઈરાનની સૈન્ય તાકાત દુનિયાને બતાવી હતી અને ઈઝરાયેલના તેલ અવીવ અને હાઈફાને તબાહ કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી.
ઈઝરાયેલે અમેરિકા પાસે માંગી મદદ
હમાસ પર મોટા હુમલાઓ કરી રહેલું અમેરિકા હવે ઈરાન તરફથી તોળાઈ રહેલા ખતરા અને લેબનોન, યમન અને સીરિયાનો સૈન્ય દ્રષ્ટિએ સામનો કરવા માટે અમેરિકાની મદદ માંગી રહ્યું છે. વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ અનુસાર ઈઝરાયેલે અમેરિકા પાસે મિસાઈલ ઈન્ટરસેપ્ટર, નાના હથિયારો અને વિશાળ માત્રામાં દારૂગોળો માંગ્યો છે. બીજી તરફ સમાચાર તો એવા પણ આવી રહ્યા છે કે અમેરિકાએ ઈઝરાયેલને તમામ પ્રકારની સૈન્ય સહાય આપવાની જાહેરાત કરી છે.
ગાઝા પર હુમલો કરશે તો ઇજિપ્ત વિરોધ કરશે
ઈઝરાયેલની કેબિનેટે ગાઝા પર સૈન્ય હુમલાને મંજૂરી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલનુ સૈન્ય હવે આગામી 24 કલાકમાં ગાઝા પર ગ્રાઉન્ડ એટેક કરી શકે છે. ખાસ વાત એ છે કે ઈજિપ્તે ઈઝરાયેલના સૈન્ય હુમલાનો તેનો વિરોધ કર્યો છે. ઈજિપ્તે કહ્યું છે કે આમ કરવું યોગ્ય નથી. જો કે ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર ત્રાટકવા માટે પૂર્ણ સ્વરૂપે તૈયારીઓ પૂરી કરી લીધી છે. મરકાવા ટેન્કને ગાઝા સરહદે તૈનાત કરી દેવામાં આવી છે. અમેરિકાએ લેબનોન સરહદ વિશે પણ ઈન્ટેલિજન્સ માહિતી માંગી છે. આ સિવાય ઈઝરાયેલે પોતાના સરહદી વિસ્તારો ઉરીમ, બેરી, નાહલોઝ, નેતિવ હસારા અને ઝીકિમને ખાલી કરવાનો નાગરિકોને આદેશ આપ્યો છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે, ઈઝરાયેલ દ્વારા શરૂ કરાયેલ કામગીરીને જોતા એવુ સ્પષ્ટ કહી શકાય કે હવે યુદ્ધના મેદાનમાં સ્થિત વધુ ખરાબ થશે. હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ ઉપર જમીની હુમલો કરશે. ત્યારબાદ ઇજિપ્ત, ઈરાન, સીરિયા અને યમન પણ ઈઝરાયેલની અંદર ઘૂસી જશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો