Breaking News: ગમે ત્યારે થઈ શકે છે ‘મોટો ધડાકો’! ઈરાને અમેરિકાના સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજને બનાવ્યું નિશાન, વીડિયો જાહેર કરી આપી ‘ખુલ્લી ધમકી’
ઈરાન અને અમેરિકા વચ્ચે દરિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાને દાવો કર્યો છે કે, તેમણે અમેરિકાના સૌથી મોટા યુદ્ધ જહાજ 'યુએસએસ અબ્રાહમ લિંકન' પર મિસાઈલથી હુમલો કર્યો છે અને તેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.

ઈરાને ભૂમધ્ય સમુદ્ર (Mediterranean Sea)માં અમેરિકાના યુદ્ધ જહાજ (5મા બેડા) યુએસએસ અબ્રાહમ લિંકન (USS Abraham Lincoln) ને ફરી એકવાર બેલેસ્ટિક મિસાઇલ હુમલામાં નિશાન બનાવ્યું છે. એક વીડિયોમાં ઈરાની મિસાઇલો અબ્રાહમ લિંકન પર જોરદાર હુમલો કરતી જોવા મળી રહી છે.
ઈરાને આ સાથે અમેરિકાને કડક ચેતવણી પણ આપી છે. ઈરાની નૌકાદળના કમાન્ડર રિયર એડમિરલ શહેશામ ઈરાનીએ અમેરિકન એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન અંગે સખત શબ્દોમાં ચેતવણી આપી છે.
‘WE CONSTANTLY MONITOR MOVEMENTS OF USS ABRAHAM LINCOLN
Once it enters the range of our missile systems, it will be targeted by the Navy’s crushing attacks’ — Admiral Shahram Irani pic.twitter.com/V3y8tZSN6d
— RT (@RT_com) March 25, 2026
તેમણે કહ્યું કે, ઈરાની નૌકાદળ સતત આ જહાજની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે. એડમિરલ શહેશામ ઈરાનીએ જણાવ્યું હતું કે, “અમે યુએસએસ અબ્રાહમ લિંકનની દરેક હલચલને સતત મોનિટર કરી રહ્યા છીએ. એકવાર તે અમારી મિસાઇલ સિસ્ટમની રેન્જમાં આવશે, તો અમારી નૌકાદળ તેની સામે ભારે અને કચડી નાખે તેવો હુમલો કરશે.”
અમેરિકન યુદ્ધ જહાજ પર ઈરાનની નજર
ઈરાની નૌકાદળના વડાએ કહ્યું છે કે, અમેરિકન યુદ્ધ જહાજ પર અમારી નજર ટકેલી છે. એકવાર તે અમારી રેન્જમાં આવે એટલી જ વાર છે, ત્યારબાદ તરત જ આ યુદ્ધ જહાજને ધ્વસ્ત કરી દેવામાં આવશે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ઈરાન વિરુદ્ધ સૈન્ય દબાણ વધારી રહ્યું છે અને આ વિસ્તારમાં વધારાના સૈનિકો તેમજ યુદ્ધ જહાજો તૈનાત કરી રહ્યું છે.
સાથે જ ટ્રમ્પ દ્વારા 15 મુદ્દાનો યુદ્ધવિરામ પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો છે. ઈરાની નેવી કમાન્ડરે ચેતવણી આપી હતી કે, કોઈપણ પ્રતિકૂળ પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “અમે અમારી જમીન, દરિયાઈ વિસ્તાર અને સંપ્રભુતાની રક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.”
અમેરિકા અમારી સૈન્ય ક્ષમતાને ઓછી ન આંકે: ઈરાન
ઈરાને કહ્યું છે કે, દુશ્મને અમારી ઈચ્છાશક્તિ અને સૈન્ય ક્ષમતાને ઓછી ન આંકવી જોઈએ. એડમિરલ ઈરાનીએ આગળ જણાવ્યું કે, ઈરાની નૌકાદળ અત્યાધુનિક મિસાઇલો અને દરિયાકાંઠાના હુમલાના હથિયારોથી સજ્જ છે, જે કોઈપણ મોટા યુદ્ધ જહાજને નિશાન બનાવી શકે છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ઈરાની જળસીમા અથવા મિસાઇલ રેન્જની નજીક આવશે, તો તેને ભારે નુકસાન વેઠવું પડશે. આ ચેતવણી તાજેતરના દિવસોમાં ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે આવી છે. ઈરાન પહેલા પણ દાવો કરી ચૂક્યું છે કે, તેણે અમેરિકી ઠેકાણાઓ અને યુદ્ધ જહાજો પર હુમલા કર્યા છે. જો કે, અમેરિકાએ આ દાવાઓને ફગાવી દીધા છે.
જડબાતોડ જવાબ માટે ઈરાન તૈયાર
એડમિરલ ઈરાનીએ કહ્યું, “જેમ અમે પહેલા દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો હતો, તેમ અત્યારે પણ અમે તૈયાર છીએ. અમારી નૌકાદળ કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ છે.” તેમણે ઈરાની સેનાની એકતા અને મજબૂતીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આખું ઈરાન એકજૂથ થઈને પોતાની રક્ષા કરશે. વિશ્લેષકોનું માનવું છે કે, આ નિવેદન ઈરાનના સખત વલણને દર્શાવે છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા ક્ષેત્રમાં સૈન્ય તાકાત વધારવા વચ્ચે ઈરાન સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે કે, તે કોઈપણ આક્રમક પગલાનો જવાબ આપવા માટે તૈયાર છે.
