અમેરિકાના ચૂંટણી પ્રચારમાં જોવા મળી ભારતીય પરંપરા, કમલા હેરિસની પાર્ટીના સંમેલનમાં કરાઈ વૈદિક પ્રાર્થના, જુઓ વીડિયો
અમેરિકામાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનના ત્રીજા દિવસની શરૂઆત ભારતીય પરંપરા અનુસાર વૈદિક પ્રાર્થનાથી થઈ હતી. સંસ્કૃતમાં શ્લોક બોલીને પ્રાર્થના કરાવનાર રાકેશ ભટ્ટે લોકોને રાષ્ટ્ર માટે એક થવા અપીલ કરી હતી. ભારતીય મૂળના લોકોએ કમલા હેરિસના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા પર ખુશી વ્યક્ત કરી છે.
અમેરિકાના શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન યોજાઈ રહ્યું છે. સંમેલનના ત્રીજા દિવસની શરૂઆત વૈદિક પ્રાર્થનાથી થઈ હતી. જ્યાં અમેરિકા દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. ભારતીય મૂળના પૂજારી રાકેશ ભટ્ટે કહ્યું કે, દરેક વ્યક્તિએ પોતાના અંગત મતભેદોને બાજુ પર રાખીને રાષ્ટ્રના હિત માટે એક થવું પડશે. તેમણે કહ્યું, “આપણે એક થવું જોઈએ.” આપણું મન એક સાથે વિચારે છે. આપણાં હ્રદયને એક બનીને ધડકવા દો, આનાથી આપણે એક થઈ શકીએ અને આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવી શકીએ.
સત્ય જ આપણો પાયો છે – રાકેશ ભટ્ટ
રાકેશ ભટ્ટે કહ્યું કે આપણે બધા એક જ પરિવારના ભાગ છીએ અને સત્ય આપણા જીવનનો આધાર છે. જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ, મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જવામાં મદદ કરે છે. તેમ જ, સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સરળ બનાવે છે.
કોણ છે રાકેશ ભટ્ટ?
રાકેશ ભટ્ટ મેરીલેન્ડના શિવ કૃષ્ણ મંદિરના પૂજારી છે. તેમણે બેંગલુરુની ઓસ્ટીન કોલેજમાંથી અંગ્રેજી અને કન્નડ અને જયચામરાજેન્દ્ર કોલેજમાંથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે. કેટલાક વર્ષો સુધી ઉડુપી અષ્ટ મઠમાં પૂજા કરી. બદ્રીનાથ અને રાઘવેન્દ્ર સ્વામી કોઈમમાં થોડો સમય કામ કર્યું અને જુલાઈ 2013માં શ્રી વિષ્ણુ મંદિરમાં પૂજારી બન્યા. તમિલ, તેલુગુ, કન્નડ, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ પર ભટ્ટનું સારું પ્રભૃત્વ છે.
VIDEO | Rakesh Bhatt, a Hindu priest chants Vedic hymns to kick start day three of the Chicago Democratic National Convention. #USElections2024
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/T6yflYms3M
— Press Trust of India (@PTI_News) August 22, 2024
સંમેલનમાં હાજર લોકોએ શું કહ્યું
સંમેલનમાં અમેરિકન નેતા ડોન બેરે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે ઘણા સારા સંબંધો છે. રાષ્ટ્રપતિ બાઈડન અને વડાપ્રધાન મોદી વચ્ચેના સંબંધો મજબૂત રહ્યા છે. અમેરિકામાં ભારતીય-અમેરિકન લોકોની મોટી વસ્તી છે. આપણા રાષ્ટ્રપતિ બનનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા ખૂબ જ સારો સંદેશ આપશે. જ્યારે, કાર્યક્રમમાં અમેરિકામાં ભારતીય મૂળના રહેવાસી અવિન્દર ચાવલાએ કહ્યું કે, કમલા હેરિસના અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા બાદ આખો દેશ ઉત્સાહિત છે, દક્ષિણ એશિયાના લોકો માટે આ ખૂબ જ મોટી વાત છે.