India-US Deal: ભારત સાથેની ટ્રેડ ડીલ માટે આ વ્યક્તિ છે અસલી ‘ડીલમેકર’ -પદ સંભાળતાની સાથે જ કર્યો મોટો ખેલ
India-US Deal Mastermind: સર્જિયો ગોરે 12 જાન્યુઆરી, 2026 ના રોજ ભારતમાં યુએસ એમ્બેસેડરનું પદ સંભાળ્યું. પદ સંભાળ્યા પછી, તેમણે કહ્યુ હતુ કે ભારત અને યુએસ વચ્ચે 'All is Well' છે, મતલબ-'બધું બરાબર છે.' તેમની નિયુક્તિના 21મા દિવસે, ભારત અને યુએસ વચ્ચે ટેરિફ પર એક કરાર થયો.

ભારત અને યુએસ વચ્ચે વેપાર કરાર થયો છે. છેલ્લા દસ મહિનાથી, ટેરિફને લઈને ખેંચતાણ ચાલી રહી હતી જેના કારણે બંને દેશો વચ્ચે પણ ભારે તણાવનો માહોલ હતો, જોકે, બંને દેશો વચ્ચે વાટાઘાટો યથાવત રહી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પ્રિય મિત્ર ગણાવતા રહ્યા હતા, અને બદલામાં, પીએમ મોદીએ ટ્રમ્પને તેમના મિત્ર કહેતા રહ્યા હતા.
અમેરિકાએ પહેલીવાર એપ્રિલમાં ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો, પછી ભારત પર રશિયન તેલ ખરીદવાનો આરોપ લગાવીને વધારાનો 25% દંડ લાદ્યો હતો. આનાથી ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો. પરંતુ હવે ટ્રમ્પે ભારત સાથે પોતાની સાચી મિત્રતા દર્શાવી છે અને ટેરિફ ઘટાડીને માત્ર 18 ટકા કર્યો છે.
ડીલ પાછળ આ વ્યક્તિની રહી મોટી ભૂમિકા
ટેરિફ અંગે બંને દેશો વચ્ચે બેઠકો ચાલુ હતી. જોકે, સર્જિયો ગોરે ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી, ટ્રેડ ડીલ અંગેનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગ્યુ હતુ. સર્જિયો ગોરે 12 જાન્યુઆરી, 2026 ના રોજ ભારતમાં યુએસ એમ્બેસેડરનું પદ સંભાળ્યું.
તેમણે પદ સંભાળતાની સાથે જ કહ્યુ હતુ કે ભારત અને યુએસ વચ્ચે બધું All Is Well છે. તેમણે કહ્યું કે વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે, ટૂંક સમયમાં આશાસ્પદ પરિણામોની અપેક્ષા છે, અને ભારત અને યુએસ વચ્ચેના સંબંધો અત્યંત સારા છે, અને બંને દેશો એકબીજાને પ્રાથમિકતા આપે છે.
અગાઉ, ગોર વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર હતા અને તેમને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ સહાયક માનવામાં આવે છે. ટ્રમ્પે તેમને એવા સમયે ભારતની જવાબદારી સોંપી હતી જ્યારે ટેરિફ અને વેપાર મુદ્દાઓ પર ભારત-યુએસ સંબંધોમાં તણાવ વધી રહ્યો હતો.
રાજદૂત તરીકે નિમણૂક થયા પછી તરત જ, ગોરે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની વાટાઘાટો ચાલી રહી છે અને બંને દેશોએ તેને અંતિમ સ્વરૂપ આપવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. 13 જાન્યુઆરી, 2026 ના રોજ, તેમની નિમણૂકના બીજા દિવસે, તેમણે ભારતીય અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટોનો સંકેત આપ્યો હતો. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે લગભગ સાત રાઉન્ડની બેઠકો થઈ ચૂકી છે, અને બધું સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યું છે.
બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુમેળ: સર્જિયો ગોર
દરમિયાન, સર્જિયો ગોરની નિમણૂકના 21મા દિવસે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની જાહેરાત કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં યુએસ રાજદૂતે મુખ્ય ભૂમિકા ભજવી હતી, કારણ કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ નિકટના ગણાય છે અને આથી જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.
ગોરે તેમના પ્રથમ મોટા સાર્વજનિક સંબોધનમાં જણાવ્યું હતું કે કોઈ પણ ભાગીદાર ભારત જેટલો મહત્વપૂર્ણ નથી અને ભારત-અમેરિકા સંબંધ આ સદીની સૌથી મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બંને દેશોને વેપાર તેમજ સુરક્ષા, ટેકનોલોજી, ઉર્જા અને શિક્ષણ જેવા અન્ય ક્ષેત્રોમાં મજબૂત સહયોગની જરૂર છે.
ટ્રેડ ડીલ અંગે ગોરનું નિવેદન
સોદાની જાહેરાત બાદ, ગોરે કહ્યું કે ભારત-અમેરિકા સંબંધોમાં અનંત સંભાવના છે અને આ કરાર બંને દેશ માટે લેન્ડમાર્ક ક્ષણ છે. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખરેખર વડાપ્રધાન મોદીને સાચા મિત્ર માને છે, અને આ વ્યક્તિગત વિશ્વાસથી વેપાર વાટાઘાટોને વેગ મળ્યો છે.
ગોરે કહ્યું કે આ સોદા હેઠળ, ભારતીય માલ પરનો ટેરિફ 50% થી ઘટાડીને 18% કરવામાં આવ્યા છે, જે બંને દેશો વચ્ચે સહયોગને સરળ બનાવે છે અને વેપાર તણાવ ઘટાડે છે.
