ભારતે ટ્રુડોને સાફ સાફ સંભળાવ્યું, અમે નહી તમે ખોટા છો, પુરાવાઓ સાબિત કરે છે કે કેનેડામાં ખાલિસ્તાન ઝિંદાબાદ ચાલે છે
કેનેડામાં ખાલિસ્તાન સંબંધિત ગતિવિધિઓ વધી રહી છે. ખાલિસ્તાન સમર્થકો ખુલ્લેઆમ પ્રદર્શન યોજી રહ્યાં છે. ખાલિસ્તાનીઓને સમર્થન આપતી પાર્ટી કેનેડા સરકારમાં સામેલ છે. આ બધું હોવા છતાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાનો અને પોતાના દેશનો બચાવ કરી રહ્યા છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનના મુદ્દે પોતાનો અને પોતાની સરકારનો બચાવ કરવામાં વ્યસ્ત છે. ટ્રુડો અને ભારત સરકાર વચ્ચે આ મુદ્દે મતભેદ છે. વાસ્તવમાં ટ્રુડો પર ખાલિસ્તાનીઓને સમર્થન કરવાનો આરોપ છે અને તે આ માટે ભારત સરકારને જવાબદાર ઠેરવે છે. ટ્રુડો ભારતની ચેતવણીને અવગણી રહ્યા છે. ટ્રુડો જાગે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હશે અને આતંકવાદીઓને આશ્રય આપનાર કેનેડા પણ પાકિસ્તાન જેવું થઈ જાય તેવી ભીતિ છે.
ખાલિસ્તાની વિરોધીઓએ ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવ્યાની ઘટના પર કડક વલણ અપનાવતા ભારતે કેનેડા સરકારને ચેતવણી આપી છે. કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડોએ ખાલિસ્તાનીઓના વિરોધને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવ્યો હતો. આ પ્રદર્શનની ટીકા કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. તે હિંસાને પ્રોત્સાહન આપે છે, અલગતાવાદને પ્રોત્સાહન આપે છે. સાથે જ આતંકવાદને વાજબી ઠેરવવા જેવું છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે તેની નિંદા કરીએ છીએ. તેમણે કહ્યું કે અમે આ મુદ્દો કેનેડા સરકાર સમક્ષ ઉઠાવ્યો છે. અમે કેનેડાની સરકારને અમારા રાજદ્વારીઓને ત્યાં કામ કરવાની સ્વતંત્રતા પ્રદાન કરવા જણાવ્યું હતું.
બાગચીએ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના રેફરન્ડમ વીડિયો પર કહ્યું કે, અમે આનાથી વાકેફ છીએ અને અમે કેનેડિયન સત્તાવાળાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. એટલું જ નહીં, SFJ ચીફ ગુરપતવંત પન્નુના ભારતીય રાજદ્વારીઓને ધમકી આપતા વીડિયોને લઈને પણ ભારતે કડક વલણ અપનાવ્યું છે. બાગચીએ કહ્યું કે આ મુદ્દો કેનેડા સરકાર સાથે ઉઠાવવામાં આવ્યો છે.
પોતાની જાતને બચાવવા ટ્રુડોએ ભારત સરકારને ખોટી ગણાવી
તાજેતરમાં, કેનેડામાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાની ઉજવણીમાં એક રેલી કાઢવામાં આવી હતી. આ અંગે જસ્ટિન ટ્રુડોને પૂછવામાં આવ્યું કે ભારત સરકાર કહે છે કે શીખ ઉગ્રવાદ પર તમારું વલણ નરમ છે, કારણ કે તમે તે સમુદાયના મતો પર વિશ્વાસ કરો છો. તેના પર કેનેડાના પીએમએ કહ્યું, ભારત સરકાર ખોટી છે. કેનેડાએ હંમેશા હિંસા અને હિંસાની ધમકીઓને ખૂબ ગંભીરતાથી લીધી છે. અમે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને કરતા રહીશું.
ટ્રુડોના આ નિવેદનમાં કેટલી સત્યતા છે, તે કેનેડામાં ખાલિસ્તાનીઓને આપવામાં આવેલી છૂટ જ કહે છે. જો તેણે પોતાના કથન પ્રમાણે કામ કર્યું હોત તો આજે તેણે કેનેડાની સડકો પર ખાલિસ્તાનીઓ દ્વારા રેલી કે સરઘસ ના કર્યું હોત અને ના તો તે તેના માટે સુરક્ષિત દેશ બની શક્યો હોત.
ટ્રુડોની ઓળખ એવા પીએમ તરીકે કરવામાં આવી છે જેઓ ખાલિસ્તાન પ્રત્યે નરમ વલણ ધરાવે છે. તે 5 વર્ષ પહેલા 2018માં ભારતના પ્રવાસે આવ્યા હતા. તે દરમિયાન ભારે હોબાળો થયો હતો. વાસ્તવમાં તેની સાથે ખાલિસ્તાની આતંકવાદી જસપાલ અટવાલ પણ આવવાનો હતો. પરંતુ ભારતના વાંધાને કારણે ટ્રુડો નરમ પડ્યા અને અટવાલ આવ્યા નહીં. આ સિવાય અટવાલનો ટ્રુડોની પત્ની સોફી સાથેનો ફોટો પણ સામે આવ્યો છે, જેના પછી તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રુડો ગમે તેટલો બચાવ કરે, પરંતુ કેટલાક પુરાવા છે જે તેમને જુઠ્ઠા સાબિત કરે છે. ચાલો જાણીએ શું છે તે પુરાવા…
ખાલિસ્તાની અલગતાવાદીઓને સમર્થન
ટ્રુડોની સરકાર લઘુમતીમાં છે. તેમને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) દ્વારા ટેકો મળે છે અને તેનું નેતૃત્વ ખાલિસ્તાની અલગતાવાદી જગમીત સિંહ કરે છે. એનડીપી પાસે સંસદમાં 24 બેઠકો છે, જે ટ્રુડો માટે વધેલી શક્તિ છે.
ખાલિસ્તાન દેશ માટે જનમત
તાજેતરના દિવસોમાં કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો હતો. ઓટાવામાં ભારતીય દૂતાવાસની બહાર કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેમાં ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. ટોરોન્ટો અને વાનકુવરમાં પણ આવા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ સ્થળોએ 8મી જુલાઈએ ભારતીય દૂતાવાસની બહાર દેખાવો કરવાની પણ તૈયારી ખાલિસ્તાન તરફીઓએ કરી છે.
હાલમાં જ કેનેડામાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં અલગ ખાલિસ્તાન દેશ માટે જનમત લેવામાં આવ્યો હતો. કેનેડામાં સ્થાયી થયેલા શીખોએ તેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. અનેક યુવાનો મતદાન કરતા જોવા મળ્યા હતા.
ખાલિસ્તાની નેતા માર્યા ગયા
ખાલિસ્તાની સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને શીખ ફોર જસ્ટિસના નેતા હરદીપ સિંહ નિજ્જરની થોડા દિવસ પહેલા ટ્રુડોના દેશમાં હત્યા કરવામાં આવી હતી. નિજ્જરની હત્યા બાદ કેનેડામાં સ્થિતિ તણાવપૂર્ણ છે. નિજ્જર પર બબ્બર ખાલસાને મદદ કરવાનો આરોપ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બબ્બર ખાલસા એક આતંકવાદી સંગઠન છે, જે ખાલિસ્તાન આંદોલનને આગળ લઈ જઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો