રશિયન પ્રમુખ પુતિન કેવી રીતે વિતાવે છે દિવસ: આમલેટ અને 2 કલાક સ્વિમિંગથી દિવસની કરે છે શરૂઆત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે યુક્રેન પર હુમલા બાદ વિશ્વમાં ચર્ચાસ્પદ બની ગયા છે. વ્લાદિમીર પુતિનના નિર્ણયોની જેમ તેમનું જીવન પણ રસપ્રદ રહ્યું છે. જાણો, કેવી રીતે વિતાવે છે તેમનો દિવસ.
યુક્રેન (Ukraine) ઉપર હુમલો કર્યા પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) અનેક નિર્ણયો લીધા હતા. રાજદ્વારી રીતે યુક્રેન અને રશિયા (Russia) વચ્ચેનો સંઘર્ષ ટાળવા અનેક દેશ દ્વારા પ્રયાસ કરાયા હતા. આમ છતા પુતિને સૌને ચોકાવીને, યુક્રેન ઉપર આક્રમણ કર્યુ. વ્લાદિમીર પુતિન જે રીતે નિર્ણયો લે છે તેની જેમ જ તેમનું જીવન પણ રસપ્રદ રહ્યું છે. જાણો, કેવી રીતે વિતે છે તેમનો દિવસ…
દિવસની શરૂઆત: નાસ્તામાં ઈંડા અને આમેલેટ
રાત્રે મોડા સૂવાના કારણે પુતિનનો દિવસ મોડો શરૂ થાય છે. સવારના નાસ્તામાં બાફેલા ઈંડા અને આમલેટનો સમાવેશ થાય છે. આ ઇંડા કિરીલ ફાર્મલેન્ડ નામના ખાસ ફાર્મહાઉસમાંથી આવે છે. ઇંડા પછી, પ્રોટીન અને સારી ચરબી માટે નાસ્તામાં ચીઝ લે છે. આ સાથે એક ગ્લાસ જ્યુસ પીવે છે. નાસ્તો કર્યા પછી કોફી પીવાનું પસંદ કરે છે.
વર્કઆઉટઃ સ્વિમિંગના 2 કલાક પછી જીમમાં વેઈટ લિફ્ટિંગ
પુતિનને સ્વિમિંગ પૂલમાં સમય વિતાવવાનો ખુબ જ શોખ છે, તેથી જ તે દિવસમાં 2 કલાક સ્વિમિંગમાં વિતાવે છે. સ્વિમિંગ કર્યા પછી, જિમ પહોંચે છે. જીમમાં જે આઉટફિટ પહેરે છે તેની કિંમત 2.5 લાખ રૂપિયા છે. તે જીમમાં કાર્ડિયોને બદલે વેઈટલિફ્ટિંગ કરવાનું પસંદ કરે છે. પુતિનના વર્કઆઉટ રૂટીનની અસર તેમના વ્યક્તિત્વ પર પણ જોવા મળી રહી છે.
રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સવારના વર્કઆઉટ પછી પુતિન મીટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મીટિંગ માટેનો ડ્રેસ પણ ખાસ બ્રાન્ડનો છે. તેમની મીટિંગ માટે કપડાં ડિઝાઇન કરવાનું કામ જાણીતી ઇટાલિયન કંપની કિટન એન્ડ બ્રિઓની કરે છે.
ગેજેટ્સથી દૂર, ઈ-મેલને બદલે લેન્ડલાઈન પર સંપર્ક
કાર્યની શરુઆત સંક્ષિપ્ત નોંધો સાથે શરૂ થાય છે, સંક્ષિપ્ત નોંધ તેમના સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ સંક્ષિપ્ત નોંધોમાં વિદેશ મંત્રાલયના અપડેટ્સ અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સનો પણ સમાવેશ થાય છે. પુતિન પોતાની જાતને ટેક્નોલોજીથી દૂર રાખે છે. તેઓ કમ્પ્યુટર અને સ્માર્ટફોનનો ઓછો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ફાઇલો જોવા માટે રેડ ફોલ્ડરનો ઉપયોગ કરે છે અને ઈ-મેલને બદલે લેન્ડલાઈન પર સીધી વાત કરવાનું પસંદ કરે છે.
સાંજનો સમય : પાલતુ પ્રાણીઓ સાથે વિતાવે છે સમય
પુતિનના નિવાસસ્થાનથી રશિયન સરકારની ક્રેમલિન હેડ ઓફિસ 25 મિનિટના અંતરે છે. એક રિપોર્ટ અનુસાર, પુતિનને આટલું અંતર કાપવાનું પસંદ નથી, તેથી મોટાભાગનું કામ ઘરેથી જ કરતા આવે છે. સાંજનો સમય પાલતુ પ્રાણી સાથે વિતાવે છે. આ સિવાય, તેમને કાળા સમુદ્રના કિનારે બનેલા નોવો-ઓગેરીઓવા એસ્ટેટ કોમ્પ્લેક્સમાં પણ સમય પસાર કરવો ગમે છે.
પુતિનને મોડી રાત સુધી જાગવાની અને પુસ્તકો વાંચવાની આદત છે. ખાસ કરીને રાત્રિભોજન પછી તેમને પિસ્તાની ફ્લેવરવાળો આઈસ્ક્રીમ ખાવાનું પસંદ છે. તેમણે આ આઈસ્ક્રીમ ચીનના રાષ્ટ્રપતિને એક મીટિંગ દરમિયાન પણ ખવડાવ્યો હતો. પુટિન સામાન્ય રીતે દારૂ પીવાનું પસંદ કરતા નથી, ફક્ત ખાસ કાર્યક્રમોમાં જ દારૂ લે છે. મોડી રાત સુધી વાંચ્યા પછી લગભગ 3 વાગે સૂઈ જાય છે.
આ પણ વાંચોઃ
Russia-Ukraine War : રશિયા સામે UNSCનો નિંદાનો પ્રસ્તાવ, યુક્રેનમાંથી સૈનિકો પાછા ખેંચવાની માંગ
આ પણ વાંચોઃ