પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસના મુખ્ય આરોપીઓમાંના એક ગોલ્ડી બ્રાર ઝડપાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી ગોલ્ડી બ્રારની અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર છે. ભારતની ગુપ્તચર એજન્સીઓને આંતરરાષ્ટ્રીય સ્ત્રોતોમાંથી ગોલ્ડી બ્રાર ઝડપાયો હોવાના ઈનપુટ મળ્યા છે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ અને કુખ્યાત અને આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાં અટકાયત કરવામાં આવી છે.
ભારતની સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે ગોલ્ડી બ્રારને કેલિફોર્નિયામાં 20 નવેમ્બર અથવા તેની આસપાસ પકડી લેવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી ભારત સરકારને કેલિફોર્નિયા તરફથી ગોલ્ડી બ્રાર પકડાયો હોવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
બીજી તરફ કેલિફોર્નિયામાં ગોલ્ડી બ્રાર પકડાયો હોવા અંગે ભારતના ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW), ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB), દિલ્લી પોલીસ સ્પેશિયલ સેલ અને પંજાબ ઈન્ટેલિજન્સને ચોક્કસપણે ઈનપુટ મળ્યા છે. ગુપ્તચર એજન્સીને એવા પણ સંકેત સાપડ્યા છે કે, ગોલ્ડી બ્રારને લઈને કેલિફોર્નિયામાં ભારે હલચલ મચી ગઈ છે. તેને શોધીને પકડવામાં આવ્યો છે.
ગોલ્ડી બ્રારે કેલિફોર્નિયાના શહેર સેક્રામેન્ટો, ફ્રિઝો (ફ્રિઝો) અને સોલ્ટ લેકને પોતાનું સુરક્ષાના ઠેકાણું બનાવ્યું હતું. એજન્સીને મળેલા અહેવાલ અનુસાર ગોલ્ડી બ્રાર કેલિફોર્નિયાના ફ્રેસ્કો સિટીમાં રહેતો હતો.
વ્યવસાયે ટ્રક ડ્રાઈવર ગોલ્ડી બ્રાર, સુદ્ધુ મુસેવાલાની હત્યા બાદ કેનેડામાં ખતરો અનુભવી રહ્યો હતો, તેની પાછળનું એક કારણ એ હતું કે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના કેનેડામાં પણ મોટી સંખ્યામાં ચાહકો છે. આ સિવાય બંબીહા ગેંગના ગેંગસ્ટર અને લોરેસ બિશ્નોઈની ગેંગ પણ ગોલ્ડી બ્રારના દુશ્મનોમાં સામેલ છે.
ગોલ્ડી બ્રારે કેલિફોર્નિયાના સેક્રામેન્ટો સિટીમાં કાયદાકીય મદદ દ્વારા રાજકીય આશ્રય માટે અપીલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી જો તે પકડાઈ જાય તો તે ભારત ના જઈ શકે. આ માટે ગોલ્ડી બ્રારે બે કાયદાકીય નિષ્ણાતોની પણ મદદ લીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેમાં એક વકીલે ગોલ્ડીની ગુનાહિત પૃષ્ઠભૂમિની જાણ થતાં તેનો કેસ લડવાનો ઇનકાર કર્યો હતો. આ પછી તેણે બીજા વકીલની મદદ લીધી.