પાકિસ્તાનમાં મોટા આતંકી હુમલાનો ભય, USA બાદ ઓસ્ટ્રેલિયા-યુકે-સાઉદી અરેબિયાનુ એલર્ટ
સાઉદી અરેબિયાની પાકિસ્તાન સ્થિત એમ્બેસીએ ટ્વિટર પર એક નિવેદન જાહેર કરીને નાગરિકોને ચેતવણી આપી છે. પાકિસ્તાન, ઈસ્લામાબાદમાં હુમલાનું સૌથી વધુ જોખમ હોવાનું કહેવાયુ છે.
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યુએસ એમ્બેસીએ તેના કર્મચારીઓને આતંકવાદી હુમલાથી સાવધાન રહેવા જણાવ્યું હતું. તેના એક દિવસ બાદ હવે સાઉદી અરેબિયાએ પણ ચેતવણી જાહેર કરી છે. પાકિસ્તાન સ્થિત સાઉદી અરેબિયાના દૂતાવાસે તેના નાગરિકોને સાવચેતી રાખવા જણાવ્યું છે. અધિકારીઓએ અહીં સુરક્ષા સંબંધિત ચેતવણી જાહેર કરી છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્લામાબાદમાં આતંકી હુમલાનો સૌથી વધુ ખતરો છે. એમ્બેસીએ ટ્વિટર પર એક નિવેદન જાહેર કરીને નાગરિકોને ચેતવણી આપી છે.
પાકિસ્તાનમાં આતંકી હુમલાનો ભય હોવાના સમાચાર આરબ ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમા કહેવામાં આવ્યું છે કે, ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનમાં બે પવિત્ર મસ્જિદોના કસ્ટોડિયન સાઉદી અરેબિયાનુ દૂતાવાસ છે. અહીં રહેતા અને મુલાકાત લેનારા તમામ નાગરિકોને સૂચના આપવામાં આવે છે કે બિનજરૂરી બહાર ના નિકળો. ઈસ્લામાબાદમાં સુરક્ષા વ્યવસ્થા ઉચ્ચ સ્તરે રાખવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ઈમરજન્સીની સ્થિતિમાં કરાચીમાં એમ્બેસી અથવા કોન્સ્યુલેટ જનરલનો સંપર્ક કરવો. સાઉદી અરેબિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોએ પાકિસ્તાન માટે ટ્રાવેલ એલર્ટ જાહેર કર્યું છે.
ઓસ્ટ્રેલિયાએ પણ આપ્યું એલર્ટ
ઓસ્ટ્રેલિયાએ પણ તેના દેશના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું છે. ઈસ્લામાબાદમાં ઓસ્ટ્રેલિયાની એમ્બેસીએ પણ લોકો માટે ટ્રાવેલ એલર્ટ જાહેર કર્યું છે. આ ટ્રાવેલ એલર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે હાલમાં પાકિસ્તાનની મુસાફરી કરવાનું ટાળો અને સુરક્ષિત રહો. આ એલર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, પાકિસ્તાન દેશમાં સુરક્ષાના કારણોસર આ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે યુકેએ પણ તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
અમેરિકાએ પહેલા એલર્ટ જાહેર કર્યું હતું
આના એક દિવસ પહેલા, પાકિસ્તાન સ્થિત યુએસ એમ્બેસીએ પાકિસ્તાનની રાજધાની સ્થિત મેરિયટ હોટલમાં અમેરિકન નાગરિકો પર આતંકવાદી હુમલાની સંભાવનાને લઈને ચેતવણી આપી છે અને અમેરિકન કર્મચારીઓને આ ફાઇવ સ્ટાર હોટલમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં જ ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું. યુએસ એમ્બેસીએ આ ઘટનાના બે દિવસ બાદ રવિવારે આ ચેતવણી ઉચ્ચારી છે.
નિવેદનમાં જણાવાયું છે કે યુએસ સરકારને એવી માહિતીની જાણ થઈ છે કે અજાણ્યા વ્યક્તિઓ ક્રિસમસના વેકેશન દરમિયાન ઇસ્લામાબાદની મેરિયટ હોટેલમાં અમેરિકનો પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઈસ્લામાબાદ સ્થિત દૂતાવાસે તમામ અમેરિકી કર્મચારીઓને ઈસ્લામાબાદની મેરિયટ હોટેલમાં તાત્કાલિક અસરથી જવા પર પ્રતિબંધ મૂક્યો છે. દૂતાવાસે કહ્યું કે સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. તમામ દૂતાવાસના કર્મચારીઓને રજાઓ દરમિયાન રાજધાનીની બિન-જરૂરી અને અનૌપચારિક મુસાફરીથી દૂર રહેવા અપિલ કરવામાં આવી છે.
અગાઉ પણ થયો હતો આતંકી હુમલો
આ એડવાઈઝરી એવા સમયે જાહેર કરવામાં આવી છે, જ્યારે તાજેતરમાં ઈસ્લામાબાદમાં હુમલો થયો હતો. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા હુમલામાં વધારો થયો હતો. 23 ડિસેમ્બરે થયેલા આત્મઘાતી હુમલા બાદ ઈસ્લામાબાદ હાઈ એલર્ટ પર છે. હુમલામાં એક પોલીસ અધિકારી અને બે શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા હતા. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2008માં એક આત્મઘાતી બોમ્બરે ઈસ્લામાબાદમાં મેરિયટ હોટલને નિશાન બનાવ્યું હતું, જે રાજધાની ઈસ્લામાબાદમાં આવા સૌથી ઘાતક હુમલાઓમાંથી એક છે. આ હુમલામાં ઓછામાં ઓછા 54 લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.