Earthquake In China : ચીન અને તાજિકિસ્તાનમાં 6.8 ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો, લોકોમાં ફેલાયો ફફડાટ
ચીનના શિનજિયાંગ ક્ષેત્ર અને તાજિકિસ્તાનની સરહદ નજીક 6.8 તીવ્રતાનો તીવ્ર ભૂકંપનો આંચકો અુભવાયો હતો. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ચીન અને તાજિકિસ્તાનમાં આજે દિવસની શરૂઆત ભૂકંપના મોટા આંચકા સાથે થઈ હતી. ચીનના શિનજિયાંગ ક્ષેત્ર અને તાજિકિસ્તાનની સરહદ નજીક 6.8 તીવ્રતાનો તીવ્ર ભૂકંપનો આંચકો અુભવાયો હતો. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
અરુણાચલ પ્રદેશમાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા
તો આ તરફ અરુણાચલ પ્રદેશમાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે, લગભગ રાત્રે 2.25 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તૂર્કીમાં વિનાશકારી ભૂકંપે વિનાશ વેર્યો
આ પહેલા તુર્કી અને સીરિયામાં 20 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે. તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બે દિવસ પહેલા જણાવ્યું હતું કે સોમવારના 6.4 તીવ્રતાના ભૂકંપ બાદ વધુ છ લોકોના મોત થયા છે અને 294 અન્ય લોકો ઘાયલ થયા છે, જેમાંથી 18ની હાલત ગંભીર છે. મીડિયા અહેવાલ અનુસાર, સીરિયાના હમા અને ટાર્ટસ પ્રાંતમાં ભૂકંપ દરમિયાન ગભરાટના કારણે એક મહિલા અને એક બાળકીનું મોત થયુ હતુ.
આપને જણાવી દઈએ કે, ભૂકંપનું કેન્દ્ર તુર્કીના હેતાય પ્રાંતમાં ડેનફે શહેર હતુ, જે 6 ફેબ્રુઆરીના રોજ 7.8-ની તીવ્રતાના ભૂકંપમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાનુ એક હતુ. તો બીજી તરફ ભૂકંપ પીડિતોને તેમના ઘરમાં ન જવા માટે તંત્ર દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે.સોમવારના ધરતીકંપે તુર્કી અને સીરિયાના એવા ભાગોને ફરીથી ઉત્તેજિત કર્યા જે બે અઠવાડિયા પહેલા જંગી ભૂકંપથી તબાહ થઈ ગયા હતા. આ વિનાશકારી ભૂકંપને પગલે એકલા તુર્કીમાં ઓછામાં ઓછા 41,156 લોકો માર્યા ગયા હતા.
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ગઈ કાલે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ વખતે ભૂકંપની તીવ્રતા ઓછી હતી.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 હતી. આ ભૂકંપ 1.30 વાગ્યે આવ્યો હતો.દિલ્હીમાં ભૂકંપના આંચકા આવ્યા બાદ નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે, આજે બપોરે લગભગ 1:45 વાગ્યે નેપાળના બાજુરામાં રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.