Breaking News : જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પની વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિને ખુલ્લી ધમકી, કહ્યું- માદુરો કરતા પણ ખરાબ હાલ કરીશું
વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ રોડ્રિગ્ઝે વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને દેશનિકાલ કરવા બદલ અમેરિકાની આકરી ટીકા કરી છે અને તેમને પરત કરવાની ટ્રમ્પને જણાવ્યું છે. આની સામે ટ્રમ્પે ધમકી આપી છે કે, જો રોડ્રિગ્ઝ યોગ્ય કામ નહીં કરે, તો તેમને માદુરો કરતાં મોટી કિંમત ચૂકવવી પડશે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મુલાકાતમાં કહ્યું હતું કે, જો વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ વેનેઝુએલા માટે યોગ્ય કામ નહીં કરે તો તેમને ઘણી મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. ટ્રમ્પનું તાજેતરનું નિવેદન, શનિવારે રોડ્રિગ્ઝ વિશેની તેમની ટિપ્પણીઓનો વિરોધાભાસ કરે છે. તેમણે કહ્યું હતું કે વિદેશ સચિવ માર્કો રુબિયોએ, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી અને અમેરિકા વેનેઝુએલામાં જીવનધોરણ સુધારવા માટે જરૂરી ગણાય તેવા કોઈપણ પગલાં લેવા તૈયાર છે.
જોકે, રોડ્રિગ્ઝે વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને દેશમાંથી સૈન્ય શક્તિ હેઠળ લઈ જવા અંગે અમેરિકા અને ટ્ર્મ્પની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે, જો તેઓ બરાબર કામ નહીં કરે તો માદુરો કરતા પણ ખરાબ હાલત થશે.
સૈન્યની પણ જરૂર નહી રહે
રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો ડેલ્સી રોડ્રિગ્ઝ તેમની માંગણીઓ સાથે સંમત થાય છે તો વેનેઝુએલામાં યુએસ સૈનિકો મોકલવાની કોઈ જરૂર રહેશે નહીં. ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, અમેરિકા વેનેઝુએલા પર દબાણ જાળવી રહ્યું છે અને અપેક્ષા રાખે છે કે નેતૃત્વ તેની શરતો પર કાર્ય કરશે.
કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ કોણ છે?
ડેલ્સી રોડ્રિગ્ઝનો જન્મ 18 મે, 1969 ના રોજ કારાકાસમાં થયો હતો. તે ડાબેરી નેતા અને ભૂતપૂર્વ ગેરિલા જોર્જ એન્ટોનિયો રોડ્રિગ્ઝની પુત્રી છે, જેમણે 1970 ના દાયકામાં ક્રાંતિકારી સંગઠન લિગા સોશિયાલિસ્ટાની સ્થાપના કરી હતી. રોડ્રિગ્ઝને માદુરોના વિશ્વસનીય નેતાઓમાંના એક માનવામાં આવે છે. તેણીએ તેના ભાઈ, વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના વડા જોર્જ રોડ્રિગ્ઝ સાથે નજીકથી કામ કર્યું છે.
વેનેઝુએલામાં ટ્રમ્પના પગલાંની આકરી ટીકા કરવામાં આવી હતી
યુએસમાં ઘણા ભારતીય-અમેરિકન કાયદા નિર્માતાઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેનેઝુએલા પર આક્રમણ કરવાના અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને દેશનિકાલ કરવાના નિર્ણયની આકરી ટીકા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પે તેમની રાષ્ટ્રપતિ સત્તાનો દુરુપયોગ કર્યો છે અને અમેરિકાને બીજા અનંત સંઘર્ષમાં ખેંચી રહ્યા છે.
અમેરિકન સંસદનું નીચલું ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) ની ગુપ્તચર પર કાયમી પસંદગી સમિતિના વરિષ્ઠ સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે માદુરો એક સરમુખત્યાર શાસક છે. જેણે વેનેઝુએલાના લોકો પર ભારે દુઃખ લાદ્યું છે, પરંતુ આ હકીકત કોઈપણ રાષ્ટ્રપતિને કોંગ્રેસ (યુએસ સંસદ) ની પરવાનગી વિના લશ્કરી બળનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર આપતી નથી.
અમેરિકા-વેનેઝુએલા સાથે સંકળાયેલા અન્ય સમાચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો.