પાકિસ્તાનને પડયા પર પાટુ, ખાસ મિત્ર ચીને નાગરિકોના મોત માટે માંગ્યું અધધ… કરોડનું વળતર
ચીને દાસુ ડેમ પ્રોજેક્ટના એન્જીનીયરોના મૃત્યુ માટે પાકિસ્તાન પાસે 285 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.
આર્થિક મોરચે પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનને (Pakistan) તેના ‘સદાબહાર મિત્ર’ ચીને ઝટકો આપ્યો છે. ચીને દાસુ ડેમ પ્રોજેક્ટ (dasu dam project) પર અકસ્માતમાં માર્યા ગયેલા તેમના એન્જીનીયરો માટે ભારે વળતરની માંગ કરી છે. ચીને દાસુ ડેમ પ્રોજેક્ટ ઈજનેરોના મૃત્યુ માટે 285 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.
14 જુલાઈના રોજ આ દુર્ઘટનામાં 9 ચીની નાગરિકો સહિત 13 લોકોના મોત થયા હતા. અહીં થયેલા વિસ્ફોટમાં બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાને કહ્યું હતું કે તે આ ઘટનાની તપાસ કરશે જેના પર ચીને શંકા વ્યક્ત કરી છે. બાદમાં બેઈજિંગે અહીં એક તપાસ ટીમ મોકલી હતી. હવે વળતરની માંગ કરીને ચીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મુસ્તાક ગુમાને ‘બિઝનેસ રેકોર્ડર’માં લખ્યું છે કે દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પર ફરી કામ શરૂ કરતા પહેલા ચીન ઈચ્છે છે કે પાકિસ્તાન તેના માર્યા ગયેલા એન્જીનીયરોના પરિવારને વળતર આપે. તમને જણાવી દઈએ કે પ્રોજેક્ટ પર જઈ રહેલી બસ રસ્તામાં વિસ્ફોટકોથી ભરેલી કાર સાથે અથડાઈ હતી. વિસ્ફોટ બાદ બસ ખાડામાં પડી હતી.
જળ સંસાધન સચિવ ડો.શાહઝેબ ખાન બંગેશ કહે છે કે જુલાઈમાં ચાઈનીઝ ઈજનેર પર હુમલા બાદ બંધનું કામ અટકી ગયું છે. સૂત્રોનું કહેવું છે કે માર્યા ગયેલા ચીની નાગરિકોના સગાને વળતર આપવાના મુદ્દે વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય, ગૃહ વિભાગ અને ચીનના દૂતાવાસ વચ્ચે ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ રહી છે. બંધનું કામ ફરી શરૂ કરવા માટે રસ્તો કાઢવામાં આવી રહ્યો છે.
ચીની કંપની ગેઝુબા ગ્રુપ કોર્પોરેશન દાસુ ડેમ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. બસ અકસ્માત બાદ તેણે આ ડેમ પર પોતાનું કામ બંધ કરી દીધું છે. પાકિસ્તાન સરકારની વિનંતી પર કંપનીએ કામ શરૂ કરવાની વાત કરી હતી, પરંતુ ડેમ પર કામ હજુ શરૂ થયું નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનું કહેવું છે કે જ્યાં સુધી ચીની નાગરિકો માટે યોગ્ય સુરક્ષા અને વળતરની વ્યવસ્થા કરવામાં નહીં આવે, ત્યાં સુધી તે ડેમ પર કામ શરૂ કરશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે સચિવ જળ સંસાધનો આશાવાદી છે કે વળતરનો મુદ્દો એક -બે સપ્તાહમાં ઉકેલાઈ જશે, ત્યારબાદ સ્થળ પર સિવિલ કામ ફરી શરૂ થશે.
આ પણ વાંચો : Aryan Drugs Case : આર્યન કેસના સાક્ષી ફ્લેચર પટેલ પર ઉઠ્યા સવાલ, શું સમીર વાનખેડેના નજીકના વ્યક્તિ છે ?
આ પણ વાંચો : Google Search : ગુગલમાં થવા જઇ રહ્યો છે આ ખાસ બદલાવ, જો તમને પણ ગુગલ કરવાની આદત છે તો વાંચો અહેવાલ