Breaking News: ભારત આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત-અમેરિકા વેપાર કરારને મળશે આખરી ઓપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ કરી છે. રૂબિયોએ જણાવ્યું કે તેઓ પોતે ટ્રમ્પની ભારત મુલાકાતને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારતની મુલાકાતે આવવાના છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ કરી છે. રૂબિયોએ જણાવ્યું કે તેઓ પોતે ટ્રમ્પની ભારત મુલાકાતને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારતની મુલાકાતે આવવાના છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખૂબ જ સારા અને વિશ્વાસપૂર્ણ સંબંધો છે.
વેપાર કરાર અંતિમ તબક્કામાં
રૂબિયોએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર કરારની ચર્ચાઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બંને દેશો વચ્ચે માત્ર કેટલાક મુદ્દાઓ પર ચર્ચા બાકી છે અને ટૂંક સમયમાં વેપાર કરારને આખરી સ્વરૂપ આપવામાં આવી શકે છે. બંને દેશો વૈશ્વિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું.
ભારતમાં અમેરિકાના રાજદૂતનો દાવો
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરેએ પણ બંને દેશો વચ્ચેના સંબંધોને લઈને આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા કુદરતી ભાગીદારો છે અને બંને દેશો વચ્ચે આર્થિક, વ્યૂહાત્મક તેમજ સંરક્ષણ ક્ષેત્રે સહયોગ સતત વધી રહ્યો છે. તેમના મતે વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ વ્યક્તિગત સંબંધો દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે.
ભારતની ઊર્જા ક્ષમતાની પ્રશંસા
માર્કો રૂબિયોએ જણાવ્યું કે ભારત વિશ્વના એવા થોડા દેશોમાંનો એક છે જે ભારે ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે અને અમેરિકા ભારત સાથે લાંબા ગાળાના સહયોગને વધુ મજબૂત બનાવવા માંગે છે.
2020માં થઈ હતી ટ્રમ્પની છેલ્લી ભારત મુલાકાત
ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લે ફેબ્રુઆરી 2020માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં તેમણે વડાપ્રધાન મોદી સાથે સંયુક્ત સંબોધન કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે અનેક વખત ટેલિફોનિક વાતચીત થઈ છે અને તાજેતરમાં ફ્રાન્સમાં યોજાયેલી G-7 સમિટ દરમિયાન બંને નેતાઓ રૂબરૂ મળ્યા હતા.
વેપાર અને સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા
તાજેતરના સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ સહિતના કેટલાક વેપારી મુદ્દાઓને લઈને મતભેદો સામે આવ્યા હતા. ઉપરાંત ઓમાનના અખાતમાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત બાદ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સમક્ષ હોર્મુઝ સ્ટ્રેટમાં કાર્યરત ભારતીય ખલાસીઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ભારત-અમેરિકા સંબંધોને મળશે નવી દિશા
ટ્રમ્પની સંભવિત ભારત મુલાકાત માત્ર રાજદ્વારી દૃષ્ટિએ જ નહીં પરંતુ વેપાર, સંરક્ષણ, ઊર્જા અને વ્યૂહાત્મક સહયોગના ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો વેપાર કરારને આખરી મંજૂરી મળશે તો બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂતી મળશે અને અનેક ક્ષેત્રોમાં નવા સહયોગના માર્ગ ખુલશે.
આ પણ વાંચો- Breaking News : યુદ્ધવિરામ માત્ર કાગળ પર ! ઈરાન પર ફરી ભડક્યુ અમેરિકા, મિસાઈલથી કર્યો તાબડતોડ હુમલો
