H-1B વિઝાથી લઈને M વિઝા સુધી… શું ખરેખરમાં દરેક લોકોની ચિંતા વધશે? ગૂગલ અને એપલે મહત્વપૂર્ણ અપડેટ્સ જાહેર કર્યા
US વિઝા પ્રોસેસ સંબંધિત અપડેટ્સ સામે આવતા H-1B વિઝા ધરાવતા ભારતીયો મૂંઝવણમાં મુકાયા છે. ગૂગલ અને એપલે વિઝા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે, જેને કારણે કામદારોમાં ચિંતા વધી રહી છે. આ જાહેરાતને વિઝા ધારકો માટે મોટી ખબર માનવામાં આવી રહી છે.

યુએસ ટેક જાયન્ટ્સ ગૂગલ અને એપલે યુએસ વર્ક વિઝા પરના તેમના કેટલાક કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી ન કરવાની સલાહ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસ દૂતાવાસોમાં વિઝા સ્ટેમ્પિંગ એપોઇન્ટમેન્ટમાં 12 મહિના સુધીનો વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે કર્મચારીઓ અમેરિકાની બહાર ફસાયેલા રહેવાનું જોખમ વધી રહ્યું છે.
ઇમિગ્રેશન કાયદાકીય કંપનીઓના જણાવ્યા અનુસાર, વિઝા પ્રોસેસમાં નવા સોશિયલ મીડિયા સ્ક્રીનીંગ નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે તપાસ લંબાઈ છે. જો એપોઇન્ટમેન્ટ મુલતવી રાખવામાં આવે છે, તો કર્મચારીઓ લાંબા સમય સુધી યુએસ પાછા ફરી શકશે નહીં.
ગૂગલ મેમોમાં શું જણાવાયું?
ગૂગલ દ્વારા મોકલવામાં આવેલા મેમોમાં જણાવાયું છે કે, અમેરિકા ની અનેક એમ્બેસી અને કોન્સ્યુલેટમાં વિઝા સ્ટેમ્પિંગ માટે લગભગ એક વર્ષ સુધીનો લાંબો વેઈટિંગ પીરિયડ ચાલી રહ્યો છે. આથી H-1B, H-4, F, J અને M વિઝા ધરાવતા લોકોને હાલ આંતરરાષ્ટ્રીય મુસાફરીથી બચવાની સલાહ આપવામાં આવી છે.
એપલની ઇમિગ્રેશન લો (Law) ફર્મ ફ્રેગોમેને પણ કર્મચારીઓને ચેતવણી આપી છે કે, જો તેમની પાસે માન્ય H-1B વિઝા સ્ટેમ્પ ન હોય તો તેઓ મુસાફરી ના કરે. જો મુસાફરી જરૂરી હોય, તો પહેલા કંપનીની ઇમિગ્રેશન ટીમનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.
વિદેશી કામદારોમાં ચિંતા વધી
ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા અરજદારોની વધુ તપાસ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસનો આદેશ આપ્યો છે. નવી H-1B અરજીઓ પર $10,000 ફી પણ લાદવામાં આવી છે. ભારતીય અને ચીની પ્રોફેશનલ્સની ભરતી માટે H-1B વિઝાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. વધતા પ્રતિબંધો અને વિલંબથી યુએસ ટેક સેક્ટરમાં વિદેશી કામદારોમાં ચિંતા વધી છે.
‘H-1B વિઝા’ કેટલા વર્ષ માટે માન્ય હોય છે?
આલ્ફાબેટે (ગૂગલની પેરેન્ટ કંપની) સપ્ટેમ્બરમાં પણ ભલામણ કરી હતી કે, H-1B વિઝા ધારકોએ અમેરિકામાં જ રહેવું જોઈએ અને વિદેશ પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. H-1B વિઝા સામાન્ય રીતે ત્રણ વર્ષ માટે માન્ય હોય છે અને તેને લંબાવી શકાય છે પરંતુ નવો વિઝા સ્ટેમ્પ મેળવવા માટે હોમ કન્ટ્રી અથવા બીજા દેશમાં યુએસ દૂતાવાસની મુલાકાત લેવી જરૂરી છે.
