બાંગ્લાદેશમાં ફરી સક્રિય થઈ અવામી લીગ, યુનુસના રાજીનામાની માંગ સાથે આંદોલનની જાહેરાત
બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાની પાર્ટી અવામી લીગ ફરીથી બાંગ્લાદેશના રાજકારણમાં સક્રિય થવા લાગી છે. અવામી લીગે યુનુસુ સરકાર સામે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકાર ચાલી રહી છે.

બાંગ્લાદેશમાં હિંસક વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. ત્યારથી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકાર ચાલી રહી છે. યુનુસ સરકાર દરમિયાન શેખ હસીના અને તેમના પક્ષ અવામી લીગના નેતાઓ સામે સતત કેસ નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં વચગાળાની સરકારના એક સલાહકારે કહ્યું હતું કે અવામી લીગને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ દરમિયાન ભારતમાં રહીને શેખ હસીના સતત વર્ચ્યુઅલ માધ્યમથી સમર્થકોને સંબોધિત કરી રહી છે અને હવે અવામી લીગ મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકારને સીધી પડકાર ફેંકવા જઈ રહી છે. અવામી લીગે સમગ્ર બાંગ્લાદેશમાં હડતાળનું એલાન આપ્યું છે. તેમનો કાર્યક્રમ આખા ફેબ્રુઆરી મહિના સુધી ચાલુ રહેશે. તેમણે યુનુસ સરકારના રાજીનામાની માંગણી સાથે 18 ફેબ્રુઆરીએ સમગ્ર બાંગ્લાદેશમાં હડતાળનું એલાન આપ્યું છે. આ દરમિયાન વચગાળાની સરકારે પણ વળતી ચેતવણી આપી છે.
અવામી લીગ 18 ફેબ્રુઆરીએ હડતાળ પર જશે
મીડિયા અહેવાલ મુજબ, અવામી લીગ 1 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશી રાજકારણમાં સક્રિય રીતે ફરી પ્રવેશ કરી રહી છે. તે 1 ફેબ્રુઆરીથી કાર્યક્રમ માટે પત્રિકાઓનું વિતરણ કરશે. આ કાર્યક્રમ 6, 10 અને 16 ફેબ્રુઆરીના રોજ પણ યોજાશે. આ પછી, 18 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
જો કે, યુનુસ સરકારે આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે. પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે કહ્યું કે જે કોઈ પણ આવામી લીગના ધ્વજ સાથે ગેરકાયદેસર રીતે વિરોધ કરશે તેને કાયદાનો સામનો કરવો પડશે. બાંગ્લાદેશમાં અશાંતિ અને હિંસા ફેલાવવાની કોઈ તક આપવામાં આવશે નહીં.
યુનુસ સરકારની વિરોધીઓને ચેતવણી
જો કે, આવામી લીગને આ ચેતવણીનો ખોટો અર્થઘટન ન થાય તે માટે શફીકુલ આલમે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, વચગાળાની સરકારે સત્તા સંભાળ્યા પછી કોઈપણ કાયદેસર વિરોધ પ્રદર્શનોને અટકાવ્યા નથી કે પ્રતિબંધિત કર્યા નથી. અમે સભા અને સંગઠનની સ્વતંત્રતામાં માનીએ છીએ.
તમને જણાવી દઈએ કે હસીના સરકારના પતન અને મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના પછી તરત જ અવામી લીગના વિદ્યાર્થી સંગઠન, છાત્ર લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, અવામી લીગ પર હજુ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.