પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. વિશ્વભરમાં ઇસ્લામ ધર્મનું પાલન કરનારા લોકો આ મહિનામાં ઝકાત એટલે કે દાન આપે છે. સાઉદી અરેબિયાની સરકારે આ દાનને લઈને કેટલીક કડક સૂચનાઓ જાહેર કરી છે. અગાઉ સાઉદી અરેબિયાએ રમઝાન માસ દરમિયાન મસ્જિદોમાં ઈફ્તાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઇસ્લામના પાંચ સ્તંભોમાં રોઝા, ઝકાત (દાન), હજ, નમાઝ અને શહાદાનો સમાવેશ થાય છે. રમઝાન મહિનામાં મોટાભાગના મુસ્લિમો ‘ઝકાત’ ચૂકવે છે એટલે કે દાન આપે છે. તમને જણાવી દઈએ કે ગરીબોને પોતાની સંપત્તિનું દાન કરવું ‘ઝકાત’ કહેવાય છે. જ્યારે લોકો સીધા જ ગરીબોને ઝકાત આપી શકે છે, ત્યારે વિશ્વભરમાં ઘણી સંસ્થાઓ પણ આ કામ કરે છે. મુસ્લિમો આ સંસ્થાઓમાં તેમની ઝકાત ચૂકવે છે. પરંતુ ઘણી સંસ્થાઓ સહાય દાનમાં હેરાફેરી કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે. તેને જોતા સાઉદી સરકારે રમઝાન દરમિયાન કોઈપણ બિન સરકારી સંસ્થાને દાન ન આપવાનો નિર્દેશ આપ્યો છે.
પ્રેસિડેન્સી ઑફ સ્ટેટ સિક્યુરિટીના પ્રવક્તાએ એક્સ કે જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતુ હતુ તેના પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે, રમઝાન દરમિયાન ધાર્મિક કાર્યને સુનિશ્ચિત કરવા અને આવકનો સ્ત્રોત વધારવા માટે અમે લોકોને સલાહ આપીએ છીએ કે વિદેશમાં આપવામાં આવતો ફાળો-દાન કિંગડમના અધિકૃત સ્ત્રોત અને સંસ્થાઓમાં જ જમા કરાવવો.
આ નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ ઝકાતની આડમાં નાગરિકો પાસેથી દાન એકત્ર કરી રહ્યા છે, જેનો દુરુપયોગ થવાની શક્યતા છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે નાગરિકો સાઉદીની બહાર દાન આપવા માંગે છે તેમના માટે એકમાત્ર સંસ્થા કેએસ રિલીફ (કિંગ સલમાન માનવતાવાદી સહાય અને રાહત) છે.
A statement regarding donations and the safety of charity work. pic.twitter.com/vLfRVw9nRU
— The Presidency of State Security (@pss_en) March 12, 2024
જાહેર નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સૂચનાઓનું ઉલ્લંઘન કરનારા દાતાઓને રાજ્યના કાયદા અનુસાર જવાબદાર ગણવામાં આવશે.
વિશ્વભરના ગરીબ દેશો માટે સાઉદી અરેબિયામાંથી દાન લેવામાં આવે છે. રમઝાન મહિના દરમિયાન, સાઉદી સરકાર અને તેના નાગરિકો ગરીબ દેશોને અબજો રૂપિયાની સહાય મોકલે છે. સાઉદી પાસેથી મદદ લઈ રહેલા દેશોમાં પેલેસ્ટાઈન, સુદાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન વગેરેનો સમાવેશ થાય છે. સાઉદી સરકારે વિશ્વભરમાં મદદ પૂરી પાડવા માટે 2015 માં KS રાહત કેન્દ્રની સ્થાપના કરી હતી.