Breaking News : ગ્રીનલેન્ડ બાદ હવે કેનેડાનો વારો? ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાદાઓથી પીએમ માર્ક કાર્નીમાં ફફડાટ, સરકાર એલર્ટ મોડમાં
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સોશિયલ મીડિયા પર એક નવો નકશો મૂક્યો છે. આ નકશામાં કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલાને અમેરિકાના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સોશિયલ મીડિયા પર એક નવો નકશો મૂક્યો છે. આ નકશામાં કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલાને અમેરિકાના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ નકશો એડિટ કરેલો (AI દ્વારા બનાવેલો) છે પરંતુ ટ્રમ્પનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કેનેડા હવે જાણી ગયું છે કે, ગ્રીનલેન્ડ પછી આગામી નંબર તેનો જ છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી કેનેડાના સામાન્ય લોકોમાં ભારે રોષ છે, તેઓ અપમાન અનુભવી રહ્યા છે અને ધીમે-ધીમે અમેરિકા સામે મજબૂત સંકલ્પ સાથે નવી તૈયારીઓમાં લાગી ગયા છે. કેનેડા, ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી આવનારી નવી જોખમી માંગણીઓનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ‘અમેરિકી પ્રભુત્વ ખતમ થઈ ગયું છે’ તેમ કહીને શરૂઆત કરી દીધી છે.
કાર્નીએ શું જણાવ્યું?
કેનેડાના પીએમ માર્ક કાર્નીએ કેનેડાના ભાવિ માર્ગ વિશે જણાવ્યું અને ચેતવણી આપતા કહ્યું કે, “મજબૂત દેશો આર્થિક એકીકરણને (Economic Integration) હથિયાર તરીકે વાપરી રહ્યા છે, ટેરિફનો ઉપયોગ દબાણ લાવવા માટે અને સપ્લાય ચેઈનનો ઉપયોગ શોષણ કરવા માટે કરી રહ્યા છે.”
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં માર્ક કાર્નીએ અમેરિકાનું નામ તો ન લીધું પરંતુ તેમણે પોતાના ભાષણમાં તેને ‘ગ્લોબલ ફ્રેક્ચર’ (વૈશ્વિક ભંગાણ) ગણાવ્યું અને કહ્યું કે, “મધ્યમ શક્તિઓએ (Middle Powers) સાથે મળીને કામ કરવું પડશે, કારણ કે જો આપણે ટેબલ પર નહીં હોઈએ, તો આપણે મેનૂમાં હોઈશું.”
કેનેડા અને યુરોપિયન દેશોને હવે એ વાત સમજાઈ રહી છે, જે ભારત વર્ષોથી કહેતું આવ્યું છે પરંતુ અત્યાર સુધી આ દેશો અમેરિકી પ્રભુત્વનો ફાયદો ઉઠાવી રહ્યા હતા અને હવે જ્યારે ટ્રમ્પે લાલ આંખ કરી છે, ત્યારે તેમને ‘ગ્લોબલ ઓર્ડર, બીજા દેશોની સંપ્રભુતા (Sovereignty) અને અમીર-ગરીબ દેશો વચ્ચેનો તફાવત’ સમજાઈ રહ્યો છે.
કેનેડાએ તેની દક્ષિણી સરહદને મજબૂત કરવા માટે લગભગ એક અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. હવે તે આગામી વર્ષોમાં તેની ઉત્તરી સરહદની સુરક્ષા માટે અબજો ડોલર વધુ ખર્ચ કરશે, જ્યારે વડાપ્રધાન કાર્નીએ ફરીથી ભારપૂર્વક જણાવ્યું કે, “કેનેડા, ગ્રીનલેન્ડ સાથે મજબૂતીથી ઊભું છે અને ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય કરવાના તેમના વિશેષ અધિકારનું સમર્થન કરે છે.”
8 દેશો જોડાયેલા
તેમણે એમ પણ કહ્યું કે, “આર્કટિક સુરક્ષા માટે રશિયા સૌથી મોટો ખતરો બની રહ્યું છે.” તેમણે ઉમેર્યું કે, “અમે અમારા NATO સહયોગીઓ સાથે કામ કરી રહ્યા છીએ, જેમાં નોર્ડિક બાલ્ટિકના 8 દેશો પણ જોડાયેલ છે, જેથી ગઠબંધનના ઉત્તરી અને પશ્ચિમી છેડાઓને વધુ સુરક્ષિત કરી શકાય. આમાં ઓવર-ધ-હોરાઈઝન રડાર, સબમરીન, વિમાનો અને જમીન પર તેમજ બરફ પર સૈનિકો માટે અભૂતપૂર્વ રોકાણનો સમાવેશ થાય છે.” તાજેતરના મહિનાઓમાં કેનેડાએ સંરક્ષણ, અને ખાસ કરીને આર્કટિકની સુરક્ષાને લઈને તેની નવી પ્રતિબદ્ધતા દર્શાવવા પર ભાર મૂક્યો છે.
વડાપ્રધાન માર્ક કાર્નીએ આર્કટિકમાં જોખમોની વહેલી ચેતવણી (Early Warning) આપવા માટે “ઓવર-ધ-હોરાઈઝન” રડાર સિસ્ટમ માટે 4 અબજ ડોલરથી વધુના ફંડનું વચન આપ્યું છે. તેમણે આગામી વર્ષોમાં આર્કટિકમાં વિશાળ સૈન્ય દ્વારા સતત મિલિટરી હાજરી વધારવાનું પણ આશ્વાસન આપ્યું છે.
જો કે, કેનેડા સાથે મુશ્કેલી એ છે કે, જે અમેરિકા સાથેની સૌથી લાંબી સરહદનો તે અત્યાર સુધી સૌથી વધુ ફાયદો ઉઠાવી રહ્યું હતું, તે જ સરહદ હવે તેના માટે સૌથી મોટો પડકાર છે. કેનેડા, અમેરિકા સાથે વિશ્વની સૌથી મોટી જમીની સરહદ વહેંચે છે. આ ઉપરાંત તે બીજી તરફ ગ્રીનલેન્ડ સાથે વિશ્વની સૌથી મોટી દરિયાઈ સરહદ પણ શેર કરે છે.
ગ્રીનલેન્ડની રક્ષા માટે શું કરવું?
કેનેડાના અધિકારીઓ હાલમાં એ નક્કી કરી શક્યા નથી કે, ગ્રીનલેન્ડની રક્ષા માટે સૈનિકો મોકલવા કે નહીં. તેઓ અત્યારે એ વાત પર વિચાર કરી રહ્યા છે કે, પ્રતીકાત્મક રીતે સૈનિકોને ગ્રીનલેન્ડ મોકલવાનો નિર્ણય યોગ્ય રહેશે કે નહીં પરંતુ વડાપ્રધાન માર્ક કાર્નીના દાવોસ ભાષણથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કેનેડાના સંબંધો ઘણા વધારે બગડવાના છે.
આ ઉપરાંત, તેમણે આ મહિને ચીનની પણ મુલાકાત લીધી છે. તેમણે અમેરિકાને સંદેશ અને સંકેત બંને આપી દીધા છે કે કેનેડા પાસે વિકલ્પો છે. એવામાં જો ડોનાલ્ડ ટ્રમ્પ વધુ આગળ વધશે, તો અમેરિકા તેના પડોશી દેશને ગુમાવી શકે છે.
