Afghanistan : તાલિબાને હથિયારો સહિત ઘણા ફાઇટર જેટ અને હેલિકોપ્ટર ઉપર કર્યો કબજો, રશિયાએ ચિંતા વ્યક્ત કરી સાથે ભારત માટે પણ ખતરો
અફઘાનિસ્તાનમાંથી (Afghanistan) તાજેતરના ફોટોગ્રાફ્સ અને વીડિયો સામે આવ્યા છે જેમાં તાલિબાન લડવૈયાઓ અમેરિકા નિર્મિત હથિયારો અને લશ્કરી વાહનો સાથે જોવા મળે છે. તાલિબાને પણ દેશ પર કબજો કર્યા બાદ આ સામગ્રી કબજે કરી છે.
અફઘાનિસ્તાનના (Afghanistan) કબજા પછી તાલિબાન (Taliban) લડવૈયાઓ હાઇટેક હથિયારો અને સેનાના વાહનો સાથે જોવા મળે છે. હવે રશિયાએ પણ આ પર ચિંતા વ્યક્ત કરી છે. આ હથિયારોમાં એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ્સનો પણ સમાવેશ થાય છે. રશિયાના (Russia) સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઈગુએ મંગળવારે કહ્યું કે, તાલિબાનોએ સેંકડો લડાકુ વાહનો તેમજ કેટલાક યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટરો કબજે કર્યા છે.
તેમણે તાલિબાન દ્વારા 100 થી વધુ મેન-પોર્ટેબલ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ્સ પર કબજો લેવા પર ખાસ ચિંતા વ્યક્ત કરી હતી. શોઇગુએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં શરણાર્થી સમસ્યા ગંભીર ચિંતાનો વિષય છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી કે તાલિબાન એક સમાવેશી સરકાર બનાવશે. જેમાં દેશના અન્ય જૂથોનો સમાવેશ થશે.
હકીકતમાં, તાલિબાની લડવૈયાઓએ વિદેશી સૈનિકો અને અફઘાન સૈનિકો જે હથિયારો છોડી ગયા છે તેનો કબજો લઈ લીધો છે. જેમાં મોટી સંખ્યામાં અમેરિકા નિર્મિત હથિયારોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન તેનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરી શકે છે.
આતંકવાદીઓ અમેરિકન સૈનિકોના ગણવેશમાં જોવા મળ્યા
તાલિબાને તાજેતરમાં એક તસ્વીર બહાર પાડીને અમેરિકાની મજાક ઉડાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આતંકવાદીઓ યુએસ આર્મીના યુનિફોર્મ અને રાઇફલ્સ સાથે જોવા મળ્યા હતા. તાલિબાન જે નવી સરકાર બનાવી રહ્યું છે તેમાં હક્કાની નેટવર્કના સભ્યોનો પણ સમાવેશ થાય છે. આ એ જ હક્કાની નેટવર્ક છે, જે એક સમયે અફઘાનિસ્તાનમાં ભારતનું સૌથી મોટું દુશ્મન રહ્યું છે અને બે વાર ભારતીય દૂતાવાસને પણ નિશાન બનાવ્યું છે. આ સિવાય તાલિબાનના અન્ય આતંકવાદી જૂથો સાથે પણ સંબંધ છે.
પાકિસ્તાન ઉપયોગ કરી શકે છે
પાકિસ્તાન હંમેશા ભારતમાં આતંકવાદી હુમલા કરવા માટે જાણીતું રહ્યું છે. તેણે શરૂઆતથી જ તાલિબાનને મદદ કરી છે, જેના કારણે આજે તેણે ફરી એક વખત અફઘાનિસ્તાનની સત્તા કબજે કરી છે. આ સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તાલિબાનની મદદથી પાકિસ્તાન ભારતમાં આતંક ફેલાવી શકે છે. તાલિબાનને જે હથિયારો મળ્યા છે તે મોટી સંખ્યામાં છે, જે તેઓ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને પણ આપી શકે છે.
આ પણ વાંચો : Chikungunya vaccine : હવે ચિકનગુનિયાથી મળશે મુક્તિ, ભારત બાયોટેકે શરૂ કર્યુ રસીનું પરિક્ષણ