અફઘાની મહિલા અને સાંસદે ભારત પરત ફરતા ભીની આંખે વર્ણવી આપવીતી, મદદ માટે ભારતીય ભાઈ-બહેનોનો આભાર
કાબુલમાં કથળતી પરિસ્થિતિ બાદ ભારત સરકાર શક્ય તેટલી વહેલી તકે ભારતીય નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. રવિવારે લગભગ 300 ભારતીય નાગરિકો પરત ફરી શકે છે.
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજાથી સર્જાયેલી અસ્થિરતા અને અરાજકતા બાદ ભારતે ભારતીયોને બહાર કાઢવાની કામગીરી તેજ કરી છે. રવિવારે ભારતીય વાયુસેનાના (Indian Air Force) સી -17 વિમાન દ્વારા 168 લોકો ભારત પહોંચ્યા છે. જેમાં 107 ભારતીય નાગરિકો છે. રવિવારે સવારે કાબુલથી ઉડાન ભર્યા બાદ આ વિમાન સીધું ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પહોંચ્યું. અહીં પહોંચ્યા પછી, ઘણા લોકોએ તેમની આપવીતી સંભળાવી અને ભાવુક થઈ ગયા હતા.
અફઘાન નાગરિક અલ્લાદ કુરેશીએ ટીવી 9 સાથેની વાતચીતમાં કહ્યું, “અમને અહીં લાવવા માટે હું ખાસ કરીને ભારત સરકારનો આભાર માનું છું. મારે બે બાળકી છે. ત્યાંની પરિસ્થિતિ ઘણી ખરાબ છે. તાલિબાનો ઘરે ઘરે જઈને સરકારી કર્મચારીઓ, સૈનિકોને શોધી રહ્યા છે. જોખમ સતત વધતું જાય છે.”
કાબુલથી પરત ફરેલા શીખ સમુદાયના વ્યક્તિ સંદીપ સિંહે કહ્યું કે અત્યારે ત્યાં પરિસ્થિતિ ખરાબ છે. “માત્ર ગભરાટ છે અને કોઈ સારૂ વાતાવરણ નથી. મહિલાઓને મારી નાખવામાં આવી રહી છે. લોકો ભયભીત છે અને ગભરાટ ફેલાયેલો છે.”
બધું સમાપ્ત થઈ ગયું છે – સાંસદ નરેન્દ્ર સિંહ ખાલસા
ભારત પહોંચ્યા બાદ અફઘાન સાંસદ નરેન્દ્ર સિંહ ખાલસા ત્યાંની પરિસ્થિતિ વર્ણવતા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, “મારે રડવું છે … શું કરવું, પેઢીઓથી અમે અફઘાનિસ્તાનમાં રહેતા હતા. 20 વર્ષમાં બનેલી સરકારથી હવે બધું સમાપ્ત થઈ ગયું છે. તે હવે શૂન્ય છે.”
એક અફઘાન મહિલાએ જણાવ્યું કે તાલિબાનોએ તેનું ઘર સળગાવી દીધું. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું, “અફઘાનિસ્તાનની સ્થિતિ ખરાબ થઈ રહી છે, તેથી હું મારી પુત્રી અને તેના બાળકો સાથે અહીં આવી છું. અમારા ભારતીય ભાઈઓ અને બહેનો અમને બચાવવા આવ્યા હતા. તાલિબાને અમારું ઘર સળગાવી દીધું. મને મદદ કરવા બદલ હું ભારતનો આભાર માનું છું.”
કાબુલથી ભારત પહોંચ્યા બાદ મુસાફરો હિન્ડન એરબેઝ પર RT-PCR ટેસ્ટની રાહ જુએ છે. કાબુલમાં કથળતી પરિસ્થિતિ બાદ ભારત સરકાર શક્ય તેટલી વહેલી તકે ભારતીય નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. રવિવારે લગભગ 300 ભારતીય નાગરિકોને ઘરે લાવી શકાય છે. શનિવારે 87 ભારતીયોને કાબુલથી તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે લઈ જવામાં આવ્યા હતા. તેઓ આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા ભારત આવી રહ્યા છે.
બે નેપાળી નાગરિકો પણ ભારત આવી રહ્યા છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મોડી રાત્રે લગભગ 1:20 વાગ્યે ટ્વીટ કર્યું હતું કે, “અફઘાનિસ્તાનથી ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. AI1956 વિમાન કુલ 87 ભારતીયોને તાજિકિસ્તાનથી દિલ્હી લાવી રહ્યું છે. બે નેપાળી નાગરિકોને પણ લાવવામાં આવી રહ્યા છે. દુશાંબે સ્થિત ભારતીય દૂતાવાસે આમાં મદદ કરી છે. લોકોને બહાર કાઢવા માટે વધુ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે.”
ગત રવિવારે તાલિબાને કાબુલ પર કબજો કર્યા બાદ ભારતીય રાજદૂત અને દૂતાવાસના અન્ય કર્મચારીઓ સહિત 200 લોકોને અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી બે IAF C-19 પરિવહન વિમાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. સોમવારે 40 થી વધુ ભારતીયોને લઈને પહેલી ફ્લાઈટ ભારત પહોંચી હતી. તે જ સમયે, ભારતીય રાજદ્વારીઓ, અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ અને ત્યાં ફસાયેલા કેટલાક ભારતીયો સહિત લગભગ 150 લોકો સાથેનું બીજું C-17 વિમાન મંગળવારે ભારત પહોંચ્યું હતું.
આ પણ વાંચો : ખેતરમાં સૌર ઉર્જાથી થશે જીવાત નિયંત્રણ, જાણો ખેડૂતોને કેવી રીતે થશે ફાયદો ?