બાંગ્લાદેશના ભૂતપૂર્વ આર્મી ઓફિસરે આપ્યું ચોંકાવનારું નિવેદન, તેમણે કહ્યું કે, ‘જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે છે તો ભારતના….’
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં આ તણાવભર્યા સમયમાં બાંગ્લાદેશના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે ફેસબુકમાં પોસ્ટ કરીને લોકોને હચમચાવી કાઢ્યા છે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં આ તણાવભર્યા સમયમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસની ટીમના એક વરિષ્ઠ અને પૂર્વ સૈન્ય અધિકારીએ એવું કહ્યું છે કે, જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો ઢાકા ચીનની મદદથી ભારતના ઉત્તરપૂર્વ વિસ્તારમાં કબજો કરી શકે છે. આ ટિપ્પણી 2009ના બાંગ્લાદેશ રાઇફલ્સ (BDR) હત્યાકાંડની તપાસ કરતા રાષ્ટ્રીય સ્વતંત્ર તપાસ પંચના અધ્યક્ષ મેજર જનરલ (નિવૃત્ત) ALM ફઝલુર રહેમાને કરી હતી.
મંગળવારે કરી ‘ફેસબુક પોસ્ટ’
બાંગ્લાદેશના આ વરિષ્ઠ અધિકારીએ મંગળવારે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, “જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે, તો બાંગ્લાદેશે ભારતના ઉત્તરપૂર્વના સાત રાજ્યો પર કબજો કરી લેવો જોઈએ. સાથે જ ચીન સાથે સંયુક્ત લશ્કરી વ્યવસ્થા પર પણ ચર્ચા શરૂ કરી દેવી જોઈએ.”
આ ટિપ્પણી એવા સમયે કરવામાં આવી છે કે, જ્યારે 22 એપ્રિલના આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયા હતા. બીજું કે, શેખ હસીનાની સરકાર હટાવવામાં આવ્યા બાદ ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં પહેલેથી જ તિરાડ પડી છે અને એવામાં દેશની અંદર ખાસ કરીને હિન્દુઓ સામે હિંસાની ઘટનાઓમાં પણ વધારો થયો છે.
ગયા મહિને તેમની બેઇજિંગની મુલાકાત દરમિયાન યુનુસે કહ્યું હતું કે, ઉત્તરપૂર્વ (નોર્થઈસ્ટ) ભારત “જમીનથી ઘેરાયેલું” છે અને ઢાકા આ વિસ્તારોમાં સમુદ્રનું એકમાત્ર રક્ષક છે. બાંગ્લાદેશને આ વિસ્તારમાં એકમાત્ર દરિયાઈ દરવાજો તરીકે ગણવામાં આવી રહ્યો છે અને તેને ચીનને બાંગ્લાદેશના નેટવર્કમાં સામેલ કરી તેનો પ્રભાવ વધારવા માટે પ્રોત્સાહિત કર્યું.
બાંગ્લાદેશના કેમ્પોનો ખાતમો કરાયો
ભારતનો ઉત્તરપૂર્વ (નોર્થઈસ્ટ) લાંબા સમયથી ભૂ-વ્યૂહાત્મક નબળાઈઓનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. જે ચીન, મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે સરહદો વહેંચે છે. પાછલા સમયમાં બાંગ્લાદેશમાં કેટલાક વિદ્રોહી જૂથો છુપાઇને કાર્ય કરતા હતા, ખાસ કરીને 1990 અને 2000ના દાયકામાં પરંતુ 2009 પછી, શેખ હસીનાની સરકારે આ વિદ્રોહી જૂથો સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું અને બાંગ્લાદેશમાં તેઓનાં કેમ્પોને નષ્ટ કરી દીધા.
