સેના અને સર્વોચ્ચ એજન્સીઓની આલોચના કરવા પર થશે 5 વર્ષની જેલ, ચૂંટણીથી જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર
સરકારી સંસ્થાઓની આલોચનાની કેટલીક ઘટનાઓ સામે આવ્યા બાદ આ કાયદો બનાવવામાં આવ્યો છે. પહેલા જ્યાં ત્રણ વર્ષની સજા હતી તે હવે વધારીને પાંચ વર્ષની કરી દેવામાં આવી છે.
પાકિસ્તાન (Pakistan)માં સરકારી સંસ્થાઓ વિરુદ્ધ ઉઠાવવામાં આવતા અવાજને હવે સહન કરવામાં આવશે નહીં. આ અંગે પાકિસ્તાની કેબિનેટે શનિવારે એક ઠરાવ (Pakistan Black Law) પસાર કર્યો હતો. જે અંતર્ગત ટેલિવિઝન ચેનલ પર સરકારી સંસ્થાઓની આલોચના કરવા પર પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જેમાં સેના (Pakistan Army), ગુપ્તચર સંસ્થા ISI અને ન્યાયતંત્ર જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે પાકિસ્તાન ઝડપથી સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાને એક વટહુકમ દ્વારા ઈલેક્ટ્રોનિક ક્રાઈમ પ્રિવેન્શન એક્ટમાં સુધારો કર્યો છે.
તેના પર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ ઉલ્વીએ રવિવારે હસ્તાક્ષર કર્યા હતા. જે બાદ તે કાયદો બની ગયો છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ જિયો ન્યૂઝે સૂત્રોને ટાંકીને કહ્યું કે કેબિનેટે ચૂંટણી પંચની આદર્શ આચાર સંહિતાના નિયમોમાં ફેરફારને પણ મંજૂરી આપી દીધી છે. હવે નવા કાયદા મુજબ સાંસદો અને મંત્રીઓને દેશભરમાં તેમના મનપસંદ ઉમેદવાર માટે પ્રચાર કરવાની છૂટ આપવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ બંને કાયદાઓ પર હસ્તાક્ષર કર્યા છે.
5 વર્ષ સુધીની થશે જેલ
સરકારી સંસ્થાઓની આલોચનાની કેટલીક ઘટનાઓ સામે આવ્યા બાદ આ કાયદો બનાવવામાં આવ્યો છે. પહેલા જ્યાં ત્રણ વર્ષની સજા હતી તે હવે વધારીને પાંચ વર્ષની કરી દેવામાં આવી છે. નવા કાયદા હેઠળ આવતા કેસો પર દેખરેખ રાખવાનું કામ હાઈકોર્ટ પાસે રહેશે અને નીચલી અદાલતોએ છ મહિનામાં કેસનો નિકાલ કરવાનો રહેશે. પાકિસ્તાનના વિરોધ પક્ષોએ સરકારના આ વટહુકમની ટીકા કરી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતા ઈરફાન સિદ્દીકીએ કહ્યું છે કે વિરોધને દબાવવાની સાથે સરકાર લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પણ પ્રયાસ કરી રહી છે.
ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે મંત્રીઓ
ઈરફાન સિદ્દીકીએ કહ્યું કે હવે વડાપ્રધાન ઈમરાન ખાન (Pakistan PM Imran Khan) અને તેમના મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે અને તેમની શક્તિઓ ચૂંટણીને પ્રભાવિત કરી શકશે. જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાન સરકાર તેના વિરોધના અવાજોને દબાવીને તેની છબી સુધારવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ તેનાથી તેની છબી પર નકારાત્મક અસર પડશે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાએ વિદેશીઓ માટે ખોલ્યા પોતાના દરવાજા, પ્રવાસીઓનો આવવાનો ધસારો શરૂ, આ બાબતનું રાખવું પડશે ધ્યાન