233 વર્ષ જૂનો સિક્કો બંધ થવાના આરે, દર વર્ષે બચશે ‘477 કરોડ’ રૂપિયા
હા, તો વાત એમ છે કે લગભગ 233 વર્ષ જૂનો સિક્કો હવે બંધ થવા જઈ રહ્યો છે. આ સિક્કાનું ઉત્પાદન બંધ થશે તો સરકાર દર વર્ષે લગભગ ₹477 કરોડ બચાવશે. જાણો આ સિક્કો કેમ બંધ થશે અને તેની પાછળનું મુખ્ય કારણ શું છે.

યુએસ સરકારે ડોલરનો 100મો ભાગ એટલે કે પેની (સેન્ટ)નું ચલણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના મતે, હવે આ સિક્કાને ચાલુ રાખવું એ આર્થિક રીતે પોસાય તેવું નથી. સેન્ટને સામાન્ય રીતે પેની તરીકે ઓળખવામાં આવે છે.
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે, 2026ની શરૂઆતમાં નવા પેની સિક્કાઓનું ઉત્પાદન બંધ કરવામાં આવશે. સિક્કાના ઉત્પાદન ખર્ચ અને તેના મર્યાદિત ઉપયોગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દર વર્ષે 477 કરોડ રૂપિયાની બચત થશે.
દર વર્ષે 477 કરોડ રૂપિયાની બચત
હાલમાં, એક પેની સિક્કાના ઉત્પાદનનો ખર્ચ લગભગ 3.7 સેન્ટ (લગભગ ₹3.08) છે, જે તેના પ્રિંટેડ મૂલ્ય કરતાં લગભગ ચાર ગણો છે. 2024માં, અમેરિકી મિંટે 3.17 બિલિયન પેની સિક્કા બનાવ્યા હતા, જેના પર આશરે $85 મિલિયન (લગભગ ₹710 કરોડ) ખર્ચ કરવામાં આવ્યા હતા. જો કે, આ ઉત્પાદન બંધ કરીને સરકાર દર વર્ષે આશરે $56 મિલિયન (લગભગ ₹477 કરોડ) બચાવશે.
હાલના સિક્કાઓનું શું?
નવા પેની સિક્કાઓનું ઉત્પાદન બંધ કરવામાં આવશે પરંતુ હાલ ચલણમાં રહેલા પેની સિક્કાઓ કાયદેસર અને માન્ય જ રહેશે. હાલમાં અમેરિકામાં લગભગ 114 અબજ પેની સિક્કાઓ વપરાશમાં છે.
રોકડ વ્યવહારો પર અસર
પેનીનું ઉત્પાદન બંધ થઈ ગયા પછી રોકડ વ્યવહારોમાં કિંમતો નજીકના 5 સેન્ટ સુધી ગોળાકાર કરી શકાય છે. જેમ કે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કરવામાં આવે છે. આનાથી ડિજિટલ વ્યવહારો પર કોઈ અસર થશે નહીં. પેની સિક્કો સૌપ્રથમ 1793માં જારી કરવામાં આવ્યો હતો અને 1909થી તેમાં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની છબી જોવા મળે છે. ભલે સિક્કાનું આર્થિક મહત્વ ઘટ્યું હોય પણ તે અમેરિકન સંસ્કૃતિ અને ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
