કેન્સરના દર્દીઓ માટે મોટા સમચાર, રશિયાએ કેન્સરની રસી શોધી હોવાનો કર્યો દાવો, દરેકને મફતમાં અપાશે
કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારીને લઈને રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું કે તેણે કેન્સરની રસી બનાવી છે. તમામ દર્દીઓને આ રસી મફતમાં મળશે. આ રસીનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારીને લઈને રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું છે કે, તેમણે કેન્સરની રસી બનાવી છે. કેન્સરના તમામ દર્દીઓને આ રસી મફતમાં મળશે. રશિયાનો દાવો છે કે આ રસી ગાંઠના વિકાસને રોકી શકે છે. આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારીથી પરેશાન છે. આવી સ્થિતિમાં રશિયાનો આ દાવો સમગ્ર વિશ્વ માટે મોટી રાહતના સમાચાર છે.
રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ કેન્સર સામેની રસી છે, જે 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. રશિયામાં કેન્સરના દર્દીઓની મફતમાં સારવાર કરવામાં આવશે. રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડિરેક્ટર એન્ડ્રે કેપ્રિને આ રસી વિશે માહિતી આપી હતી. જો કે, હાલમાં તે સ્પષ્ટ નથી કે આ રસી કયા કયા કેન્સરની સારવાર માટે વિકસાવવામાં આવી છે અને તે કેટલી અસરકારક છે.
રસીનું નામ હજુ જાહેર નહીં
આ રસીનું નામ પણ હજુ જાહેર કરાયું નથી. હકીકતમાં, બાકીના વિશ્વની જેમ, રશિયામાં પણ કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે. 2022 માં 6,35,000 થી વધુ કેન્સરના દર્દીઓના કેસ નોંધાયા છે. એવું માનવામાં આવે છે કે કોલોન, સ્તન અને ફેફસાંનું કેન્સર રશિયામાં આ રોગનું સૌથી સામાન્ય સ્વરૂપ છે. આ રસી વિશે જણાવવામાં આવ્યું છે કે આ રસી માત્ર ટ્યુમરના વિકાસની ઝડપને જ નહીં, પરંતુ ટ્યુમરના કદને પણ ઘટાડશે.
રાષ્ટ્રપતિ પુતિને કેન્સરની રસી અંગે આશા વ્યક્ત કરી હતી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2024ના વર્ષની શરૂઆતમાં કેન્સર વિરોધી રસી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે કેન્સરની રસી અને નવી પેઢીની ઇમ્યુનોમોડ્યુલેટરી દવાઓ બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. પુતિને આશા વ્યક્ત કરી હતી કે, ટૂંક સમયમાં આનો અસરકારક રીતે વ્યક્તિગત દવાની પદ્ધતિઓ તરીકે ઉપયોગ કરવામાં આવશે.