આ ભૂલ ભારે પડી, ઘઉંમાં રાખેલી સલ્ફરની ગોળીઓ એ બે જીવ લીધા !
ઘઉને જંતુઓથી બચાવવા માટે નાખવામાં આવેલ જંતુનાશક દવાએ, એક પરિવારને હોસ્પિટલ ભેગો કર્યો. જેમાંથી 2ના મોત થયા છે. આજકાલ સૌ કોઈ અનાજને સડી જતુ બચાવવા માટે જંતુનાશકનો ઉપયોગ કરે છે, પરંતુ આ કેટલુ જોખમી અને ખતરનાક હોય છે તે જાણો આ કિસ્સા પરથી.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં, ઘઉં માટે બનાવાયેલ જંતુનાશક સલ્ફર (એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ) ગેસમાં ફેરવાઈ જતા આખા પરિવારનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં બે બાળકોના મોત થયા, અને તેમના માતા-પિતા હજુ પણ ICUમાં જીવન મરણ સુધી ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે ઘરમાં આશરે 25 ક્વિન્ટલ ઘઉંનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. સલ્ફર (એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ) ની ગોળીઓ ઘઊની બોરીઓમાં મૂકવામાં આવી હતી. જેથી તેમને જંતુઓથી બચાવી શકાય. ભેજ અને ગરમીને કારણે, આ ગોળીઓ રાસાયણિક રીતે તૂટી ગઈ, જેનાથી ફોસ્ફાઇન ગેસ મુક્ત થયો, જે ખૂબ જ ઝેરી હોય છે. જ્યારે કુલરની હવા દ્વારા ગેસ આખા રૂમમાં ફેલાયો, ત્યારે પરિવારજનોને ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ અને બેભાન થવા જેવા લક્ષણોનો અનુભવ થવા લાગ્યો.
આ જીવલેણ ગેસ કેવી રીતે બન્યો? થોડી માત્રા પણ જીવલેણ બની શકે છે!
ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ.ઉદય કુમારનું કહેવું છે કે, સલ્ફરનો સૌથી મોટો ખતરો એ છે કે તેનો કોઈ એન્ટિડોટ્સ નથી. તે શરીરના દરેક અંગને અસર કરે છે. ફેફસાં, હૃદય અને મગજને સૌથી પહેલા અસર કરે છે. થોડી માત્રા પણ વ્યક્તિને મારવા માટે પૂરતી છે. ડૉ. ઉદય સમજાવે છે કે ફોસ્ફિન ગેસ રંગહીન છે પણ તેની ગંધ સડેલી માછલી કે લસણ જેવી આવે છે. જો તમને આવી ગંધ અનુભવાય, તો તમારે તાત્કાલિક રૂમમાંથી બહાર નીકળી જવું અને બારી–બારણું ખોલી દેવા, તરત જ ડૉક્ટરની મદદ લેવી.
ફોરેન્સિક નિષ્ણાતની ચેતવણી
ફોરેન્સિક નિષ્ણાત ડૉ.લોકેશ ચુઘ કહે છે કે ગામડાંઓ અને નાના શહેરોમાં લોકો હજુ પણ ઘઉં કે ચોખામાં સલ્ફર નાખે છે અને આ અત્યંત ખતરનાક છે. સલ્ફર હવામાં ભેજ સાથે પ્રતિક્રિયા આપે છે અને ફોસ્ફિન ગેસ છોડે છે. આ ગેસ અદ્રશ્ય છે, પરંતુ તે મિનિટોમાં ફેફસાંની ઓક્સિજન પ્રણાલીને ભારે નુકશાન કરે છે.
ઘરે ક્યારેય ન કરો આ 3 ભૂલો
* અનાજ નજીક સલ્ફર અથવા જંતુનાશકોનો સંગ્રહ ન કરવું. હંમેશા તેનો ઉપયોગ બહાર અથવા ખુલ્લી જગ્યામાં કરવું.
* કુલર અથવા પંખો ચાલુ રાખીને સ્ટોરરૂમમાં પ્રવેશ નહીં કરવું. આનાથી ગેસ ઝડપથી ફેલાઈ શકે છે.
* ભેજવાળા અથવા વરસાદી હવામાનમાં સલ્ફરનો ઉપયોગ કરવાનું ટાળો આ ગેસ બનવા નું એક મુખ્ય કારણ છે.
તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી?
જો અનાજમાં જંતુઓનો ઉપદ્રવ હોય, તો કુદરતી ઉપાયો (લીમડાના પાન, સૂકા લાલ મરચાં, લવિંગ વગેરે) નો ઉપયોગ કરો. સલ્ફર અથવા એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ ક્યારેય બંધ રૂમમાં સંગ્રહિત ન કરો. જો કોઈને અચાનક ચક્કર આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય કે ઉલટી થાય, તો તરત જ તેમને બહાર લઈ જાઓ અને હોસ્પિટલમાં લઈ જાઓ.
