શું તમે પણ વધુ પ્રમાણમાં સેવન કરો છો આદુવાળી ચાનું? આ ચસ્કો પડી શકે છે ભારે, જાણો સાઈડ ઈફેક્ટ
તમને પણ આદુની ચા પીવાનો ખુબ ચસ્કો હશે. પરંતુ શું તમે જાણો છો વધુ પડતા આદુના સેવનથી ઘણી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ચાલો જાણીએ તેના વિશે.
ચોમાસાની ઋતુ અને ચાની મજા બંનેની વાત જ અલગ છે. મોટાભાગે આપણને સૌને ચા પીવી ખુબ ગમે એમાં પણ ઘણા લોકો આદુની મસાલા ચાના ખુબ મોટા રસિયા હોય છે. આદુ એક ખૂબ વધુ વપરાતો મસાલો છે. જે આપણા રસોડામાં ચોક્કસ જોવા મળે છે. આદુનો ઉપયોગ ચામાં સૌથી વધુ થાય છે. આ સિવાય, તે અન્ય ઘણી ખાદ્ય ચીજોમાં પણ વપરાય છે. આદુમાં ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે, જે આપણને ઉત્તમ સ્વાદની સાથે સાથે અન્ય ઘણા ફાયદા પણ આપે છે.
તમને જણાવી દઈએ કે આદુમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન બી 3 અને બી 6, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત, આદુ તેના ઘણા ઔષધીય ગુણોને કારણે મનુષ્યો માટે વરદાન છે. આદુના ફાયદાઓ વિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. જી હા, વધારે પ્રમાણમાં આદુ ખાવાથી આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સગર્ભા સ્ત્રીઓને આદુથી યોગ્ય અંતર રાખવાની સલાહ આપવામાં આવે છે.
એક દિવસમાં કેટલું આદુ લેવું જોઈએ
આપણે બધા જાણીએ છીએ કે આદુ ગરમ છે. તેથી, તેનો વધુ પડતો વપરાશ આપણા માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ આદુથી થતા નુકસાન વિશે. નિષ્ણાતોના મતે એક દિવસમાં 5 થી 6 ગ્રામ આદુ આપણા માટે પૂરતું છે. જો આપણે તેનાથી વધુ આદુનું સેવન કરીએ છીએ તો તે નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. વધારે પ્રમાણમાં આદુનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય આદુનું વધુ પડતું સેવન આપણા માટે બીજી ઘણી રીતે નુકસાનકારક છે.
વધુ આદુથી થાય છે આ સમસ્યાઓ
વધુ આદુવાળી ચા પીવાથી છાતી અને પેટમાં બળતરા થાય છે. જો તમને રાત્રે સૂતા પહેલા નિયમિત રીતે આદુની ચા પીવાની ટેવ હોય તો તમારે તરત જ ચેતી જવું જોઈએ. લાંબા સમય સુધી રાત્રે આદુની ચા પીવાથી ઊંઘ ના આવવાની સમસ્યા થઈ શકે છે. જો સમયસર આ સમસ્યા પર નિયંત્રિત ન લાવવામાં આવે, તો પછી સમસ્યા વધી શકે છે. આ સાથે પુરતી ઊંઘ ના આવવાથી સાથે ઘણી સમસ્યાઓ આવે છે.
આદુ બ્લડ સુગર ઘટાડે છે, જો તમારું બ્લડ સુગર પહેલેથી ઓછું છે તો તમારે આદુની ચા ન પીવી જોઈએ કારણ કે તે તમારા માટે હાનિકારક હોઈ શકે છે. લો બ્લડ પ્રેશરવાળા લોકોએ વધારે પડતી આદુવાળી ચા ન પીવી જોઈએ. આદુની ચા પેટમાં ગયા બાદ એસિડ વધારે છે. જો તમે વધારે પડતી ચા પીતા હો, તો તમને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે.
આ પણ વાંચો: 100 થી વધુ રોગોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આ ફળ! જાણો 5 સૌથી મોટા ફાયદા
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચો: સારી ઊંઘની રાહમાં નહીં ફેરવવા પડે પડખાં, આજે જ અજમાવી જુઓ ઘરેલુ અને આયુર્વેદિક ઉપાય