Valsad: વરસાદ બાદ તારાજી જ તારાજી, વેપારીઓને લાખોનું નુકસાન, હવે રોગચાળાની ભીતિ
બે દિવસ સુધી વલસાડ (Valsad) શહેરને ધમરોળ્યા બાદ ઓરંગા નદી હવે શાંત થઈ છે. પણ વલસાડ જિલ્લાના સૌથી મોટા અનાજ બજારમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
વલસાડમાં (Valsad) મેઘાની ધમધોકાર બેટિંગથી ઘણી મુશ્કેલીઓ સર્જાઇ છે. પહેલા પાણીનો ભરાવો થાય તે હાલાકી. પછી, પાણી ઓસરે ત્યારે સર્જાતી રોગચાળાની ભીતિ. આ મુશ્કેલીમાં વલસાડના વેપારીઓની (merchants) સ્થિતિ કફોળી બની છે. ગુજરાતમાં (Gujarat) મેઘરાજાએ ચોમાસાની શરુઆતમાં જ ધુંઆધાર બેટિંગ કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોને મેઘરાજાએ ધમરોળી દીધુ છે.
વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન
વરસાદ બાદ વલસાડમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. વલસાડના અનાજ બજારના ગોડાઉનમાં રહેલ અનાજ પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનુ નુક્સાન થયુ છે. તેમની વ્યથા એ પણ છે કે, આ હાલાતમાં કોઇએ તેમની દરકાર પણ લીધી નથી. કોઇ અધિકારી પણ બજારમાં સ્થિતીની સમીક્ષા કરવા આવ્યા નથી. વલસાડમાં ભારે વરસાદ થયા પછી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યા અને તારાજીના દ્રશ્યો અનાજ બજારમાં જોવા મળ્યા.
ઔરંગાના જળ તાંડવને કારણે સતત બે દિવસ સુધી નદી કિનારા વિસ્તારના લોકોને ઘરમાં જ રહેવા મજબૂર થવું પડ્યું. તબાહીની ભયાનક્તા એટલી હતી કે નીચાણવાળા વિસ્તારોમાં પહેલા માળ સુધી લોકોના ઘરમાં પાણી હતું. આ વિસ્તારમાંથી 2 દિવસ સુધીમાં 2000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. જોકે બે દિવસ સુધી વલસાડ શહેરને ધમરોળ્યા બાદ ઓરંગા નદી હવે શાંત થઈ છે. પણ વલસાડ જિલ્લાના સૌથી મોટા અનાજ બજારમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકી
અનાજ બજારના વેપારીઓની મૂડી તો જાણે ધોવાઇ જ ગઇ છે એટલું નુક્સાન થયુ છે. પણ હવે સ્થિતિને સામાન્ય કરવાની જવાબદારી તો પાલિકાની છે. કેમકે જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં કંઇ હદે ગંદકી ફેલાઇ ચૂકી છે. જો કે રાહ જોય વિના તંત્ર દ્વારા કેટલાક વિસ્તારમાં સાફ સફાઇ માટેની ટીમ અને રોગચાળો ના ફેલાય તે માટે આરોગ્યની ટીમ કામે લાગી છે તેવુ કલેક્ટરનુ કહેવું છે. બીજી બાજુ હકીકત તો એ પણ છે કે ઘણા વિસ્તારોમાં તો સાફસફાઇની શરૂઆત પણ થઇ નથી.
કુદરતી આફત એવી હતી કે સિસ્ટમ પહોંચી ના વળી તે સમજાય છે પણ વરસાદ બંધ થઇ ગયા પછીના જે હાલ છે તેને સમય પર સામાન્ય કરવાની જરૂર છે અને તે પણ એક બે વિસ્તારમાં નહીં પણ પૂરા વલસાડમાં તો જ રોગચાળાથી વલસાડની જનતા સુરક્ષિત અનુભવ કરી શક્શે.