Valsad : ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, લોકોને સલામત સ્થળે ખસેડાયા
વલસાડ(Valsad) જિલ્લાની ઔરંગા અને વાકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. જેમાં પૂરની સ્થિતિ વચ્ચે પ્રધાન જીતુ ચૌધરીએ કંટ્રોલરૂમની મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી.
વલસાડ (Valsad) માં વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે. શહેરના અનેક વિસ્તારો પાણી (Water) માં ગરકાવ થયા છે. તો જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘો કહેર બનીને વરસ્યો છે. કોસંબામાં મેઘરાજા (Rain) એ કહેર વર્તાવ્યો છે તો ધરમપુરમાં રીતસર આભ ફાટ્યુ અને 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો આ તરફ પારડીમાં જળબંબાકારની સ્થિતિ છે તો રાજનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન સર્જાયું છે. આ તરફ કાશ્મીરનગરની પણ આવી જ હાલત સર્જાઇ છે. તો જિલ્લાની ઔરંગા અને વાકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પૂરની સ્થિતિ વચ્ચે પ્રધાન જીતુ ચૌધરીએ કંટ્રોલરૂમની મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી. જોકે સંકટના સમયે NDRFની ટીમ જીવના જોખમે કામગીરી કરી રહી છે અને પૂરગ્રસ્તો માટે દેવદૂત સાબિત થઇ રહી છે.
ઔરંગા નદીના પાણી કોસંબામાં ફરી વળ્યા
વલસાડનું કોસંબામાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદની સાથે ઉપરવાસમાં પડેલા વરસાદની અસર અહીં જોવા મળી રહી છે. સાથે જ ભરતીને પગલે વરસાદી પાણી દરીયામાં જવાને બદલે ગામમાં આવવા લાગ્યા છે. વાકી નદી અને ઔરંગા નદીના પાણી કોસંબામાં ફરી વળ્યા છે. ત્યારે અહીં સ્થાનિક સ્તર પર તંત્ર દ્વારા અને સ્થાનિકો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જળસ્તરમાં સતત વધારાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.NDRFની ટીમની સાથે ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિક તંત્રની ટીમો પણ કામે લાગી છે. પાણીનું વહેણ વધુ તેજ બનતા રસ્તા પર દોરડા બાંધવામાં આવી રહ્યા છે.. સાથે જ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.